Dilip Raval, Amreli
| Nov 26, 2013, 16:38PM IST
જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે આજે સવારે એક સિંહણે દિપડીના
બચ્ચા પર હુમલો કર્યો હતો. સિંહણે દિપડીના બચ્ચાને કમરના ભાગેથી દબોચી લેતા
તેણે ચીસાચીસ કરી હતી. જેને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને
લોકોનું ટોળું એકઠું થતાં સિંહણ ઘાયલ બચ્ચાને પડતું મુકી નાસી ગઇ હતી.
હાલમા આ બચ્ચાની સારવાર શરૂ છે.
સિંહ અને દિપડાનો આમનો સામનો થઇ જાય તો ચૌક્કસ જંગ જામે છે. જો કે
વિજય હંમેશા સિંહનો થાય છે. દિપડાના ભાગે મોટે ભાગે મોત આવે છે. પરંતુ આજે
સિંહણના હુમલામાં દિપડીનું બચ્ચું માંડ બચી શક્યું હતું. સુત્રોમાંથી જાણવા
મળતી વિગત અનુસાર જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામની સીમમા આજે સવારે
સાતેક વાગ્યાના સુમારે એક સિંહણે દિપડાના બચ્ચા પર હુમલો કર્યો હતો.
આ સિંહણે દિપડાના બચ્ચાને કમરના ભાગેથી પકડી મોઢામા દબાવી દેતા તેને
ઇજા પહોંચી હતી. જો કે દિપડીના બચ્ચાનો શોર સાંભળી આસપાસમા કામ કરતા લોકો
એકઠા થઇ જતા સિંહણે હેબતાઇ ગઇ હતી. અને લોકો એકઠા થતા દિપડાના બચ્ચાને પડતુ
મુકી સિંહણ નાસી છુટી હતી. ઘાયલ બચ્ચા અંગે વનતંત્રને જાણ કરવામા આવતા
વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ બચ્ચાને સારવાર માટે
સાસણના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામા આવ્યુ હતુ. આરએફઓ રાજપુતે જણાવ્યુ હતુ
કે આ બચ્ચુ છ માસનુ હતુ અને હાલમા બચી ગયુ છે.
No comments:
Post a Comment