Bhaskar News, Amreli | Jan 03, 2013, 01:15AM IST
ક્રાંકચ પંથકનાં સાવજોનું એક ગ્રુપ લાઠી-બાબરા અને ચિત્તલ પંથકમાં ચક્કર મારી રહ્યું છેએક ગ્રુપ જાફરાબાદનાં દરિયાકાંઠાનાં ગામોમાં પહોંચી ગયું છે
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સાવજોના રહેઠાણ છે. ગીર જંગલ ટુંકુ પડતા જંગલ બહાર નીકળી ગયેલા સાવજો અમરેલી જિલ્લાના જુદાજુદા રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે. પરંતુ અહી પણ હવે સાવજોની સંખ્યા વધતી જાય છે ત્યારે કેટલાક સાવજો નવા રહેઠાણની શોધમાં હોવાનુ નજરે પડે છે.
ક્રાંકચ પંથકના સાવજોનું એક ગ્રુપ તાજેતરમાં લાઠી, બાબરા તથા ચિતલ પંથકમાં ચકકર મારી રહ્યું છે. તો એક ગ્રુપ જાફરાબાદના દરિયાકાંઠાના ગામોમાં પહોંચ્યુ છે. એક સાવજ છેક સાવરકુંડલાના પાદર સુધી પહોંચી ગયો છે.
સાવજોને જાણે ગીરનું જંગલ ટુંકુ પડતુ હોય તેમ હવે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે. ગીર જંગલની બહાર લીલીયા પંથકના ક્રાંકચના બાવળની કાટના જંગલમાં ૨૮ ઉપરાંતના સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ ઉપરાંત સાવરકુંડલા તેમજ જાફરાબાદના દરિયાકાંઠાળ વિસ્તારોમાં સાવજોએ રહેઠાણો બનાવ્યા છે. હાલમાં રેવન્યુ વિસ્તારમાં રહેતા સાવજોએ પણ નવા રહેઠાણોની શોધ આદરી છે.
થોડા દિવસ પહેલા ક્રાંકચ પંથકમાં રહેતા અનેક સાવજો લાઠી અને ગઢડા સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં નવા રહેઠાણોની શોધમાં નીકળ્યા હતા. સાવજો નવા વિસ્તારમાં જતા ત્યાંના લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી. આ ઉપરાંત સાવજોએ બાબરા પંથકમાં પણ આંટાફેરા શરૂ કર્યા હોવાનું જાણવા મળેલ છે.
આ સાવજો છેક અમરેલીના પાદરમાં આવેલા ચાંદગઢ ગામની સીમ સુધી આંટાફેરા મારી રહ્યાં હોય લોકો સિંહ દર્શનનો લ્હાવો લઇ રહ્યાં છે. તાજેતરમાં તો એક સાવજ સાવરકુંડલા શહેરમાં આવેલ એક પેટ્રોલપંપ સુધી આવી ગયો હોવાનું કહેવાય રહ્યું છે. જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ વાંઢ ગામ સુધી પણ સાવજો આવી ગયા છે. આમ ગીર જંગલના સાવજોએ રેવન્યુ વિસ્તારમાં નવા રહેઠાણોની શોધ આદરી દીધી છે.
No comments:
Post a Comment