Thursday, January 17, 2013

દીપડાએ ૪ વર્ષની બાળા પર મારી તરાપ, શરીર પર ભર્યા બચકાં.


Bhaskar News, Juangadh | Jan 08, 2013, 00:24AM IST
- આણંદપુરની સીમમાં શ્રમિક પરિવાર નિદ્રાધીન થતાંજ દીપડો આવી ચઢ્યો

જૂનાગઢ તાલુકાનાં આણંદપુર ગામની સીમમાં દીપડાએ એક ૪વર્ષની બાળા પર તરાપ મારી તેને બચકાં ભરી લેતાં સારવાર માટે જૂનાગઢ ખસેડાઇ હતી. બાળાનાં પિતાએ દીપડાને ઝાપટ મારતાં તે નાસી ગયો હતો.

પ્રાપ્તવીગતો મુજબ, જૂનાગઢ તાલુકાનાં આણંદપુર ગામે સીમ વિસ્તારમાં ડેમ પાસે ભૂપતભાઇ વાઘેલા નામનાં નાથબાવાનો પરિવાર રહે છે. અને મજૂરી કરી પેટિયું રળે છે. આ પરિવાર આજે સાંજે મજૂરી કામેથી આવ્યા બાદ ભોજન કરી બાદમાં વાતો કરતો હતો. વાતો કરતી વખતે જ ભૂપતભાઇ, તેમનો પુત્ર અને પત્ની નિદ્રાધીન થયા હતા. હજુ ગાઢ ઉંઘમાં સરી પડે એ પહેલાંજ જંગલમાંથી આવી ચઢેલા એક દીપડાએ તેમની ૪ વર્ષની પુત્રી વર્ષા ઉપર તરાપ મારી હતી.

ચૂપકિદીથી આવેલા દીપડાનો જરાય અવાજ નહોતો આવ્યો. પરંતુ હુમલો થતાંજ વર્ષા હેબતાઇ ગઇ હતી. અને રડવા લાગી હતી. દીપડાએ વર્ષાનાં માથામાં બચકું ભર્યું. પરંતુ એ તેને પકડી ન શક્યો. આથી તેના હાથ, વાંસામાં બચકાં ભર્યા એટલી વારમાં ભૂપતભાઇ સહિતનો પરિવાર જાગી ગયો. ભૂપતભાઇએ દીપડાને ઝાપટ મારતાં દીપડાએ વર્ષાને મૂકી દીધી હતી. અને બાદમાં તે જંગલ તરફ નાસી છુટ્યો હતો.

બનાવને પગલે ૧૦૮ ને જાણ કરાતાં ૧૦૮ તાકીદે આણંદપુર પહોંચી હતી. અને વર્ષાને સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પિટલે લાવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં વનવિભાગનાં આરએફઓ મારૂ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે જવા રવાના થઇ ચૂકયો છે. દીપડાની રંજાડને લીધે આ વિસ્તારનાં ખેડૂતો ફફડી ઉઠ્યા છે.

- માછલી રંધાતી હોય ત્યાં દીપડો આસાનીથી પહોંચી જાય

દીપડાનાં આંટાફેરા અંગે આરએફઓ મારુએ જણાવ્યું હતું કે, માછલી જ્યાં રંધાતી હોય એ ઝૂંપડા અને દંગાઓ તરફ દીપડા તેની ગંધને આધારે પહોંચી જાય છે. વળી ઝૂંપડા કાચા અને બારી દરવાજા ખુલ્લા જુએ તો માનવી પર હુમલો કરી બેસે. તેમાંયે જો બાળકો સૂતા હોય તો દીપડા જેવા હિંસક પ્રાણીઓ તેને પહેલાં નિશાન બનાવે છે. જેથી આવા શિકારને તેઓ આસાનીથી ઉઠાવી જઇ શકે.

- ૩ દિ’ પેલાં એક દીપડો ઝડપાયો ‘તો

આણંદપુર પાસેથીજ હજુ એક દીપડાને વનવિભાગને ગામલોકોની માંગણીનાં આધારે પાંજરે પૂરી દૂર છોડી મૂક્યો હતો. એક દીપડાને પકડ્યોત્યાંજ બીજા દીપડાએ દેખા દેતાં રાત્રે સીમ વિસ્તારમાં પાણી વાળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

No comments: