Thursday, January 17, 2013

વાંકીયામાં ભેદી રોગચાળાથી ૪૦ બગલાનાં મોત.


Bhaskar News, Amreli | Jan 05, 2013, 00:47AM IST
પાછલા કેટલાક દિવસથી દરરોજ રહસ્યમય સંજોગોમાં બગલાઓ મોતને ભેટે છે
 
એક તરફ જાફરાબાદ પંથકમાં યાયાવર પક્ષીઓના ભેદી સંજોગોમાં મોત થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ અમરેલી તાલુકાના વાંકીયા ગામે ભેદી સંજોગોમાં આજે એક સાથે ૪૦ બગલાના મોત થતા ચકચાર મચી જવા પામી છે. અહિં શીવ મંદિર નજીક આવેલી ઝાડીમાં દરરોજ ટપોટપ બગલાઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે આ પગલાઓ ક્યાં રોગચાળાનો શિકાર બન્યા છે તે દિશામાં તપાસ થવી જરૂરી છે.
 
અમરેલી તાલુકાના વાંકીયા ગામે સિધ્ધેશ્વર શીવાલય અને શીતળાઇ મંદિરના પ્રાંગણમાં આવેલા બગીચામાં પાછલા કેટલાક દિવસોથી બગલાઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. અહિં દરરોજ બે-પાંચથી લઇ દસ બગલાઓ કોઇ ભેદી રોગચાળામાં મૃત્યુ પામી રહ્યા છે. આજે તો અચાનક જ ૩પ થી ૪૦ જેટલા બગલા મોતને ભેટયા હતાં.
 
ગામના ઘનશ્યામભાઇ પડશાલા અને ચીમનભાઇ પડશાલાએ જણાવ્યુ હતું કે અહિં મંદિરના પ્રાંગણમાં આવેલી ઝાડીઓ ઉપર ખુબ મોટી સંખ્યામાં બગલાની વસાહતો છે. સાંજ પડતા જ મોટી સંખ્યામાં માળાઓમાં બગલા ઉતરી આવે છે અને સવારે ફરી ઉડી જાય છે. પરંતુ પાછલા કેટલાક દિવસોથી દરરોજ બગલાઓ મોતને ભેટે છે. આજે એક સાથે ૩પ થી ૪૦ જેટલા બગલા કોઇ ભેદી રોગનો ભોગ બની ઝાડ પરથી નીચે પટકાયા હતાં અને મોતને ભેટયા હતાં.
 
દોઢ માસ પહેલા પણ અહિં દસેક દિવસ સુધી આ સીલસીલો ચાલ્યો હતો. પરંતુ અચાનક બગલા મરતા બંધ થઇ ગયા હતાં. પણ હવે આ સીલસીલો ફરી શરુ થયો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા પક્ષીઓમાં ક્યાં પ્રકારનો રોગચાળો ફેલાયો છે તે દિશામાં તપાસ થવી જરૂરી છે.

No comments: