Thursday, January 17, 2013

જૂનાગઢમાં દેખો ત્યાં ઠાર : ગિરનાર ઠંડો ગાર.


Bhaskar News, Junagadh | Jan 08, 2013, 00:20AM IST
- આખો દી’ સ્વેટર પહેરવું પડે એવી ટાઢ : તાપમાન ૬.૫ ડીગ્રી

શિયાળો અત્યારે પૂર બહારમાં ચાલી રહ્યો છે. ત્યારે ગરવા ગઢ ગિરનાર પર ફરી ન્યુનત્તમ તાપમાનનો પારો ઠારબિંદુની નજીક પહોંચી ચૂકયો છે. આજે જૂનાગઢનું ઓછામાં ઓછું તાપમાન ૬.૫ ડીગ્રી સેિલ્શયસ નોંધાયું હતું. લોકો છેલ્લા કેટલાક દિવસોથી એકધારી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

જૂનાગઢ કૃષિ યુનિ.નાં હવામાન વિભાગ દ્વારા આજે નોંધાયેલું શહેરનું મહત્તમ તાપમાન ૨૭.૫ ડીગ્રી, લઘુત્તમ તાપમાન ૬.૫, હવામાં ભેજ સવારે ૭૨ ટકા અને બપોરે ૧૪ ટકા તેમજ દિવસભર પવનની સરેરાશ ઝડપ ૪.૧ કિમી/કલાક રહી હતી. હવામાં ભેજનું પ્રમાણ ગણત્રીનાં કલાકોમાં જ ૫૮ ટકા જેટલું ઘટી જતાં ટાઢનું પ્રમાણ પણ બપોરે એકાએક વધ્યું હતું. પવનની ઝડપમાં પણ વધઘટ રહેતાં તેને લીધે પણ ઠંડીનો અનુભવ સારો એવો થયો હતો.

જૂનાગઢ શહેરમાં હોય તેના કરતાં ભવનાથ વિસ્તારમાં ઠંડી વધુ હોય છે. અને ગિરનાર પર્વત પર એથીયે વધુ ઠંડીનો અનુભવ થયો હોય છે. પર્વતની ઉંચાઇએ તો જૂનાગઢ શહેરમાં હોય તેના કરતાં લગભગ પાંચ થી છ ડીગ્રી  તાપમાન નીચું હોય છે. ગિરનાર પર તો યાત્રાળુઓએ દિવસભર ગરમ કપડાંજ નહીં, ટોપી, મફલર, હાથમોજાં સિવાય બહાર નીકળી શકાતું નથી. રાત્રિરોકાણ કરનાર યાત્રાળુઓને તો રાત્રે ઓઢવા માટે ધાબળા ઉપરાંત ગરમ કપડાં પણ પહેરવાં પડતા હોય છે.

પર્વત પર સીડીની આસપાસ ચા-નાસ્તાની દુકાનોએ પેટાવેલા પ્રાયમસ કે  સગડી પાસે પસાર થતા લોકો થોડીવાર માટે ઉભી જવાનું પસંદ કરતા હોય છે. શિયાળામાં લોકોને ભૂખ પણ વધુ લાગતી હોઇ ગિરનાર ચઢતા અને ઉતરતા લોકો નાસ્તા માટે પડાપડી કરે છે. જોકે, ઉતરતી વખતે શરીરમાં ગરમી આવતી હોઇ ઠંડી સહ્ય બને છે ખરી. પરંતુ જ્યાં લોકો થાક ખાવા ઉભા રહે ત્યાં જોરદાર પવન લાગતાં ફરી પાછા હૂ..હૂ..હૂ.. કરતા ઠારનો અનુભવ થઇ રહ્યો છે.

તો પર્વત ચઢતા યાત્રાળુઓને શિયાળાને લીધે એકંદરે સહેલાઇ રહેતી હોય છે. પર્વત પર ટાંકામાંથી પાણી પીનારને દાંત કડકડે એવી ટાઢ લાગે છે. તેમાંયે ગિરનારની સીડી પર જે સ્થળે પર્વતનો પડછાયો પડતો હોય તેઓને સૌથી વધુ ઠંડી અનુભવવી પડે છે. જ્યારે અંબાજી, ગુરૂ દત્તાત્રેય, ગોરખધૂણો, વગેરેની ટોચ પર સૂર્યનો તડકો ‘માણવા’ મળે. અલબત્ત, પવનનું જોર હોઇ ઠંડીતો લાગેજ, પરંતુ સહન થઇ શકે ખરી.

- યાયાવરોનું આગમન : લોકો ટોળે વળ્યા

ઠંડીને પગલે આ વખતે સૌપ્રથમ વખત શહેર મધ્યે આવેલા નરસિંહ મહેતા સરોવરમાં નવી જાતનાં વિદેશી પક્ષીઓનું આગમન થયું હતું. લાંબી મોટી ચાંચ ધરાવતા અને પાણીમાં તરી રહેલા આ પક્ષીઓને નિહાળવા રસ્તેથી પસાર થતા લોકો થોડીવાર માટે સરોવરની પાળે ઉભા રહી જતા જોવા મળ્યા હતા.

- ઠંડીમાં ‘ચટાકો’

રાત્રિનાં સમયે ફરવા નીકળતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ રાત્રે ખાણીપીણી માટે ખાસ કરીને ગરમા ગરમ ગાંિઠયા, ભજીયાં, અમેરિકન મકાઇ, વગેરે આરોગવા માટે લોકો બહાર નીકળતા હોય છે. અને ઘર માટે ‘પાર્સલ બંધાવી’ પરત જતા રહેતા હોય છે. તો શિયાળામાં સાઉથ ઇન્ડિયન વાનગીઓની માંગ પણ વધી છે.

- ક્યા કેટલી ઠંડી

રાજકોટ        ૯.૦
જામનગર    ૬.૭
જૂનાગઢ       ૬.૫
નલિયા        ૫.૫
અમરેલી      ૧૧.૪
સુ.નગર       ૧૦.૬
પોરબંદર     ૧૦.૮
વેરાવળ       ૧૨.૫
ભાવનગર    ૧૦.૨
ભુજ              ૧૦.૭
દીવ             ૯.૧
વેરાવળ      ૧૨.૫
દ્વારકા          ૧૩.૬

No comments: