Thursday, January 31, 2013

જાફરાબાદની સીમમાં વાડીમાં કામ કરતા યુવાન પર દીપડાનો હુમલો.


Bhaskar News, Jafrabad | Jan 18, 2013, 23:16PM IST
- જિલ્લામાં ચોવીસ કલાકના ગાળામાં દીપડા દ્વારા ત્રણ વ્યક્તિને લોહીલુહાણ કરાઇ

ખાંભાના માલકનેસમાં હજુ ગઇકાલે જ વાડીમાં કામ કરી રહેલી બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડયાની ઘટના હજુ તાજી છે ત્યાં આજે જાફરાબાદની સીમમાં પોતાની વાડીમાં કપાસમાં આંટો મારી રહેલા યુવાન પર દીપડાએ હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

દીપડા દ્વારા ખેડુત પર હુમલાની આ ઘટના જાફરાબાદની સીમમાં સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે બની હતી. અહીના છનાભાઇ લાખાભાઇ બારૈયા (ઉ.વ.૩૮) નામના યુવકની વાડી દરિયાકાંઠા તરફ આવેલા વાપાળીયા વિસ્તારમાં આવેલ હોય આ યુવાન સાંજે વાડીએ આંટો મારવા ગયો હતો. છનાભાઇ બારૈયા વાડીમાં કપાસમાં આંટો મારી રહ્યાં હતા ત્યારે બોરડી પાછળ છુપાયેલો એક દીપડો અચાનક જ ત્યાં ધસી આવ્યો હતો. અને સીધો જ તેના પર હુમલો કરી દીધો હતો.

છનાભાઇ બારૈયાને દીપડાએ શરીર પર દાંત અને ન્હોર ભરાવી ઇજા પહોંચાડી હતી. જો કે તેમણે પ્રતિકાર કરતા દીપડો ભાગી ગયો હતો. મોડેથી તેમને સારવાર માટે જાફરાબાદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા સતત વધી રહી હોય વાડી ખેતરોમાં કામ કરતા ખેડુતો પર આ દીપડાના હુમલાઓ પણ વધી રહ્યાં છે. ખાંભાના માલકનેસમાં હજુ ગઇ કાલે સાંજે દીપડાએ બે વ્યક્તિને ઘાયલ કરી હતી. ત્યાં  આવી એક વધુ ઘટના આજે જાફરાબાદની સીમમાં બની હતી.

No comments: