Bhaskar News, Rajula
| Nov 22, 2013, 00:08AM IST
રાજુલા તાલુકાના છતડીયા ગામે માલધારીઓના ઘેટામાં કોઇ ભેદી રોગચાળો ફેલાતા ટપોટપ ૨પ ઘેંટાના મોત થયા હોવાનું બહાર આવ્યુ છે. અહિંના ઘેંટામાં છેલ્લા પાંચ દિવસથી આ રોગચાળો જોવા મળે છે અને દરરોજ ઘેંટા મરે છે અને આજે પણ પાંચ ઘેંટાના મોત થયા હતાં. જો કે પશુપાલન વિભાગના અધિકારીઓ હજુ સુધી અહિં ડોકાયા ન હતાં.
ગત વર્ષે ગીર જંગલમાં ભેંસોમાં એક ભેદી રોગચાળો જોવા મળ્યો હતો. તો ઓણ સાલ રાજુલા તાલુકાના છતડીયા ગામે ઘેંટામાં આવો રોગચાળો હોવાનું બહાર આવ્યુ છે. અહિં રહેતા બે ભરવાડના ઘેંટાઓ આ રોગચાળાનો ભોગ બન્યા છે. છતડીયા ગામના ભલાભાઇ કાનાભાઇ ભરવાડ અને કાળાભાઇ સુખાભાઇ ભરવાડ એમ બન્ને માલધારી પાસે ૮૦-૮૦ ઘેંટા છે. પરંતુ પાછલા પ દિવસથી ફેલાયેલા ભેદી રોગચાળામાં ૨પ ઘેંટાના મોત થઇ ચુક્યા છે.
આ શું રોગચાળો છે તેની માલધારીઓને કોઇ જાણ નથી. અચાનક જ ઘેંટુ તરફડીને મરી જાય છે. તેની આંખો સોજી જાય છે, ગળામાં પણ સોજા જોવા મળે છે અને બાદમાં તે મોતને ભેટે છે. ભલાભાઇ ભરવાડે જણાવ્યુ હતું કે છેલ્લા પાંચ દિવસથી આ રીતે ટપોટપ ઘેંટા મરી રહ્યા છે. આજે પણ સીમમાં ઘેંટા ચરી રહ્યા હતા ત્યારે પાંચ ઘેંટાનું મોત થયુ હતું. અહિં પશુપાલન વિભાગના કોઇ અધિકારી કે પશુ ચિકિત્સકો હજુ સુધી ડોકાયા નથી. અહિંના માલધારીઓએ માંગ ઉઠાવી છે કે પશુ ડોક્ટરોની ટીમ ગામની મુલાકાત લે અને પશુઓને બચાવે.
No comments:
Post a Comment