Thursday, January 31, 2013

અમરેલી જિલ્લાનાં જળાશયોમાં વિદેશીપક્ષીઓ મહેમાન બન્યાં.


અમરેલી જિલ્લાનાં જળાશયોમાં વિદેશીપક્ષીઓ મહેમાન બન્યાં

Dilip Raval, Amreli  |  Jan 18, 2013, 16:53PM IST
- પ્રવાસી પક્ષીઓનું પણ એકમાંથી બીજા જળાશયમાં સ્થળાંતર
અમરેલી જિલ્લાના વિવિધ જળાશયો પર દર વર્ષની માફક આ વર્ષે પણ ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ઉતરી આવ્યા છે. નવાઇની વાત એ છે કે આ પ્રવાસી પક્ષીઓ પૈકી કેટલાક એક જ જળાશય પર સ્થિર રહેતા નથી પરંતુ બીજા જળાશયમાં સ્થળાંતર કરી જાય છે. જિલ્લાના અનેક જળાશયો પર આ પ્રકારના દ્રશ્યો નજરે પડ્યા છે.
અમરેલી જિલ્લામાં ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણે મોટા ભાગના જળાશયોમાં પાણી ઓછુ છે તો કેટલાક જળાશયો બીલકુલ ખાલીખમ છે. પરંતુ જયાંજયાં પાણી છે ત્યાં અને રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે ખુબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવી પહોંચ્યા છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ આ પ્રવાસી પક્ષીઓ પોતાના વતન તરફ પરત ઉડી જશે.
આ પ્રવાસી પક્ષીઓ આશ્ચર્ય જનક રીતે દર વર્ષે એક જ સ્થળે શિયાળો ગાળવા માટે આવી શકે છે. પરંતુ એવુ જરૂરી પણ નથી કે એકાદ જળાશય પર પુરો શિયાળો તે રોકાય કેટલાક પક્ષીઓ એક જળાશયમાંથી બીજા જળાશયમાં સ્થળાંતર પણ કરતા રહે છે. કદાચ શિકાર વધતા ઓછા અંશે મળતો હોવાના કારણે તેઓ આમ કરતા હશે.
પોણા ભાગનો શિયાળો વિતી ગયો ત્યાં સુધી ધારીના ખોડીયાર ડેમ પર રાજહંસ દેખાયા ન હતા. પરંતુ થોડા દિવસ પહેલા રાજહંસનું એક ટોળુ અન્ય જળાશયમાંથી સ્થળાંતર કરી અહી આવ્યું છે. આવી જ રીતે અમરેલીમાં કામનાથ ડેમમાં પણ કેટલાક પેલીકન સ્થળાંતર કરીને આવ્યા હતા. તો વિકટર અને આસપાસના વિસ્તારમાં દરિયાકાંઠે પણ પક્ષીઓની સંખ્યામાં વધઘટ થતી રહે છે.
જિલ્લામાં ક્યાં ક્યાં જળાશયો પર પક્ષીઓ
અમરેલી જિલ્લામાં સૌથી વધુ પક્ષીઓ રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે જોવા મળે છે. આ ઉપરાંત અમરેલીના કામનાથ ડેમ, ધારીના ખોડીયાર ડેમ, બગસરા નજીક મુંજીયાસર ડેમ, ધાતરવડી ડેમ તથા અન્ય કેટલાક મોટા તળાવોમાં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ નજરે પડ્યા છે

No comments: