Thursday, January 31, 2013

તુલશીશ્યામ મંદિરમાં કામ કરતા ૧૦ શખ્સોની પુછપરછ.



Bhaskar News, Rajula | Jan 30, 2013, 23:24PM IST
- વાહન અને લોકોની અવરજવર અંગે વનવિભાગની ચેક પોસ્ટની નોંધણી ઉપયોગી બનશે ?

મધ્ય ગીરમાં આવેલ પવિત્ર તુલશીશ્યામની જગ્યા પર તસ્કરોનો ડોળો પડતા રૂ. ૫ લાખની કિમતના ભગવાનના દાગીનાની ચોરી થયા બાદ પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલવા ઉંધામાથે થઇ છે. મંદિરમાં જુદાજુદા વિભાગમાં કામ કરતા ૧૦ શખ્સોની ગઇકાલે પોલીસે પુછપરછ કરી હતી. ઉપરાંત જંગલમાં આવતા જતા દરેક વાહનોની નોંધ થતી હોય વનવિભાગની આ નોંધ પણ પોલીસને ઉપયોગી નીવડે તેવુ મનાઇ રહ્યું છે.

ગીર જંગલમાં ભગવાન શ્યામના દાગીના ઉઠાવી જનાર તસ્કરો પ્રત્યે ભાવિકોમાં ભારોભાર રોષ છે ત્યારે પોલીસ પણ આ લોકરોષને પારખી ચોરીનો ભેદ ઉકેલવા દોડધામ કરી રહી છે. પોલીસે ગઇકાલે અહીના રસોડા વિભાગ સહિત જુદાજુદા વિભાગોમાં કામ કરતા દસેક શખ્સોને ઉપાડી લઇ પુછપરછ કરી હતી અને જરૂરી જાણકારી મેળવી હતી. જો કે આ પુછપરછ દરમિયાન પોલીસને કોઇ વિશેષ માહિતી ન મળતા સાંજે તમામને જવા દેવાયા હતા.

બીજી તરફ જંગલમાં આવજા કરતા તમામ વાહનોની વનવિભાગ દ્વારા ચેક પોસ્ટ પર નોંધ કરવામાં આવે છે. વળી ક્યા વાહનમાં કેટલા લોકો કેટલા વાગ્યે જંગલમાં ગયા અને કઇ ચેક પોસ્ટ પરથી કેટલા વાગ્યે બહાર નીકળ્યા તેની પણ નોંધ થાય છે. ત્યારે બનાવના દિવસે જુદીજુદી ચેક પોસ્ટ પરથી ક્યાં વાહનો તુલશીશ્યામ ગયા હતા તેની નોંધ પણ ગુનાનો ભેદ ઉકેલવામાં ઉપયોગી નીવડશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

- જાણભેદુનો હાથ હોવાની આશંકા શા માટે ?

આ ઘટનામાં કોઇ જાણભેદુ વ્યક્તિનો પણ હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સીસી ટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શું તસ્કર એ જાણતો હતો કે થોડા દિવસમાં જ સીસી ટીવી કેમેરા લાગી જશે ? અને તે પહેલા જ તેણે લાગ જોઇ કિમતી દાગીના ઉઠાવી લીધા.

No comments: