Thursday, February 28, 2019

ગિરનાર પર્વત પર 4.8 અને જૂનાગઢમાં 9.8 ડિગ્રી ઠંડી

24 કલાકમાં 5.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નીચે જતાં શિતલહેર

DivyaBhaskar News Network | Updated - Feb 09, 2019, 03:52 AM
જૂનાગઢ સહિત જિલ્લામાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. 24 કલાકમાં 5.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નીચે ગયું હતું. જેના કારણે જૂનાગઢમાં 9.8 અને ગિરનાર પર્વત પર 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

જૂનાગઢમાં થોડા દિવસ પહેલા ઠંડી સાવ ગાયબ થઇ ગઇ હતી. રાત્રીનાં પણ લોકોએ પંખો શરૂ કરવો પડે તેવી હાલત હતી. પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. આકાશમાં વાદળા છવાયા બાદ ઠંડીનો દોર શરૂ થયો છે.

જૂનાગઢમાં ગુરૂવારે લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી હતું. અચાનક 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 9.8 ડિગ્રીએ પહોંચી ગયો છે. એક સાથે જ 5.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટ્યું છે. જેના કારણે જૂનાગઢમાં શિતલહેર ફેલાઇ ગઇ છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ જૂનાગઢમાં મહત્તમ તાપમાન 25.2 અને લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે.

જયારે ભેજનું પ્રમાણ સવારે 78 ટકા અને બપોરે 29 ટકા રહ્યું હતું. પવનની ઝડપ 6.7 કિમીની રહી હતી. આગામી 11 થી 13 ફેબ્રુઆરી સુધીમાં ઠંડીમાં ઘટાડો થશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-on-the-girnar-hills-48-and-junagadh-98-degrees-celsius-035224-3861187-NOR.html

સોમનાથ-કોડીનાર નવી રેલ્વે લાઇનથી 44 સાવજ અને 111 દીપડા ઉપર ખતરો

Divyabhaskar.com | Updated - Feb 09, 2019, 12:07 PM


પ્રોજેક્ટને રદ્દ કરાવવા ભાજપના આગેવાનો દિલ્હી ગયા હતાં

વેરાવળ :સોમનાથ-કોડીનાર વચ્ચે ખાસ માલ પરિવહન માટે નવી બ્રોડગેજ રેલ્વે લાઈનના પ્રોજેક્ટ સંદર્ભે જમીન સંપાદન કરવા પશ્ચિમ રેલ્વે નિર્માણ સંગઠને 19 જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડ્યું હતું. જે અંતર્ગત જિલ્લાભરમાં 44 સાવજ અને 111 દીપડાઓ વસવાટ કરે છે. પરિણામે જો અહીં નવી રેલ્વે લાઇન બને તો પીપાવાવ પોર્ટની ટ્રેનો જે રીતે સિંહોનો અવારનવાર ભોગ લે છે એજ સ્થિતી અહીં પણ ઉભી થાય. 

ખેડૂતો વિરોધ કરવા માટે આગળ આવ્યાં

1.હવે સમગ્ર મામલે ખેડૂતો વિરોધ કરવા આગળ આવ્યા છે અને ખુદ શાસક ભાજપનાં આગેવાનો પણ પ્રોજેક્ટને રદ કરાવવા દિલ્હી ગયા હતા. દરમિયાન અહીંની પર્યાવરણ સુરક્ષા અને જનકલ્યાણ સમિતીનાં પ્રમુખ ભગવાન સોલંકીએ પણ અગ્ર મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર અને પર્યાવરણ મંત્રાલય દિલ્હીને રજૂઆત કરી પ્રોજેક્ટ માટે પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામું રદ્દ કરવા માંગ કરી છે.
અમારા સુધી મામલો પહોંચ્યો નથી: વનતંત્ર
2.આ અંગે વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમારા સુધી તો વેરાવળ-કોડીનાર વચ્ચે કોઇ રેલ્વે પ્રોજેક્ટ આકાર લે છે એવી પરમીશન જ કોઇએ માંગી નથી. આથી રેલ્વે લાઇન ક્યાંથી પસાર થશે અને સિંહોનો કોરિડોર ત્યાં છે કે નહીં એ પણ રેલ્વે લાઇનનું એલાઇન્મેન્ટ જાણ્યા વિના ન કહી શકાય.- સીસીએફ વસાવડા, જૂનાગઢ
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-44-lion-life-on-risk-from-somnath-kodinar-new-railway-treck-gujarati-news-6020574.html

શિવરાત્રી પહેલાં જૂનાગઢમાં સિંહ દર્શન કાર્યક્રમ શરૂ કરાવો

CMના હકારાત્મક વલણથી સિંહ દર્શનની ઉજળી તક

DivyaBhaskar News Network | Updated - Feb 10, 2019, 02:50 AM
જૂનાગઢ ખાતે લગ્ન પ્રસંગે નવદંપત્તિને આશિર્વાદ આપવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરાવવા રજૂઆત કરાઇ છે. મેળો શરૂ થાય તે પહેલા સિંહ દર્શન શરૂ કરાવવા ભાજપ અગ્રણીઓએ રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે શૈલેષભાઇ દવેએ જણાવ્યું કે જૂનાગઢ ખાતે પ્રદિપભાઇ ખીમાણીના પુત્રના યોજાયેલ લગ્ન પ્રસંગે CM રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિને આશિર્વાદ આપ્યા હતા. હેલીપેડ ખાતે ભાજપ શહેર પ્રમુખ શશીકાન્ત ભિમાણી, મેેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને શૈલેષભાઇ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મહા શિવરાત્રીનો મેળો શરૂ થાય તે પહેલા જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરાવવા રજૂઆત કરી હતી. ખાસ કરીને શિવરાત્રી પહેલા સિંહ દર્શન શરૂ થાય તો મહાશિવરાત્રી દરમિયાન આવતા લાખ્ખો ભાવિકો સિંહ દર્શનનો લાભ લઇ શકશે અને જૂનાગઢને આર્થિક દ્રષ્ટિએ પણ ફાયદો થશે. દરમીયાન સીએમ રૂપાણીએ આ મામલે હકારાત્મક વલણ અપનાવી જિલ્લા કલેકટરને ઘટતું કરવા જણાવ્યું હતું. સીએમના હકારાત્મક વલણથી સિંહ દર્શનની તક ઉજળી બની છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-launch-a-lion-darshan-program-in-junagadh-before-shivratri-025015-3867056-NOR.html

કાનાવડલા ગામે બકરા ચરાવીને આવતા માલધારી પર દીપડાનો હુમલો

માલધારીને લોહીલુહાણ કરતા સારવારમાં ખસેડાયા

Bhesan News - deepavada attack on maldhari coming from grazing goats in kanavadala village 021755
DivyaBhaskar News Network | Updated - Feb 11, 2019, 02:18 AM
વિસાવદર તાલુકાના કાનાવડલા ગામ નજીક માલધારી પોતાના બકરા ચલાવી ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક દિપડાએ તેમન પર હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા. ઇજાગ્રસ્ત માલધારીને સારવાર માટે ભેંસાણ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કાનાવડલા ગામે રહેતા બાલાભાઇ ભોવાનભાઇ ટોળીયા પોતાના બકરા ચરાવી 5 વાગ્યા આસપાસ બકરા લઇ ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન માનવભક્ષી દીપડા બાલાભાઇ પર હુમલો કર્યો હતો. બાલાભાઇ રાડોરાડ થતા દીપડો નાસી છુટ્યો હતો. બાલાભાઇને માથા સહિતની જગ્યા પર ઇજા પહોંચાડી લોહીલુહાણ કર્યા હતા. ઇજાગ્રસ્ત માલધારી બાલાભાઇને તાત્કાલીક સારવાર માટે મોટા કોટડા ખસેડવામાં આવ્યા હતા બાદ વધુ સારવાર માટે ભેંસાણ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ ગામ લોકોમાં થતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે દિપડાના હુમલા બાદ પણ વન વિભાગના એક પણ અધિકારીઓ ડોકાયા ન હતા ત્યારે વન વિભાગ દ્વારા પાંજરૂ મુકી દીપડાને પકડી લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-deepavada-attack-on-maldhari-coming-from-grazing-goats-in-kanavadala-village-021755-3870466-NOR.html

ગીરસોમનાથના ડારી ગામમાં સિંહના ટોળાએ એકસાથે 70થી વધુ બકરાને ફાડી ખાધા

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 12:15 PM

  • વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી

ગીરસોમનાથ: ગીરસોમનાથ જિલ્લાના ડારી ગામમાં શિકારની સિંહોનું ટોળુ આવી ચડ્યું હતું. માલધારીએ વંડામાં રાખેલા 100 જેટલા બકરા પર સિંહોના ટોળાએ હુમલો કરી મારણ કર્યું હતું. જેમાં 70થી વધુ બકરાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. 

બકરાના અવાજથી માલિક જાગી ગયા

1.રાત્રે સિંહોના ટોળાએ અચાનક બકરા પર હુમલો કરી દીધો હતો. આથી બકારાઓ શોરબકોર કરતા માલિક જાગી ગયા હતા. માલિકે બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને સિંહોના ટોળાને ભગાડ્યું હતું. સિંહોના ટોળાના હુમલાના પગલે ગ્રામ લોકોમાં ભય ફેલાયો છે. 

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-lion-group-attack-on-70-goats-in-dari-village-of-girsomanath-gujarati-news-6021316.html

ગીરગઢડાના મોતીસરમાં ચાર સિંહોએ ગાયનો શિકાર કર્યો, વીડિયો વાઇરલ

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 03:00 PM

  • 4 સિહોએ ગાયનું મારણ કરી મિજબાની માણી  

ગીરસોમનાથ: શિકાર અને પાણીની શોધમાં વનના રાજા જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવવા લાગ્યા છે. ગીરગઢડાના મોતીસર ગામમાં ચાર સિંહોએ ધામા નાંખ્યા છે. ચાર સિંહોએ મધરાત્રે ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. આ અંગેની જાણ ગ્રામજનોને થતા ઘરની અગાસી પર ચડી ગયા હતા અને મિજબાની માણી રહેલા સિંહોનો વીડિયો મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. સિંહો આવતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(માહિતી અને તસવીર: જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-four-lion-hunting-cow-in-motisar-village-of-girgadhada-gujarati-news-6021281-NOR.html

ઉનાના અમોદ્વામાં રાત્રે લટાર મારતા 4 સિંહો CCTVમાં કેદ

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 07:51 PM

  • છેલ્લા એક વર્ષથી ખારાપાટમાં સિંહ પરિવારનાં ધામા

ઉના:અમોદ્વા ગામના ખારાપાટમાં રાત્રી દરમિયાન 4 સિંહો લટાર મારતા જોવા મળ્યાં હતા. સિંહોની આ લટાર સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘણી વખત શિકારની શોધમાં સિંહો રાત્રી દરમિયાન ગામમાં ઘુસી આવતા હોય છે. છેલ્લા એક વર્ષથી ખારાપાટમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. અવારનવાર સિંહ પરિવાર ગામમાં અવર-જવર કરતાં હોવાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે અહીં સિંહ પરિવારના વસવાટથી નિલ ગાય, જંગલી ભૂંડ અને રોજડા જેવા પ્રાણીઓના લીધે ખેડૂતોના ઉભા પાકને થતું નુકસાન અટક્યું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-lion-see-in-uanas-amodra-village-cctv-video-viral-gujarati-news-6021470-NOR.html

45 દિવસથી સિંહ પરિવાર સાથે મોટા થયેલા દીપડાનાં બચ્ચાનું મોત

Divyabhaskar.com | Updated - Feb 12, 2019, 04:45 PM
સિંહણે માતા બની દીપડાના બચ્ચાનું રક્ષણ કર્યુ

ગીર:છેલ્લા 45 દિવસથી સિંહણ તેના દુશ્મન ગણાતા દીપડાના બચ્ચાનું વાત્સલ્યપૂર્ણ રીતે પાલન કરી રહી હતી. જે દીપડાના બચ્ચાનું મોત થયું છે. આ દીપડાનું બચ્ચુ છેલ્લા ઘણા દિવસથી Congenital Femoral Hernia નામની બિમારીથી પીડાઈ રહ્યું હતું.  સિંહ પરિવાર સાથે 45 દિવસ સુધી દીપડાનું બચ્ચુ રહ્યું તે સૌથી આશ્ચર્યજનક ઘટનામાંથી એક છે.

સિંહણે માતા બની દીપડાના બચ્ચાનું રક્ષણ કર્યુ

1.સામાન્ય રીતે સિંહ અને દીપડા એક સાથે રહેતા નથી. સિંહ દીપડાને દુશ્મન ગણે છે. ગીર જંગલમાં અવાર નવાર સિંહ સિંહણ દીપડાને મોતને ઘાટ ઉતારતા હોવાના બનાવ સામે આવે છે. પરંતુ 45 દિવસથી એક દીપાડાનું બચ્ચુ સિંહ પરિવાર સાથે ઉછરી રહ્યું હતું તે એક મોટી વાત છે. એક રક્ષા નામની સિંહણ પોતાના ત્રણ માસના બે બચ્ચા સાથે દુશ્મન ગણાતા દીપડાના બચ્ચાને રાખી તેની પણ માતા બની વાત્સલ્ય પૂર્વક તેનું પાલન પોષણ કર્યું હતું. આ સિંહણે અન્ય પ્રાણીઓથી પણ દીપડાના બચ્ચાનું રક્ષણ કર્યુ હતું. તે પોતાના બચ્ચાની સાથે જ તેને પાણી પીવા પણ લઈ જતી હતી અને સ્તનપાન પણ કરાવતી હતી. 
સિંહણ સાથે 45 દિવસ સુધી દીપડાનું બચ્ચુ રહ્યું
2.જ્યારે આ સમગ્ર ઘટના અંગે વનવિભાગને જાણ થઈ હતી ત્યારે પહેલા 4-5 દિવસ વન વિભાગ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું અને તેનું વીડિયો શૂટિંગ અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. જેમાં દીપડાનું આ બચ્ચુ જાણે સિંહણનું બચ્ચુ હોય તેમ સહજતા પૂર્વક તેના સાથે જોવા મળ્યું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-leopards-cubs-with-lion-family-in-gir-today-died-leopards-cub-gujarati-news-6021940.html

ગીર સોમનાથના દેવળી ગામમાં સિંહોની લટાર, શેરડીની વાડમાંથી દીપડાનું બચ્ચુ મળ્યું

Divyabhaskar.com | Updated - Feb 12, 2019, 05:34 PM

  • વન વિભાગે દીપડાનાં બચ્ચાનું માતા સાથે મિલન કરાવ્યું 

ગીરસોમનાથ:કોડીનાર ઉના હાઈવે પર આવેલા દેવડી ગામ પાસે સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહોની આ લટાર એક મુસાફરે તેના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. સિંહ કપલને જોઈને લોકોએ પોતાના વાહન ઉભા રાખી દીધા હતા અને સિંહોની બિન્દાસ લટાર નિહાળી હતી. તો બીજી તરફ શેરડીની વાડમાંથી દીપડાનું બચ્ચુ મળી આવ્યું હતું છે. જેથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે દીપડાના બચ્ચાને માદા દિપડા પાસે મુકી માતાનું બચ્ચા સાથે મિલન કરાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-lion-and-leopard-found-in-gir-somnath-district-video-viral-gujarati-news-6021834-NOR.html

ગિરનાં જંગલમાં અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી

ગિરનાં જંગલમાં અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી વન્યપ્રાણી જગતની ઘટના ખુદ વનવિભાગની નજરે ચઢી હતી. સાસણ પાસેના...

DivyaBhaskar News Network | Updated - Feb 13, 2019, 02:57 AM
ગિરનાં જંગલમાં અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી વન્યપ્રાણી જગતની ઘટના ખુદ વનવિભાગની નજરે ચઢી હતી. સાસણ પાસેના જંગલમાં માતાથી વિખૂટા પડી ગયેલા એક દિપડાના બચ્ચાંને એક સિંહ પરિવાર ઉછેરતો હતો. સિંહણ તેને પોતાના બચ્ચાંની જેમજ ખોરાક આપવા સાથે સારસંભાળ રાખતી હતી. આ બચ્ચાંનું બિમારીને લીધે મોત થયું છે.

ગિરનાં જંગલમાં વન્યપ્રાણી જગતમાં અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી ઘટનાએ આકાર લીધો હતો. ખુદ વનવિભાગનાં ટ્રેકર્સની નજરે એક દિપડાનું નવજાત બચ્ચું સિંહણની દેખરેખ નીચે ઉછરી રહ્યું હતું.

વનવિભાગે તેનું નામ મોગલી પાડી દીધું હતું. સિંહણ તેને પોતાના બચ્ચાંની જેમજ સ્તનપાન કરાવવા સાથે એકથી બીજા સ્થળે લઇ જવા કાળજીથી મોઢેથી ઉપાડી પોતાની છત્રછાયામાં લઇ જતી. બચ્ચું સિંહણનાં બચ્ચાંની સાથેજ ગેલ ગમ્મત પણ કરતું. વનવિભાગે તેને સતત દેખરેખ હેઠળ રાખ્યું હતું. દરમ્યાન 45 દિવસથી સિંહ પરિવાર સાથે ઉછરતા બચ્ચાંને બિમારી લાગુ પડી હતી. અને તેનું મોત નિપજ્યું હતું. વનવિભાગે તેનું પીએમ કરાવતાં કોન્જેનિટલ ફેમોરલ હર્નીયા નામની બિમારીને લીધે તેણે દમ તોડ્યો હોવાનું ફલિત થયું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-never-before-seen-in-gir-forest-025730-3888320-NOR.html

ગીરના જંગલમાં પરિવારથી છૂટા પડેલા સિંહબાળના વલખા, વીડિયો વાઇરલ

DivyaBhaskar.com | Updated - Feb 13, 2019, 07:04 PM
ગીરસોમનાથ: ગીરના જંગલમાં એક સિંહબાળ પરિવારથી વિખૂટું પડી જાય છે અને વલખા મારી રહ્યું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં સિંહબાળ અવાજ આપી પરિવારને બોલાવી રહ્યું હોય તેવું દ્રશ્યમાન થાય છે. સિંહબાળના અવાજથી થોડી ક્ષણોમાં અન્ય એક સિંહબાળ તેની પાસે આવી મસ્તી કરવા લાગે છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-lion-cub-video-viral-on-social-midea-at-girsomnath-gujarati-news-6022322-NOR.html

સિંહોની વધેલી વસ્તી નહીં પણ ગીરનું જંગલ ગીચ બનતું હોવાથી સાવજો બહાર નીકળી રહ્યાં છે

Divyabhaskar.com | Updated - Feb 14, 2019, 11:49 AM

  • શિકાર માટે સિંહોને ઘેડ પંથક વધુ અનુકૂળ બની રહ્યો છે 

જૂનાગઢ:ગિરનું જંગલ 1412 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી 258 ચોરસ કિમી વિસ્તાર નેશનલ પાર્ક છે. જે ખુબજ ગીચ છે. આથી સિંહોની વસ્તી જ નહિ પણ ગીરનું જંગલ ગીચ બનતુ હોવાથી સાવજો બહાર નિકળી રહ્યાં છે. આ વિસ્તારમાં સિંહોની અવરજવર સ્વાભાવિકપણે જ ઘટી જાય. એક અધિકારી નામ ન આપવાની શરતે કહે છે નેશનલ પાર્કમાં છેલ્લા ત્રીસેક વર્ષથી કટીંગ નથી થયું. અહીં 30થી 50 સિંહો વસે છે. એ સિવાયે 180થી વધુ સિંહો રેવન્યુ વિસ્તારમાં વસે છે. જોકે, છેલ્લી વસ્તી ગણતરી કુલ 20,000 ચોરસ કિમી વિસ્તારમાં થઇ હતી.છેલ્લે સિંહોનાં ટપોટપ મોત બાદ રસીકરણ કરાયું એ વખતે 600 સિંહ દેખાયાનું વનવિભાગનું કહેવું છે.

સિંહોએ સલ્તનત માંગરોળથી શિહોર સુધી વિસ્તારી

1.ગિરનારનું જંગલ પણ 179 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી સિંહની રોજબરોજની અવરજવર વાળો વિસ્તાર તો વધીને 50 ચોરસ કિમીનો માંડ છે. તેની સાથે જ્યાં જંગલ નથી અથવા પાંખું જંગલ અથવા વિડી વિસ્તાર છે ત્યાં સિંહોની અવરજવર સૌથી વધુ પ્રમાણમાં નોંધાઇ છે. નામ ન આપવાની શરતે એક અધિકારી કહે છે, અહીં 12 ગૃપોમાં આશરે 45થી વધુ સિંહોનો વસવાટ છે. તો ગિરની બહારનાં સિંહની સંભવિત અવરજવરવાળા વિસ્તારને વનવિભાગે વર્ષો પહેલાં ગ્રેટર ગીર તરીકે ઓળખી કાઢ્યો છે.આ વિસ્તાર પૈકી અમરેલી અને ભાવનગર જિલ્લાનાં હાલ શિહોર, પાલીતાણા, સાવરકુંડલા, જેસર, મિતીયાળા, ખાંભા, સહિત શેત્રુંજી નદીની આસપાસનાં 109 ચોરસ કિમી વિસ્તારને કન્ઝર્વેશન રીઝર્વ તરીકે વિકસાવાયો છે. જે સિંહોની અવરજવર માટેનો કોરીડોર છે. 
સાવજોને જંગલ અનુરૂપ ન હોય તો બહારનો રસ્તો શોધવો પડે
2.વર્ષો સુધી સિંહો સાથે કામ પાડીને નિવૃત્ત જીવન ગાળી રહેલા વનઅધિકારીઓનાં કહેવા મુજબ, 1 સિંહને વસવાટ માટે 24 કિમી વિસ્તાર જોઇએ. એ રીતે જોઇએ તો પણ ગિર જંગલ હવે સાવજોને ટૂંકું પડે છે. 2015માં થયેલી વસ્તી ગણતરીમાં 523 સિંહો નોંધાયા હતા. ગિર અભયારણ્યનાં અમુક વિસ્તારો અને નેશનલ પાર્કના જે ગીચ વિસ્તારો છે ત્યાં સાવજોની અવરજવર બહુ ઓછી હોય છે. ગિરનારના પહાડી વિસ્તારને તો સિંહોની સીધી અવરજવરમાંથી બાકાતજ રાખજો પડે. આથી સાવજોએ જ્યાં ઘાસીયા મેદાનો છે એ વિસ્તારમાં વસવાટ માટે શોધવો પડે છે. આથીજ સાવજો જંગલમાંથી નિકળવાનું એકમાત્ર કારણ વસ્તી વધારો નહીં, જે જંગલ છે એ પણ તેને અનુરૂપ ન હોય તો તેણે બહારનો રસ્તો શોધવો જ પડે.
વિસ્તાર બદલે એટલે ખોરાક પણ બદલી જાય
3.વર્ષો સુધી સાસણ ફરજ બજાવી ગયેલા અધિકારી સિંહને ઘાસીયા મેદાનોમાં ચિત્તલ કે સાંભર ન મળે ત્યારે તેણે જંગલી ભૂંડ, નિલગાય, વગેરેનો શિકાર પણ કરવો પડે. એટલે કે, તેની ફૂડ હેબિટ બદલી જાય છે. એક અંદાજ મુજબ, ગીરમાં સિંહો 40થી 45 ટકા ચિત્તલ, 15 ટકા સાંભર, 15 ટકા નિલગાય, 6 ટકા ભૂંડ અને 15 ટકા રેઢિયાળ માલઢોરનો શિકાર કરે છે. 
દરિયાકિનારે રહેતા સિંહને ગિર અનુકૂળ ન આવે
4.વન અધિકારીઓનાં કહેવા મુજબ, ગીરમાંથી માઇગ્રેટ થયેલા સિંહોનાં ગૃપો દરિયાકિનારે પણ વસવાટ કરતા હોય છે. માંગરોળનાં દરિયાકાંઠે 4 સિંહોનાં ગૃપનો વસવાટ છે. આ સિંહોને ગિરમાં મૂકો તો તે ત્યાં અનુકૂળતા ન સાધી શકે.
 
મચ્છરથી બચવા પવન વધુ હોય એવા વિસ્તારો વધુ પસંદ કરે છે
5.વનવિભાગનાં એક અધિકારીનાં કહેવા મુજબ, ગિરનારમાં વસતા સિંહો તો ચોમાસામાં મચ્છરનાં ઉપદ્રવથી બચવા ઉત્તર ડુંગર રેન્જમાં આવેલા જાંબુડીથી લઇને રણશીવાવ રાઉન્ડમાં વસે છે. કારણકે, આ વિસ્તારમાં પવન સારો હોય છે. એ સમયે દક્ષિણ ડુંગર રેન્જનાં વિસ્તારોમાં પવન ઓછો હોવાથી ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધુ હોય છે.
ઠંડક-પાણી માટે ઉનાળામાં બોરદેવીમાં વસવાટ
6.દક્ષિણ ડુંગર રેન્જમાંજ આવતા બોરદેવીના જંગલમાં પહાડી અને ગીચ જંગલ હોવા છત્તાં પણ સાવજો વસે છે. કારણકે, અહીં ખાસ કરીને ઉનાળામાં ઠંડક હોય છે અને ગુડાજડી નદીના ઘૂનામાં પાણી ભરેલું હોય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-because-of-not-the-lions-population-but-the-gir-forest-is-crowded-gujarati-news-6022636.html

વાઘોડિયા તાલુકામાં વાઘ દેખાયાની અફવા, મારણની સંખ્યામાં વધારો

દેવનદીની આસપાસના 10 કિમીના વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરા લગાવાશે ‌વાઘોડિયા તાલુકામાં 7 દિવસમાં 5 પશુનાં મારણ...
DivyaBhaskar News Network | Updated - Feb 15, 2019, 03:00 AM
સિટી રિપોર્ટર | વાઘોડિયા, વડોદરા

વાઘોડિયા તાલુકાની દેવનદીની આસપાસ આવેલાં ગામોમાં છેલ્લા 7 દિવસમાં 5 પશુઓનું મારણ કરનાર પ્રાણી દીપડો છે કે વાઘ ω તેની ખરાઈ કરવા માટે વનવિભાગની ટીમ દેવનદીની આસપાસના 10 કિમીના વિસ્તારમાં શુક્રવારે નાઇટ વિઝન કેમેરા લગાવવાનું કામ શરૂ કરશે. ઉલ્લેખનિય છે કે, વન્ય પ્રાણીએ ગુરુવારે વહેલી સવારે વાઘોડિયાના સાંગાડોલ ગામમાં ગાયનું મારણ કર્યું હતું, જે બાદ ગ્રામજનોમાં મારણ કરનાર પ્રાણી વાઘ હોવાની વાત વહેતી થતાં લોકોમાં ભયનો માહોલ ઉભો થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે.

વનવિભાગના અધિકારી વિનોદ ડામોરે જણાવ્યું કે, છેલ્લા અઠવાડિયાથી વાઘોડિયા તાલુકાના ફલોડ,દખેંડા,સાંગાડોલ,ગુતાલ અને મુવાડા જેવાં ગામોમાં વન્યપ્રાણીએ વાછરડાં,બકરાં તેમજ પાળેલા કૂતરા જેવાં 5 મારણ કરતાં પ્રજામાં ભયનો માહોલ ઉભો થયો છે.જ્યારે ગુરુવારે વહેલી સવારે સાંગાડોલમાં વાઘ દ્વારા ગાયનું મારણ કર્યું હોવાની વાત પ્રજાજનોમાં ફેલાઈ હતી.જે વાતની ખરાઈ કરવા માટે વનવિભાગની ટીમ મારણના સ્થળે પહોંચી હતી.જ્યાં વન્ય પ્રાણીનાં ફુટપ્રિંટ મળી આવ્યાં હતાં. જે ફુટપ્રિન્ટ દેવનદીની રેતાળ જમીન સુધી પહોચ્યાં હતાં. જોકે પંજા રેતાળ જમીનમાં હોવાથી તેની ચોક્કસ સાઇઝ મેળવવી અઘરી પડી રહી છે.

મારણની જગ્યા પરથી પંજાની મળેલી છાપ દીપડાના પંજાની છાપ કરતાં થોડી મોટી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જેના કારણે વિનોદ ડામોરે અન્ય વનઅધિકારીને આ અંગે પૂછતાં તેમને જાણવા મળ્યું કે હૃષ્ટપુષ્ટ દીપડાની પંજાની સાઇઝ થોડી મોટી હોઈ શકે છે. આ પ્રકારની પંજાની છાપ અગાઉ પણ મળી હોવાનું જાણવા મળતાં વનવિભાગની ટીમ મૂંઝવણમાં મુકાઈ છે.જેના પગલે હવે પશુઓનાં મારણ કરનાર આખરે દીપડો છે કે વાઘ ω તે જાણવા માટે દેવ નદીના કિનારા અને તેની આસપાસના 10 કિમીના વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવશે તેવો નિર્ણય વનવિભાગની ટીમે કર્યો છે.

દીપડાના ફૂટ પ્રિન્ટ

સાંગાડોલ ગામમાં ગુરુવારે સવારે વન્ય પ્રાણીએ ગાયનું મારણ કર્યુ હતું. વન વિભાગની ટીમને સ્થળ પરથી વન્ય પ્રાણીના ફૂટ પ્રિન્ટ મળી આવ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-rumors-of-tiger-appearance-in-vahodiya-taluka-increase-in-the-number-of-deaths-030041-3907033-NOR.html

ગુજરાતમાં આવેલા વાઘને અે રાજ્યમાં પરત કરો

જૂનાગઢનાં વકીલ પી.ડી.ગઢવીએ પર્યાવરણ મંત્રીને રજુઆત કરી જણાવ્યું છે કે આ વાઘ આજુબાજુનાં રાજ્યમાંથી ભુલો પડીને...

DivyaBhaskar News Network | Updated - Feb 15, 2019, 03:07 AM
જૂનાગઢનાં વકીલ પી.ડી.ગઢવીએ પર્યાવરણ મંત્રીને રજુઆત કરી જણાવ્યું છે કે આ વાઘ આજુબાજુનાં રાજ્યમાંથી ભુલો પડીને આવ્યો છે. જે ગુજરાતની માલિકીનો કહેવાય નહીં. આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ આ વાઘને જે તે રાજ્યને સોંપવો જોઇએ. ગુજરાત સરકાર ગુજરાતમાં વાઘ ઉછેર કેન્દ્ર કે ટાઇગર સેન્ચ્યુરી બનાવવા માંગતા હોઇ તો આ અંગે આધુનિક વ્યવસ્થા ઉભી કરવી જોઇએ અને જે રાજ્ય પાસે વાઘ હોય તેની પાસે વાઘ માંગવા જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-return-the-tigers-in-gujarat-to-the-state-030709-3907057-NOR.html

બરડા ડુંગરમાં ગીરના સિંહોનું બીજું ઘર નહીં બને, કેન્દ્રે વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટની પ્રપોઝલ ફગાવી

DivyaBhaskar.com | Updated - Feb 15, 2019, 03:27 AM

  • મધ્યપ્રદેશના કૂનો પાલપુરમાં સિંહોના સ્થળાંતરની દરખાસ્ત પર પણ હાલ પૂરતો વિરામ
  • ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના નિરીક્ષણ હેઠળ લાયન પ્રોજેક્ટ સામે ગુજરાતનો વિરોધ હતો  

મયંક વ્યાસ. રાજકોટઃ સાવજનું ઘર ગણાતા સાસણ ગીરમાંથી એશિયાટિક સિંહોને બરડા ડુંગરમાં બીજું ઘર બનાવી ત્યાં ખસેડવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે. એટલું જ નહીં, ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના કૂનો પાલપુર અભયારણ્યમાં સ્થળાંતરિત કરવાની વાતનો પણ છેદ ઉડી ગયો છે. ગીરમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી)ના પ્રકોપને કારણે ગત વર્ષે 45 જેટલા સિંહનો મોત થયા બાદ કેન્દ્ર સરકારે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) પાસેથી સિંહ સંવર્ધન માટે દરખાસ્ત મંગાવી હતી. WIIએ રજૂ કરેલી દરખાસ્તમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના નિરીક્ષણમાં ‘રિકવરી એન્ડ કન્ઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લાયન્સ ઈન ગુજરાત’ પ્રોજેક્ટનો સમાવેશ કરાયો હતો. જો કે, સાથોસાથ ગુજરાત સરકારે પણ 'પ્રોજેક્ટ લાયન'નો રિપોર્ટ રજૂ કર્યો હતો જેની દરખાસ્તોને સ્વીકારી લેવાઈ હોવાનું અગ્ર મુખ્ય વન્ય સંરક્ષક એ.કે. સક્સેનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

351 કરોડની પ્રોજેક્ટ દરખાસ્ત

99 કરોડની ગ્રાન્ટ સાથેનો પ્રોજેક્ટ મૂક્યો હતો
1.વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ રૂ. 99 કરોડની ગ્રાન્ટ સાથેનો પ્રોજેક્ટ મૂક્યો હતો. જેમાં બરડા ડુંગરમાં સિંહ માટે નવું ઘર, આ આખા પ્રોજેક્ટની NTCA સંસ્થા હંઠળ દેખરેખ, સિંહોને રેડીયો કોલર, બરડા ડુંગરના માલધારીનું અન્યત્ર સ્થળાંતર વગેરેની દરખાસ્તો હતી. આ સિવાય તેણે રખડતા કૂતરા અને પશુઓના રસીકરણ, સીડીવી અને અન્ય રોગો માટે પરીક્ષણ કરવું અને અન્ય વન્ય પ્રાણીઓના નમૂનાઓ એકત્રિત કરવાની વાત હતી.
ગુજરાતના પ્રોજેક્ટ લાયનની વિશેષતાઓ
2.- એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 351 કરોડની પ્રોજેક્ટ દરખાસ્ત.
- ગીરમાં ડ્રોન વડે સિંહોની કાળજી અને દેખરેખ રાખવી.
-100 ટ્રેકરની નિમણૂંક અને ખાસ વન્ય પ્રાણીઓ માટે એમ્બૂલન્સ.
- સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત રાજ્યમાં પાંચ સ્થળે નવા સફારી પાર્ક.
- સાસણ ગીરના 24 આવા-ગમન સ્થળે સીસીટીવી લગાવવા.
મધ્યપ્રદેશમાં સિંહોને ખસેડવાનો પ્રોજેક્ટ હતો
3.આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાસણથી મધ્યપ્રદેશમાં સિંહોને ખસેડવાનો પ્રોજેક્ટ અગાઉ વિચારાધીન હતો. પરંતુ મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની ચૂંટણીમાં હાર થઈ અને કોંગ્રેસની સરકાર આવી એટલે આ દરખાસ્ત પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. મધ્યપ્રદેશમાં સિંહને ખસેડાય તો ગુજરાતમાં પર્યટકોની જે આવક થાય છે તેમાં કાપ આવે તેવો ગુજરાત સરકારને ડર છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/SAU-RJK-HMU-LCL-central-government-rejected-lion-project-of-wildlife-institute-of-india-gujarati-news-6017016.html

વાઘોડિયાની દેવનદીની આસપાસના ગામોમાં પશુઓના મારણ કરનાર વન્યપ્રાણી દિપડો છે

વાઘોડિયાની દેવનદીની આસપાસના ગામોમાં પશુઓના મારણ કરનાર વન્યપ્રાણી દિપડો છે કે વાઘω તેની ખરાઈ કરવા બીજા દિવસે પણ...
DivyaBhaskar News Network | Updated - Feb 16, 2019, 02:50 AM
વાઘોડિયાની દેવનદીની આસપાસના ગામોમાં પશુઓના મારણ કરનાર વન્યપ્રાણી દિપડો છે કે વાઘω તેની ખરાઈ કરવા બીજા દિવસે પણ વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જો કે શુક્રવારના રોજ વન્યપ્રાણીએ કોઈ મારણ કર્યું ન હતું,જ્યારે તેના કોઈ ફુટપ્રિન્ટ પણ મળી ન આવ્યા હોવાનું વન્યઅધિકારી વિનોદ ડામોરે જણાવ્યું હતું. જ્યારે વન્યપ્રાણીએ પોતાનો માર્ગ પણ બદલ્યો હોય તેવી પણ સંભાવના વન્યઅધિકારીએ જણાવી હતી. વિનોદ ડામોરે જણાવ્યું કે,સાંગાડોલ ગામમાં ગાયનું મારણ કર્યા બાદ વન્યપ્રાણીના ફુટપ્રિંન્ટ મળ્યા હતા. જે ફુટપ્રિન્ટ દિપડાની સાઈઝ કરતા થોડા મોટા હતા,જેથી આ ફુટપ્રિન્ટ દિપડાની છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-wildlife-conservationists-in-the-villages-surrounding-vaghodiya39s-temple-025010-3914524-NOR.html

ગીરગઢડા મામલતદાર કચેરીમાં દીપડાનું રખોપું

નવનિર્મિત ગીરગઢડા મામલતદાર કચેરીમાં છેલ્લા બે દિવસથી દિપડો રાત્રીનાં રખોપુ કરવા આવતો હોય તેમ છેલ્લા બે દિવસથી...

Div News - giridada39s mamlatdar39s office is about to leave the leopard 022116
DivyaBhaskar News Network | Updated - Feb 18, 2019, 02:21 AM
નવનિર્મિત ગીરગઢડા મામલતદાર કચેરીમાં છેલ્લા બે દિવસથી દિપડો રાત્રીનાં રખોપુ કરવા આવતો હોય તેમ છેલ્લા બે દિવસથી કચેરીનાં મેઇન ગેઇટ પાસે આવીને બેસી રહે છે. જેને લઇ કચેરીનાં સ્ટાફ અને અરજદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વનવિભાગે દીપડાને પાંજરે પૂરવા પાંજરૂ મુક્યું છે. તેમ છતાં દીપડો પાંજરે પૂરાતો ન હોય અને રાત્રીનાં કચેરીનાં કમ્પાઉન્ડમાં આંટાફેરા જોવા મળી રહ્યાં છે. તસવીર-જયેશ ગોંધીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-giridada39s-mamlatdar39s-office-is-about-to-leave-the-leopard-022116-3928079-NOR.html

વિક્રમજનક મોરની ફૂટ છતાં ઉત્પાદનનો અંદાજ નહીં


Talala News - not even a production estimate despite the record breaking peak 033009

આંબાવાડીમાં નાની કેરીની બાજૂમાં જ ફૂટી રહેલી આંમ્રમંજરી જોવા મળી રહી છે. જિતેન્દ્ર માંડવિયા | તાલાલા (ગીર) | ગીર...

DivyaBhaskar News Network | Updated - Feb 18, 2019, 03:30 AM
આંબાવાડીમાં નાની કેરીની બાજૂમાં જ ફૂટી રહેલી આંમ્રમંજરી જોવા મળી રહી છે.

જિતેન્દ્ર માંડવિયા | તાલાલા (ગીર) | ગીર પંથક જ નહીં સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં આંબાવાડીઓમાં મોરની ફૂટ જેવા મળી રહી છે. કેરીના પાક માટેના મોર છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ફૂટ આ વર્ષે જોવા મળી રહી છે. હાલમાં વિક્રમજનક મોરની ફૂટ છતાં કેટલાય તજજ્ઞો કેરીના ઉત્પાદનનો અંદાજ માંડી શકતા નથી.

રાજ્યમાં કેરીના પાક માટેના આમ્રમંજરી 10 વર્ષમાં સૌથી વધુ આ વર્ષે ફૂટી છતાં ખેડૂતો ક્યાસ કાઢી શકતા નથી

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આબાઓ પર આમ્રમંજરી ફૂટી રહી છે. તેમાં પણ ગીર પંછકની શાન ગણાતી કેસર કેરીના પાક માટેના મોર છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ફૂટ્યા છે. આમ છતાં કેટલાય તજજ્ઞો કેરીના ઉત્પાદનનો અંદાજ કાઢી શકતા નથી. કેરીમાં મોર ફૂટવાની પ્રક્રિયામાં સૌ ટકા આંબા ફૂટ્યા છે. તેમાં પણ આંબા ઉપર મોર વધુ અને પાંદડા ઓછા જોવા મળી રહ્યાં છે. સરેરાશ બે કે ત્રણ તબક્કામાં ફૂટતાં મોર આ વર્ષે ચાર તબક્કામાં આવ્યાં છે. તેમાં પણ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અ્ને ફેબ્રુઆરી ચાર માસથી આંબામાં મોર ફૂટવાની પ્રક્રિયા હજી ચાલુ જ છે.

કેસર કેરીના પાક માટે મોર ફૂટવાની અને બંધારણ થવાની પ્રક્રિયા ખુબ અગત્યની છે. કેરીમાં મોર પૂષ્કળ પરંતુ બંધારણ (ફલનીકરણ) તંદુરસ્ત પણ નહીં થતાં મોર બળી ગયા હોવાની ફરિયાદો ગીર પંથકમાં થઈ રહી છે. હવે 10 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી એમ એક મહિના સુધી ગીર સહિત આખા રાજ્યમાં પડી રહેલા ભારે ઠંડી અને વચ્ચે ફૂટેલા કાતીલ ઠંડા પવનોને લઈ ઠંડીનું પ્રમાણ ખાસ્સુ વધુ ગયું હતું. જેને કારણે આંબા ઉપર ફૂટેલા મોરનું ફલનીકરણ થયા વગર ખરી પડ્યા હતા.

આમ છતાં પણ આખા રાજ્યમાં આંબાઓ ઉપર મોર ફૂટવાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યાં છે. જેને કારણે કેરીનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ સારું થવાનો અંદાજ કેટલાક ખેડૂતો રાખી રહ્યાં છે. જો કે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતવરણ અને હજી ઠંડીનું પ્રમાણ હોવાથી કેરીનું ઉત્પાદન કેવું અને કેટલું રહેશે તે કહેવામાં તજજ્ઞો ક્યાસ કાઢી શકતાં નથી. તેઓ હાલમાં એવું કહી રહ્યાં છે. ધૂળેટી બાદ આંબા પર કેરી કેટલી આવશે તે કહી શકાય. તેમજ કેસર કેરીનું ઉત્પાદન પણ વધુ થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

નાની કેરીની બાજુમાં જ મોર ફૂટી રહ્યાં છે

સમગ્ર રાજ્યમાં આ વર્ષે આંબા ઉપર આમ્રમંજરીનું જોર વધુ છે. ત્રણ તબક્કામાં મોર ફૂટી ચૂક્યા છે. પરંતુ છેલ્લા 10 દિવસથી આંબા ઉપર મોરમાં થયેલા ફ્લાવરીકરણથી થયેલી નાની કેરીની બાજુમાં જ વધુ મોર ફૂટી રહ્યાં છે. આ કારણે નાની કેરી ખરીને નીચે પડી રહી છે. એવી ફરિયાદો સમગ્ર રાજ્યના ખેડૂતોમાં થઈ રહી છે. આવી પ્રક્રિયાના કારણે કેરીના આગોતરા પાકને ખાસ્સું નુકસાન થઈ રહ્યું છે અને આવું ચાલુ રહ્યું તો વધુ નુકસાન થઈ શકે છે. મકર સંક્રાંતિ બાદ આંબા ઉપર મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડે છે. પરંતુ તેના બદલે એખ માસ બાદ પણ મોર ફૂટવાની પ્રક્રિયા ચાલુ રહી છે. આથી ખેડૂતો પણ આશ્ચર્યમાં પડી ગયાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-not-even-a-production-estimate-despite-the-record-breaking-peak-033009-3928093-NOR.html

પોલીસ પર હુમલો કરનાર શખ્સોએ અગાઉ સિંહનો શિકાર કર્યો હતો

સેમરડીના બન્ને શખ્સો ચાર દિવસના રીમાંડ પર

DivyaBhaskar News Network | Updated - Feb 19, 2019, 02:26 AM
ધારીના સેમરડી તપાસમાં ગયેલા પોલીસકર્મી પર ખુની હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા બન્ને શખ્સોને આજે અદાલતમાં રજુ કરી ચાર દિવસના રીમાંડ પર લેવામાં આવ્યા છે. આ બન્ને કુખ્યાત શખ્સો અગાઉ સિંહને મારી નાખી નખ વેચવાના ગુન્હામાં પણ સંડોવાયેલા હતાં.

પોલીસ ટુકડી પર ખુની હુમલા અંગે ગઇકાલે જ ધારી પોલીસે સેમરડીના જાફર બારનભાઇ બ્લોચ અને બારાન ઉંમરભાઇ બ્લોચ નામના શખ્સોની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સોએ 16મી તારીખની રાત્રે સ્થાનિક પીએસઆઇ અને બે પોલીસકર્મી પર છરી વડે હુમલો કરી તેમની હત્યાની કોશીષ કરી હતી. જેને પગલે આજે પોલીસે બન્નેને અદાલતમાં રજુ કરી ચાર દિવસના રીમાંડ પર લીધા છે. બીજી તરફ આ બન્ને શખ્સો ગુનાહીત ઇતિહાસ ધરાવતા હોવાનું ખુલ્યુ છે. અગાઉ બન્ને જંગલમાં સિંહને મારી નાખી તેના નખ કાઢીને વેચી નાખવાના ગુન્હામાં, ગેરકાયદે હથીયાર અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, સરકારી કર્મચારી પર હુમલો અને પ્રોહીબીશનના ગુનાઓમાં પણ સંડોવાયેલા હતાં. પોલીસે આગવી ઢબે પુછપરછ શરૂ કરી છે.

 ફોલોઅપ

નિવૃત પીઆઇની વાડીમાં ગેરકાયદે વીજ જોડાણ

વકીલોએ આરોપીઓનો બહિષ્કાર કર્યો

દરમિયાન આજે બન્નેને રીમાંડની માંગ સાથે સીપીઆઇ વી.એલ. પરમારે ધારી કોર્ટમાં રજુ કર્યા હતાં. અહિં કોર્ટના તમામ વકીલોએ આ બન્ને આરોપીઓની વકીલાતનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.

નિવૃત પીઆઇની વાડીમાં ગેરકાયદે વીજ જોડાણ અંગે એક લાખનો દંડદરમિયાન સેમરડીમાં રહેતા નિવૃત પીઆઇ અબ્દુલ જલાલખા બ્લોચની વાડીમાં ગેરકાયદે વિજ જોડાણ હોય વિજ કંપનીએ તેમને 1.05 લાખનો દંડ ફટકાર્યો હતો. કોમ્બીંગમાં મળેલા 113 કારતુસ આ નિવૃત પીઆઇએ પુરા પાડ્યા હોય તેમની સામે અલગથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-police-had-attacked-the-lion-in-the-past-022628-3935817-NOR.html

સાસણમાં હવે મહિલા ગાઇડ જીપ્સીમાં સિંહ દર્શન કરાવશે


Talala News - lion darshan will now be seen in women39s guide gypsy in sasan 035100


વન્ય પ્રાણી વિભાગ દ્વારા 30 મહિલાઓને ગાઇડ તરીકે તાલીમ આપી સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ દેશ-વિદેશથી આવતા...

DivyaBhaskar News Network | Updated - Feb 19, 2019, 03:51 AM
દેશ-વિદેશનાં પ્રવાસીઓને જંગલમાં ગીરની વનસૃષ્ટિ કયાં પ્રકારની છે તે અંગેની પુરી જાણકારી આપવા જંગલમાં મહીલા ગાઇડ સાથે જશે. સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા 30 મહિલાઓને ગાઇડ તરીકે માન્યતા આપી તાલીમ પુરી પાડવામાં આવેલ અને મહીલાઓને સ્વાવલંબી બનાવવા વન વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે.

સાસણ સેન્ચ્યુરી ઝોન અને દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા જંગલની મુલાકાતે આપતા પ્રવાસીઓને ગીરનાં જંગલમાં વિહરતા વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને ઔષધીય વૃક્ષોની સંપૂર્ણ જાણકારી મહીલા ગાઇડ દ્વારા પુરી પાડવામાં આવશે. 3 ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં વાત કરી સંપૂર્ણ જાણકારી પ્રવાસીઓને પુરી પાડી શકે તે માટે 30 મહિલાઓને સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા વર્કશોપ યોજી તાલીમ અપાશે. મહિલાઓનો ગાઇડ તરીકે સમાવેશ થતાં મહિલાઓની આર્થિક આવક વધવાથી સ્વાવલંબી બનશે.

ગીર વાઇલ્ડ લાઇફમાં નારી શક્તિનો ઉપયોગ : ડીસીએફ

સાસણ વન્ય પ્રાણી વિભાગનાં ડીસીએફ ડો.મોહન રામએ જણાવેલ કે નારી શક્તિનો ઉપયોગ ગીર વાઇલ્ડ લાઇફની કામગીરી અને પ્રવાસનમાં વધે તે હેતુ સ્થાનીક મહિલાઓની ગાઇડ તરીકે નિયુક્તી કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lion-darshan-will-now-be-seen-in-women39s-guide-gypsy-in-sasan-035100-3935826-NOR.html

પ્રાણીઓને કોઇ પ્રકારની સારવાર અપાતી નથી, ફરજ પરનાં કર્મીઓ રહે છે ગેરહાજર

જૂનાગઢ શહેરના મજેવડી ગેઇટ નજીક સિવીલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને એનિમલ હાઉસ બનાવામાં આવ્યું છે અહીં બનાવામાં આવેલ...
DivyaBhaskar News Network | Updated - Feb 20, 2019, 03:01 AM
જૂનાગઢ શહેરના મજેવડી ગેઇટ નજીક સિવીલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને એનિમલ હાઉસ બનાવામાં આવ્યું છે અહીં બનાવામાં આવેલ એનિમલ હાઉસમાં પ્રાણીઓને સારવાર આપવામાં આવે છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ એનિમલ હાઉસને 24 કલાક તાળા મારેલા જોવા મળી રહ્યા છે. પ્રાણીને પુરતી સારવાર મળી રહે તે માટે મેડીકલ કોલેજ નજીક અેનિમલ હાઉસ બનાવામાં આવ્યું છે જેથી જૂનાગઢમાં પ્રાણીઓને પણ સારવાર મળી રહે છે પરંતુ જવાબદાર તંત્રની બેદરકારીને કારણે એનિમલ હાઉસને તાળા મારેલા જોવા મળે છે. લોકો પોતાના કુતરાને લઇને સારવાર લેવા આવે છે પરંતુ એનિમલ હાઉસ બંધ હોવાને કારણે કુતરાથી સારવાર લીધા વગર જ પરત જાય છે ત્યારે તંત્ર દ્વારા કરોડા રૂપિયાના ખર્ચે બનાવામાં આવેલ એનિમલ હાઉસને ખોલવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-animals-are-not-given-any-kind-of-treatment-the-workers-on-duty-are-absent-030104-3945814-NOR.html

ગીરમાં સિંહોનો રસ્તો રોકી જીપ્સી દોડાવી, લાયન શો થયો હોવાની ચર્ચા, વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - Feb 20, 2019, 03:33 PM

  • વીડિયો ગીર વિસ્તારનો હોવાનું અનુમાન

ગીર:સિંહોની પજવણી કરવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક જીપ્સીમાં સવાર યુવાનો 2 સિંહનો રસ્તો રોકીને તેની પજવણી કરી રહ્યાં છે. સિંહોને રસ્તામાં રોકીને યુવાનોએ સિંહ દર્શન કર્યા હતાં. આ સાથે જ રાત્રી સમયે લાઈન શો યોજાયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો ગીર વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-lion-video-viral-from-gir-lion-show-may-be-held-gujarati-news-6025116.html

સાસણ ગીરમાં એક સાથે 22 સિંહોની ટોળકીનાં આંટાફેરા, વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - Feb 21, 2019, 02:34 PM

સ્થાનિકે 22 સિંહનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો

ગીર:ગીરના જંગલોમાં સિંહોના આંટાફેરા કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે સાસણ ગીરના જંગલમાં એક સાથે 22 જેટલા સિંહો આંટાફેરા કરતાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 22 જેટલા સિંહો ગીરના જંગલમાં બપોરનાં સમયે બિન્દાસ આંટા મારા હોય તેવો વીડિયો એક સ્થાનિકે તેના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. સાસણ ગીરના વિસાવદર નજીક વન ખાતાની ચેક પોસ્ટ પાસે કનકાઇ માતાના મંદિર તરફ જઇ રહેલ 22 જેટલા સાવજો કેમેરામાં ક્લીક થયા હતા. આટલી મોટી સંખ્યામાં એક સાથે જોવા મળેલા સિંહ કુંટુંબથી વન્યપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રવર્તી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-gir-forests-22-lions-group-video-viral-on-social-media-gujarati-news-6025663-NOR.html

જૈનોને ગિરનારની પરિક્રમા માટે 1 માસમાં બીજી વખત મંજૂરી આપી

3 અખાડાને સમર્પિત પરિક્રમાને મંજુરી ન આપનાર વનતંત્રએ 4 શંકરાચાર્ય, રાષ્ટ્રપતિ, PM, CM,વનમંત્રીને કરાઇ રજૂઆત ...

DivyaBhaskar News Network | Updated - Feb 22, 2019, 03:01 AM
13 અખાડાને સમર્પિત દર મહિનાની સુદ અગિયારસે કરવાની થતી ગિરનાર પરિક્રમાને વનતંત્રએ અનેક રજૂઆત છતાં મંજૂરી આપી નથી. બીજી તરફ જૈનોને એક જ મહિનામાં બીજી વખત ગિરનારની પરિક્રમાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવી રીતે નિર્ણય કરી વનવિભાગે હિન્દુ સમાજની બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કર્યું છે તેવો આક્ષેપ અખંડ ભારત સંઘના ભાવેશભાઇ વેકરીયાએ કર્યો છે. તેમણે આ મામલે 4 શંકરાચાર્યો,રાષ્ટ્રપતિ, પીએમ,સીએમ, વનમંત્રી, 13 અખાડાના મંત્રી- અધ્યક્ષો વગેરેને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે 24 ફેબ્રુઆરીએ આર્ય રક્ષિત જૈન ધર્મ રક્ષક સંઘને ગિરનારની પરિક્રમા કરવા મંજૂરી આપવામાં આવી છે. એક જ મહિનામાં જૈન સમાજને અપાયેલી આ બીજી મંજૂરી છે. આ મંજૂરી સામે વાંધો નથી પરંતુ 13 અખાડાને સમર્પિત ગિરનાર પરિક્રમાને મંજૂરી અપવામાં આવતી નથી. વનતંત્રની આ નિતી હિન્દુ સમાજમાં ભાગલા પાડવાની મેલી મુરાદ છતી કરે છે.ત્યારે ધાર્મિક સ્થાનો પરના નિયંત્રણ દૂર કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-jain-allowed-for-second-time-in-a-month-for-girnar-parikrama-030107-3962193-NOR.html

વિસાવદરના કાલાવડમાં તરૂણી પર દીપડાએ તરાપ મારી, રાડ નાંખતા ભાગ્યો

 ivyaBhaskar.com | Updated - Feb 22, 2019, 10:46 AM

  • કુતરૂ તો નથી કે તેનો કાન પકડી પાંજરામાં પુરી દઇએ: RFO  

વિસાવદર: વિસાવદરના કાલાવડ ગામે ખેતરનાં મકાનમાં રહેતા ચીમનભાઇ કોળીની પુત્રી ગીતા (ઉ.વ.16) એ રાત્રીના એંઠવાડ ફેંકવા ઓસરીની જાળી ખોલતા જ 20 ફૂટ અંતરે બેસેલા દીપડાએ તરાપ મારી ગળાનાં ભાગેથી પકડી લીધી હતી. પરંતુ ગીતાએ રાડારાડ કરતા આસપાસમાંથી લોકો દોડી આવતાં દીપડો નાસી ગયો હતો. બાદમાં ગીતાને હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી. 

કાલાવડની આસપાસ સાત દીપડાનો વસવાટ

1.વિસાવદરના કાલાવડ ગામની આસપાસ 7 જેટલા દીપડાનો વસવાટ છે અને મારણનાં બનાવો તો સમયાંતરે બનતાં રહે છે. પરંતુ હવે તો માનવ પર હુમલાનાં બનાવ પણ વધી રહ્યા છે. વન તંત્ર પાંજરૂ મુકીને સંતોષ માની લે છે એમ સરપંચ રતીભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું. આ અંગે આરએફઓ ગઢવીનું ધ્યાન દોરતા આ કુતરૂ તો નથી કે તેનો કાન પકડી પાંજરામાં પુરી દઇએ. આવા જવાબથી લોકોમાં ભારે નારાજગી પ્રસરી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-leapard-attack-on-16-year-old-girl-near-visavadar-gujarati-news-6025941.html

વિજયા હરડે ઉગે ફક્ત ગીરનારમાં, પણ લુપ્તતાનાં આરે


Junagadh News - vijaya harade grows up only in girnar but also extends to extinction 044625

આયુર્વેદમાં ઉત્તમ

DivyaBhaskar News Network | Updated - Feb 23, 2019, 04:46 AM
આયુર્વેદમાં 7 પ્રકારની હરડે વ્યાખ્યાયિત કરવામાં અાવી છે. જેમાં વિજયા હરડે સૌથી ઉત્તમ ગણાવાઇ છે. આયુર્વેદનાં ગ્રંથોમાં વિજયા હરડેનાં ઉલ્લેખ સાથે જે ટીપ્પણી આપવામાં અાવી છે તેમાં દર્શાવાયું છે કે, આ હરડે ફક્ત ગિરનાર ક્ષેત્રમાંજ જોવા મળે છે. એમ આયુર્વેદિક કોલેજનાં ડો. પ્રણવ ત્રિવેદી કહે છે.

તેઓ વધુમાં ઉમેરે છે કે, હરડે વનસ્પતિ તરીકે લેટિન નામ ટર્મીનાલીયા શેબુલા છે. જે બધા પ્રકારની હરડેને લાગુ પડે. તેનો ઉપયોગ સામાન્ય રીતે વિરેચન માટે થતો હોય છે. પણ જો તેને સાકર, ગરમ પાણી, મધ, ઘી, વગેરે જુદી જુદી વસ્તુઓની સાથે લેવામાં આવે તો દરેક વસ્તુ સાથે તેના ઉપયોગનો પ્રકાર બદલી જાય છે. પ્રત્યેક સાથે તેની અસર જુદી જુદી હોય છે. ગિરનાર જંગલમાં તેના વૃક્ષો બહુ ઓછા છે એ વાત ચારેક વર્ષ પહેલાં અમે જ્યારે શિબીર યોજી હતી એ વખતે ધ્યાનમાં આવી હતી. ગિરનારની જમીન, આબોહવા, પાણી, જમીનનાં તત્વો, વગેરેને લઇને અહીં ઉગતી હરડેનો પ્રકાર વિજયા અને તે શ્રેષ્ઠ હોવાનું કહેવાયું છે.

હરડેનાં વૃક્ષની ખાસિયતો

- વૃક્ષની ઉંચાઇ 9 થી 20 મીટર

- થડ ભૂરા-કાળા રંગનું અને તેની છાલ ખરબચડી હોય છે.

- શાખાઓ અનેધ અને ડાળીઓ લટકતી હોય છે.

- તેના પાંદડા વચ્ચે લીલાશ પડતા સફેદ રંગની નસ હોય છે. કુમળા પાન રતાશ પડતા રંગનાં સૂક્ષ્મ રૂંવાટીવાળા હોય છે.

- તેના ફૂલ ક્રીમ-સફેદ કે આછા પીળા રંગના હોય છે.

- કાચી હરડે લીલા રંગની અને પાકે ત્યારે ભૂરા કાળાશ પડતા રંગની થાય છે.

- કાચી હરડે ખરીને સુકાય તેને હિમેજ કહેવાય છે. જ્યારે મોટી પરિપકવ હોય તેને સુરવારી કહેવાય છે.

- તેના ફળ જુન અને ડિસેમ્બર માસમાં આવે છે.

(સંદર્ભ : ગિરનારનાં વૃક્ષો, વનવિભાગ)

ફળનો ઉપયોગ

દવા તરીકે તે વિરેચનનું કાર્ય કરે છે. એ સિવાય તે આંતરડાને પણ બળવાન બનાવે છે. ઉપરાંત મૃત પશુના ચામડાંને નરમ, મજબૂત બનાવવામાં તેનું પાણી વપરાય છે.

લાકડાંનો ઉપયોગ

હરડેનાં લાકડાંનો ઉપયોગ ફર્નીચર, મકાન બાંધવા અને ખેતીનાં અોજારો બનાવવામાં થાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-vijaya-harade-grows-up-only-in-girnar-but-also-extends-to-extinction-044625-3968009-NOR.html

ઉનાના સૈયદ રાજપરામાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, ખેતરમાંથી મૃતદેહ મળ્યો

Divyabhaskar.com | Updated - Feb 26, 2019, 10:51 AM

  • રહેણાકીય તળાવ વિસ્તારમાં 5 સિંહ પરિવારનો વસવાટ 
  • દરિયાઇ કાંઠા વિસ્તારના ખેતરમાં એરંડાના વાવેતર પાસેથી મૃતદેહ મળ્યો
    ઊના:
    દરીયાઇ કિનારે આવેલા સૈયદ રાજપરા ગામના રહેણાંકીય વિસ્તારમાં 5 સિંહ પરિવારનું ટોળુ રહેતુ હોય છે. જેમાંથી એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આ‌વતા SCF સહિતનો સ્ટાફે સ્થળે પહોંચી વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. આ સિંહનાં ગ્રૃપને માણેકપુર તરફના રસ્તે જતા લોકોએ નિહાળ્યા હતા. એરંડાનું વાવેતર હોય તેમાંથી પસાર થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

સિંહનાં મોતનું ઘુંટાતુ રહસ્ય
ઊના વનવિભાગનાં કર્મચારી ભાવસિંગ સોલંકી સહિતના કર્મીને જાણ થતા જશાધાર આરએફઓ તેમજ ધારીના એસસીએફ એન.જી. પરમારે મૃતદેહનો કબ્જો લઇ તેના મોતનુ કારણ શોધવા તપાસ હાથ ધરી છે. સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આ‌વતા વનતંત્રનાં અધિકારીઓ અને સ્ટાફ પણ દોડતા થઈ ગયા છે.વનવિભાગના અધિકારીઓ સિંહના મોત પાછળ ઇનફાઇટની ઘટના હોવાનું જણાવી મોતનું સાચુ કારણ બતાવવા મગનું નામ મરી પાડતા આ સિંહના મોતનું રહસ્ય ઘુંટાઇ રહ્યુ છે. દોઢ વર્ષ પહેલા દીપડાનાં મોતનું રહસ્ય પણ હજુ અકબંધ હોવાનું જાણવા મળે છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-another-suspected-death-of-a-lion-found-dead-in-the-farm-in-syed-rajpura-of-una-gujarati-news-6027471-NOR.html

અમે કોઇને ગિરનાર પરિક્રમાની મંજૂરી આપી જ નથી : વનવિભાગ

થોડા દિવસો પહેલાં જૈનોને એકજ મહિનામાં બીજી વખત ગિરનારની પરિક્રમાની મંજૂરી આપી હોવાનાં આક્ષેપ સાથે અખંડ ભારત...

DivyaBhaskar News Network | Updated - Feb 27, 2019, 02:31 AM
થોડા દિવસો પહેલાં જૈનોને એકજ મહિનામાં બીજી વખત ગિરનારની પરિક્રમાની મંજૂરી આપી હોવાનાં આક્ષેપ સાથે અખંડ ભારત સંઘના ભાવેશ વેકરીયાએ વનવિભાગની વિરૂદ્ધમાં છેક રાષ્ટ્રપતિ સહિતને રજૂઆતો કરી હતી. વનવિભાગ સામે એકજ મહિનામાં અાર્ય રક્ષિત જૈન ધર્મ રક્ષક સંઘને ગિરનારની પરિક્રમા માટે બીજી વખત મંજૂરી આપી હિન્દુ સમાજની બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનાં આક્ષેપ સાથેની ફરિયાદ અંગે વનવિભાગે એવું જણાવ્યું છે કે, આવી કોઇજ મંજૂરી આપવામાં આવી નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-we-do-not-allow-anybody-for-the-girnar-parikrama-forest-department-023152-3996690-NOR.html

ગીર કાંઠાના ધારી તાલુકાના લોકો આમ તો સાવજોથી ટેવાયેલા

ગીર કાંઠાના ધારી તાલુકાના લોકો આમ તો સાવજોથી ટેવાયેલા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની જનતાને તો સાવજોનો અવાર...

DivyaBhaskar News Network | Updated - Feb 01, 2019, 02:32 AM
ગીર કાંઠાના ધારી તાલુકાના લોકો આમ તો સાવજોથી ટેવાયેલા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની જનતાને તો સાવજોનો અવાર નવાર સીમમાં ભેટો થઇ જાય છે. પરંતુ ધારી શહેરની મધ્યમાં બજારમાં સાવજ લટાર મારે તે વાત જરા કલ્પના બહારની છે. પરંતુ ગઇરાત્રે આવુ બન્યુ હતું. રાત્રે દોઢેક વાગ્યાના સુમારે ધારીમાં અમરેલી રોડ પર આવેલ પેટ્રોલપંપ નજીક શહેરની મધ્યમાં જ અચાનક એક ડાલામથ્થો આવી ચડયો હતો. અહિંની પટેલ વાડીના ગેઇટ પાસેથી આ સાવજ પસાર થઇ રહ્યો હતો ત્યારે રાત્રીના સમયે બહાર ફરતા કેટલાક લોકોએ તેને નિહાળ્યો હતો. જો કે મધરાતનો સમય હોય લોકોની કોઇ મોટી ચહલ પહલ ન હતી પરંતુ સવારના સમયે જ્યારે લોકોને આ અંગે જાણ થઇ ત્યારે ફફડાટ મચી ગયો હતો. અગાઉ એક વખત સાવરકુંડલા શહેરમાં પણ આ રીતે સાવજો ચડી આવ્યા હતાં. ધારીમાં સિંહની હાજરીથી હાફળી ફાફળી ગયેલી ગાયોની દોડાદોડ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-people-of-dhari-taluka-of-gir-river-are-so-accustomed-to-this-023250-3789249-NOR.html

રાયડી ગામે સિંહ પાછળ ગાડી દોડાવવા અંગે બે શખ્સોને માત્ર નિવેદન લઇ જવા દેવાયા

સુરતથી કાર લઇ લગ્નમાં રાયડી આવતા મધરાતે ગામમાં સિંહનો ભેટો થઇ ગયો હતો

DivyaBhaskar News Network | Updated - Feb 03, 2019, 03:21 AM
ખાંભા તાલુકાના રાયડી ગામે ગત તા.27 જાન્યુઆરીના રોજ 2 સિંહો અનામત વિડી છોડી રાયડી ગામે મારણની શોધમાં આવી ચડ્યા હતા. ત્યારે અહીં ગામમાં જ લગ્ન પ્રસંગ હોઈ રાત્રીના સુરતથી ઇકો સપોર્ટ કારમાં મગનભાઈ બાબુભાઇ નસીત તેમના પરિવાર સાથે રાયડી ગામે આવ્યા હતા.રાયડી બસ સ્ટેશન વિસ્તારમાં 2 સિંહો આ ગાડીની સામે આવી ચડ્યા હતા. ત્યારે આ સિંહોને આટલા નજીકથી જોઈ પોતાના મોબાઈલમાં આ પરિવાર દ્વારા વિડીયો બનાવાયો હતો. અને બાદમાં રાયડી ગામના રંગીલું રાયડી વોટ્સએપ ગૃપમાં આ કલીપ આવતા સિંહોની પજવણી થતી હોવાની સોશ્યલ મીડિયામાં કૉમેન્ટ શરૂ થાય હતી. જેથી વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મગનભાઈ બાબુભાઇ નસીતને સુરત ખાતેથી ખાંભાની રેન્જ કચેરીએ બોલાવાયા હતા. અને નિવેદન લેવામાં આવ્યા હતા. જ્યારે તેમના નિવેદનનું ક્રોસ વેરિફિકેશન વનવિભાગ દ્વારા કરવામાં આવતા નિવેદન મેચ થતા તેઓને છોડી મુકવામાં આવ્યા હતા.

અચાનક સિંહો ભેગા થયા હતા

એસીએફ નિકુંજ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત તેમણે જણાવ્યું હતું કે મગનભાઈ બાબુભાઇ નસીતના પરિવાર સાથે રાયડી લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને બસ સ્ટેશન વિસ્તારમાં આ બને સિંહો અચાનક ભેગા થઈ ગયા હતા. સિંહોને હેરાન કર્યા હોય તેવું સાબિત થતું ના હોઈ નિર્દોષ પર ગુન્હો દાખલ કરવો તે વ્યાજબી પણ નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-two-people-were-asked-to-take-the-statement-only-to-run-a-vehicle-behind-a-lion-in-raydi-village-032121-3805464-NOR.html

વડીયાના અરજણસુખ ગામે દીપડાએ યુવાનના હાથ પર બચકા ભર્યા, લોહીલૂહાણ


હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો ય�

DivyaBhaskar.com | Updated - Feb 04, 2019, 04:53 PM
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો ય�

  • બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો હતો  

અમરેલી: વડીયાના અરજણસુખ ગામે રહેતા રણજીતભાઇ જસમતભાઇ રાઠોડ પશુ માટે ઘાસ કાપવા ગયા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. રણજીતભાઇના હાથમાં દીપડાએ બચકા ભરતા લોહીલૂહાણ થઇ ગયા હતા. ઘાસ કાપી રહ્યા હતા ત્યારે અચાનક જાડીમાંથી દીપડાએ હુમલો કર્યો હતો. બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો હતો. રણજીતભાઇને સારવાર માટે 108 મારફત વડીયા સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા.
(માહિતી અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી.)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-panther-attack-on-young-man-in-arajansukh-village-of-vadiya-gujarati-news-6018422-NOR.html

ખાંભાનાં નાનીધારી ગામમાં ઘુસી આવી સિંહણે કર્યું વાછરડીનું મારણ

સિંહણે એક કલાક સુધી ગામની શેરીઓમાં આંટાફેરા માર્યા

DivyaBhaskar News Network | Updated - Feb 05, 2019, 03:15 AM

નાનીધારી ગામની મુખ્ય બજારમાં શિવ પાન હાઉસ આવેલ છે. ત્યારે આ પાનની દુકાનની નજીક મેઈન બજારમાં ગત રાત્રીના એક સિંહણ આવી ચડી હતી.

જ્યારે આ સિંહણ જંગલ તરફ આવેલ વાડી વિસ્તારમાંથી મારણ અને પાણીની શોધમાં ગામમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સિંહણ મેઈન બજારમાં વાછરડીનું મારણ કર્યું તે પહેલા નાનીધારીની અન્ય શેરીઓમાં મારણ માટે આંટાફેરા કર્યા હતા.

ત્યાર બાદ સિંહણ ગામની મેઈન બજારમાં ચડી હતી. ત્યારે શિવ પાન નજીક એક વાછરડી બેઠી હતી. વાછરડી સિંહણ આવી ગઈ હોય તે સમજે તે પહેલા જ સિંહણ દ્વારા વાછરડીનું મારણ માટે તરાપ મારી દીધી હતી. બાદમાં વહેલી સવાર સુધી મારણની મિજબાની માણી હતી. બાદમાં નાનીધારી ગામ લોકો પરોઢે ઉઠવાની શરૂઆત કરી ચહલપહલ શરૂ થતાંની સાથે જ સિંહણ જંગલ તરફ વાડી વિસ્તાર તરફ પ્રયાણ કરવા લાગી હતી.

જ્યારે સવારે લોકોને મારણની વાત ખબર પડતાં જ લોકો અહીં જોવા માટે દોડી ગયા હતા. ત્યારે માત્ર ત્યાં વાછરડીનું મારણ જ પડ્યું હતું સિંહણ તો જતી રહી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion-slaughtered-in-the-small-village-of-khambha-031545-3821642-NOR.html

લીલીયાનાં અંટાળીયા વિસ્તારમાં સિંહણે 4 બચ્ચાને જન્મ આપ્યો

Divyabhaskar.com | Updated - Feb 05, 2019, 12:32 PM 

  • સિંહણ અને 4 બચ્ચા રસ્તા પર લટાર મારતાં જોવા મળ્યાં 

અમરેલી: છેલ્લા 2 દાયકા કરતાં વધુ સમયથી સાવજોએ લીલીયા પંથકને પોતાનું રહેઠાણ બનાવ્યું છે. ત્યારે અંટાળીયા પંથકમાં એક સિંહણે 4 સિંહબાળને જન્મ આપ્યાનું બહાર આવતાં સિંહપ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. આ સિંહણ પોતાના ચાર બચ્ચા સાથે રસ્તા પર લટાર મારતા નજરે પડી હતી. 

સિંહબાળોની વિશેષ તકેદારી લેવામાં આવે તેવી માંગ

1.બૃહદગીરમાં આવતા લીલીયા પંથકમાં શેત્રુજી અને ગાગડીયો નદીના કાંઠે સાવજ પરિવારો વિકાસ પામી રહ્યો છે. આ વિસ્તારના અંટાળીયા તથા આસપાસના ગામોની સીમમાં પણ સાવજનો વસવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં તાજેતરમાં એક સિંહણે 4 બચ્ચાને જન્મ આપ્યો છે. જેને પગલે આ વિસ્તારમાં સાવજની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે સિંહપ્રેમીઓની માંગ છે કે વનતંત્ર દ્વારા આ સિંહબાળોની સારસંભાળ માટે વિશેષ તકેદારી લેવામાં આવે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-in-liliya-lioness-gave-birth-to-four-cubs-amreli-district-gujarati-news-6018728.html

સમઢીયાળા-1 ગામે બંધારો નજીક ખુલ્લા વીજ વાયરો પક્ષીઓ માટે જોખમી બન્યા


Rajula News - open electric wires near monopoly 1 village buildings became dangerous for birds 035709

પક્ષીઓ મોતને ભેટ્યા છે : પીવીસી ઇન્સ્યુલેશનવાળા વાયરો નાખવા માંગ

DivyaBhaskar News Network | Updated - Feb 06, 2019, 03:57 AM
શિયાળાની ઋતુ દરમિયાન રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમા દર વર્ષે અનેક વિદેશી પક્ષીઓ અહી શિયાળો ગાળવા માટે આવે છે. ઓણસાલ પણ આ વિસ્તારમા મોટી સંખ્યામા પક્ષીઓ આવ્યા છે.

ત્યારે રાજુલાના સમઢીયાળા-1 ગામે બંધારો આવેલો છે. અહીથી વિજ કંપનીની લાઇન પણ પસાર થાય છે અહી ખુલ્લા વિજ વાયરોના કારણે અનેક પક્ષીઓ મોતને પણ ભેટે છે ત્યારે આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવા યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા કલેકટરને રજુઆત કરવામા આવી છે.

યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા કલેકટરને કરાયેલી રજુઆતમા જણાવાયું છે કે રાજુલાના સમઢીયાળા-1 ગામે નિરમા પાણીનો બંધારો છે. આ બંધારામા હાલ વિદેશી પક્ષીઓ આવ્યા છે. અહીથી વિજ લાઇન પસાર થતી હોય અને ખુલ્લા વિજવાયરો પણ હોય પક્ષીઓ તાર પર બેસતા જ મોતને ભેટે છે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા ગત વર્ષે પણ લેખિતમા વિજ કંપનીને જાણ કરાઇ હતી.

રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે આ વિસ્તારમા વિજ કંપની દ્વારા પીવીસી ઇન્સ્યુલેશનવાળા વાયરો નાખવામા આવે તો પક્ષીઓ મોતને ભેટતા બચી શકે તેવી માંગ કરાઇ હતી. વિજ કંપની દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવતી ન હોય પક્ષીઓ મોતના મુખમા ધકેલાઇ રહ્યાં છે. ત્યારે તાકિદે આ બાબતે કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરાઇ હતી. તસવીર-ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-open-electric-wires-near-monopoly-1-village-buildings-became-dangerous-for-birds-035709-3829794-NOR.html

જાફરાબાદના દુધાળા ગામે સિંહે બળદનો શિકાર કરી મિજબાની માણી, વીડિયો વાયરલ

  • સિંહો આંટાફેરા મારતા જોવા મળ્યાં
    Divyabhaskar.com | Updated - Feb 07, 2019, 08:39 PM

અમરેલી: જાફરાબાદના દુધાળા ગામમાં સિંહોએ આતંક મચાવ્યો છે. આજે વહેલી સવારે સિંહો દુધાળા ગામમાં ઘુસી આવ્યા હતાં અને બળદનું મારણ કરી મિજબાની માણી હતી. જે બાદ સિંહો આંટાફેરા મારતા જોવા મળ્યાં હતાં. જેને લઈને ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. મહત્વનું છે કે સિંહો ઘણી વખત દુધાળાની બજારોમાં પણ લટાર મારે છે. જેને લઈને ગ્રામજનો બહાર નીકળતા પણ ડરે છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-in-amreli-dudhala-lions-viedo-viral-lions-hunted-a-ox-gujarati-news-6019654-NOR.html

જાફરાબાદના વાંઢ ગામ નજીક 5 સિંહના ટોળાએ દોઢ વર્ષીય સિંહનું મોત નિપજાવ્યું


ફાઈલ ફોટો

Divyabhaskar.com | Updated - Feb 09, 2019, 02:30 PM
ફાઈલ ફોટો

  • સિંહના મૃતદેહને પીએમ માટે ખસેડાયો

અમરેલી:જાફરાબાદ તાલુકાના વાંઢ ગામ નજીક આવેલા માઈન્સ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની તપાસમાં સામે આવ્યું છે કે 5 સિંહના ટોળાએ દોઢ વર્ષીય સિંહનું મોત નિપજાવ્યું છે. આ વાતની પુષ્ટિ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ કરી છે. મહત્વનું છે કે સિંહોના મોટા ગૃપ આ રીતે પાઠડા સિંહો સાથે ઘર્ષણ કરે છે. હાલ તો સિંહના મૃતદેહને પીએમ માટે બાબરકોટ નર્સરી ખાતે ખસેડાયો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-5-year-old-lion-dead-in-jhabrabands-vandh-village-gujarati-news-6020642-NOR.html

નાનો ચંડુલ પક્ષી બીજા 24 પક્ષીઓના અવાજની મિમિક્રી કરે છે



Amreli News - the little chandal bird mimics the sound of another 24 birds 020131

કુદરતી બક્ષીસ

DivyaBhaskar News Network | Updated - Feb 10, 2019, 02:01 AM
જૂનાગઢનાં ભવનાથમાં આજે બર્ડ વોચીંગનાં શોખીનોને પક્ષીઓની ઓળખ કેવી રીતે કરવી અને તેનો અવાજ કેવી રીતે કરવો તેમજ સાથે તેની ખાસિયતો કેવી હોય છે તેની થિયરી અને પ્રત્યક્ષ તાલીમ આપતો વર્કશોપ શરૂ થયો છે.

જૂનાગઢની વસુંધરા નેચર ક્લબ દ્વારા અમરેલીનાં જાણીતા પક્ષીઓ પર સંશોધન કરતા વિરલ જોષીના બે દિવસીય વીઝ્યુઅલ અને પ્રેક્ટિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પુનિત આશ્રમ ખાતે આવતીકાલે બપોર સુધી આ વર્કશોપ ચાલશે. જેમાં આજે પ્રકૃતિનાં ખોળે જુદા જુદા પક્ષીઓનો અવાજ કેવી રીતે ઓળખવો અને તેનું મોબાઇલ અથવા ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી રેકોર્ડીંગ કેવી રીતે કરવું સાથે તેમાંથી બીજા અવાજોનું ડીસ્ટર્બન્સ કેવી રીતે દૂર થઇ શકે તેની પ્રેક્ટિકલ તાલીમ અાપવામાં આવી હતી.

આ તકે વિરલ જોષીએ જણાવ્યું હતું કે, પક્ષીઓ પોતાની દરેક ક્રિયાઓ વખતે જુદા જુદા અવાજ કાઢે છે. જો કોઇ પક્ષીને ઉડવું હોય તો તેનો ફ્લાય કોલ, તો મેટીંગ માટે માદાને મનાવવાનો ક્વોરશીપ કોલ હોય, એ રીતે માળામાં રહેલા બચ્ચાં ખોરાક માટે બેગીંગ કોલ આપે છે. એકજ પ્રજાતિનાં પક્ષીઓ આ રીતે બધી ક્રિયાઓ માટે જુદા જુદા અવાજો કાઢે છે. તો વળી કોઇ શિકારી પક્ષી અથવા સાપથી બચવા માટે એલાર્મ કોલ પણ પક્ષીઓ એકબીજાને આપતા હોય છે. માત્ર પોતાની જ પ્રજાતિને નહીં, મોર જેવા પક્ષી તો સિંહ-દિપડા જેવા પ્રાણીઓની હાજરી હોય ત્યારે આવો એલાર્મ કોલ ચિત્તલ અને વાંદરા જેવા પ્રાણીઓને પણ આપે છે.

એક પ્રજાતિનું પક્ષી તો ખીસકોલી જેવો અવાજ કાઢે

આપણે ત્યાં નાનો ચંડુલ તરીકે ઓળખાતું પક્ષી પોતાના એક ગીત વખતે જુદા જુદા 24 પ્રજાતિનાં પક્ષીઓનાં અવાજની મિમિક્રી કરે છે. તેમાં તે ખિસકોલી સુદ્ધાંનો અવાજ કાઢે છે. તો દૈયડ પક્ષીનો અવાજ સાંભળવા માટે ખુબજ સુંદર હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-little-chandal-bird-mimics-the-sound-of-another-24-birds-020131-3862606-NOR.html

5 સિંહના અંદરો-અંદરનાં ડખ્ખામાં બે વર્ષનાં સિંહ બાળનો ભોગ લેવાયો

જાફરાબાદના વાંઢની સીમમાં ઇનફાઇટમાં સિંહનાં મોત

DivyaBhaskar News Network | Updated - Feb 10, 2019, 03:23 AM
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સમયાંતરે સાવજોના કુદરતી-અકુદરતી મોતની ઘટનાઓ બહાર આવતી જ રહે છે. આવી એક વધુ ઘટના જાફરાબાદના વાંઢ ગામની સીમમાં આજે બની હતી. જ્યાં વસતા સાવજો વચ્ચે આંતરીક વિખવાદ થતા પાંચ સિંહના ટોળાએ એક પાઠડા સિંહને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ દોડ્યા હતાં. સિંહનો મૃતદેહ અર્ધ ખવાયેલી હાલતમાં મળ્યો હતો.

ઇનફાઇટમાં સિંહના મોતની આ ઘટના જાફરાબાદ તાલુકાના વાંઢ ગામની સીમમાં બની હતી. આ વિસ્તારમાં સાવજોનો મોટી સંખ્યામાં વસવાટ છે. અહિં એક ખાનગી કંપનીની માઇન્સ વિસ્તારમાં પણ છ સાવજોનું ગૃપ વસવાટ કરી રહ્યુ છે. આજે આ સાવજ ગૃપમાં અંદરો અંદર ડખ્ખો થતા આશરે બે વર્ષની ઉંમરના પાઠડા સિંહ પર બાકીના પાંચ સાવજોએ હુમલો કરી દીધો હતો અને આ સિંહને ગંભીર રીતે ઘાયલ કરી દેતા તેનું મોત થયુ હતું.

ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ તાબડતોબ બનાવના સ્થળે દોડ્યા હતાં અને અહિંથી સિંહનો મૃતદેહ કબજે લેવાયો હતો. જો કે વન વિભાગના સ્થાનિક અધિકારીઓએ ભેદી રીતે મૌન સેવી લીધુ હતું અને પત્રકારો સુધી માહિતી ન પહોંચે તેવા પ્રયાસો કરાયા હતાં જેને પગલે ઘટનામાં અનેક શંકાઓ-કુશંકાઓ ઉભી થઇ હતી. બાદમાં ઉચ્ચ અધિકારીઓએ અહિં ઇનફાઇટમાં સિંહનું મોત થયાની ઘટનાને સમર્થન આપ્યુ હતું.

અત્રે નોંધનીય છે કે, હાલ સિંહની સુરક્ષાને લઇ વનતંત્ર દ્વારા અલગ-અલગ રીતે તેમની સુરક્ષાને લઇ આયોજનો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આવી રીતે થતાં અંદરો-અંદર થતાં ઝઘડામાં સિંહબાળનો ભોગ લેવાયો છે ત્યારે આવા નાની ઉંમરનાં સિંહબાળની સુરક્ષાને લઇ વનતંત્રએ અલગથી કોઇ આયોજન માંડવું જોઇએ. તેવી ચર્ચા પણ ઉઠવા પામી રહી છે.

અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો : એસીએફ

બનાવ અંગે એસીએફ ગોજીયાએ જણાવ્યુ હતું કે વાંઢની સીમમાંથી અમને અર્ધ ખવાયેલી હાલતમાં આ મૃતદેહ મળ્યો છે. જેનું ઇનફાઇટમાં મોત થયુ હતું તે સિંહ છે કે સિંહણ તેની તપાસ ચાલુ છે.

બાબરકોટ નર્સરી ખાતે પીએમ કરાયું

ઘટનાને પગલે રાજુલા રેન્જ પોલીસનો સ્ટાફ વાંઢની સીમમાં દોડી ગયો હતો અને સિંહના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે બાબરકોટ નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બે ડોક્ટરોની પેનલ દ્વારા પીએમ કરાયુ હતું. જેમાં ઇનફાઇટમાં સિંહનું મોત થયાનું ખુલ્યુ હતું.

સિંહનું મોત છુપાવવા પ્રયાસ કેમ કરાયો ?

રાજુલા અને જાફરાબાદના રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા વધારે છે. અહિં અવાર નવાર સાવજોના કમોતની પણ ઘટના બને છે. વનતંત્ર મિડીયાથી હંમેશા આવી ઘટના છુપાવવા પ્રયાસ કરે છે. આ કિસ્સામાં પણ આવો પ્રયાસ શા માટે થયો હતો ?

સિંહની સંખ્યામાં ઘટાડો |હાલ સિંહોના મોતની ઘટના સમયાંતરે સામે આવી રહી છે ત્યારે અને કયારેક અંદોર-અંદોરના ઝઘડામાં પણ મોત થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આવનાર સમયમાં સિંહનો સંખ્યામાં વધારો કઇ રીતે થશે તેવો પ્રશ્નો ઉઠી રહ્યો છે અને વારંવાર થતાં સિંહોના મોતને કારણે તેની જનસંખ્યામાં થતાં ઘટાડાને લઇ પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-five-lions-of-the-two-lions-were-killed-in-the-lions-inside-the-lion-032306-3862600-NOR.html

મધરાતે શિકાર પાછળ દોડેલી સિંહણ 20 ફુટ ઉંડા કુવામાં ખાબકી : રેસ્કયુ


Rajula News - lioness running behind midnight hunts loses 20 feet in deep hole rescue 032021

 રાજુલાના ખેરામા ભુંડનો શિકાર સિંહણને ભારે પડી ગયો : જંગલમાં મુકત કરાશે
DivyaBhaskar News Network | Updated - Feb 11, 2019, 03:20 AM
અમરેલી જિલ્લામા ગીરકાંઠાના ખુલ્લા કુવાઓ સાવજ માટે જોખમી છે. પરંતુ હવે તો સાવજો ગીરથી દુરદુરના પ્રદેશોમા પણ વસી રહ્યાં છે અને આ દુરના પ્રદેશોના ખુલ્લા કુવાઓ પણ જોખમી સાબિત થઇ રહ્યાં છે. રાજુલાના દરિયાકાંઠે આવેલા ખેરા ગામની સીમમા ભુંડનો શિકાર કરવા પાછળ દોડેલી સિંહણ ભુંડ સાથે જ 20 ફુટ ઉંડા કુવામા ખાબકી હતી. સિંહણે ભુંડને કુવામા જ મારી નાખ્યું હતુ. વનવિભાગે સવારે અહી દોડી જઇ સિંહણને સહી સલામત બહાર કાઢી હતી.

દરિયાકાંઠાના રાજુલા તાલુકાના ખેરા ગામની સીમમા કુવામા ખાબકેલી સિંહણને આજે સવારે રેસ્કયુ ઓપરેશન કરી બહાર કાઢી લેવામા આવી હતી. ખેરાની સીમમા નવઘણભાઇ ગુજરીયાની માલિકીના વાડામા 20 ફુટ ઉંડો કુવો આવેલો છે. દરિયાકાંઠાના આ વિસ્તારમા પણ સાવજોનો વસવાટ છે. રાત્રીના સમયે એક સિંહણ ભુંડનો શિકાર કરવા માટે તેની પાછળ દોડી હતી. જો કે સિંહણથી બચવા ભાગેલુ ભુંડ નવઘણભાઇના કુવામા ખાબકયુ હતુ. અને તેની પાછળ પાછળ સિંહણ પણ કુવામા ખાબકી હતી. સવારે જયારે વાડી માલિકને કુવામા સિંહણ અને ભુંડ હોવાની જાણ થઇ ત્યારે તેણે વનવિભાગને જાણ કરી હતી. જેને પગલે વનવિભાગનો સ્ટાફ અહી તાબડતોબ રેસ્કયુ ઓપરેશન માટે દોડી આવ્યો હતો. આ કુવામા જો કે પાણી ન હતુ પરંતુ બે ફુટ જેટલો કિચડ હતો. જેથી વનતંત્રને રેસ્કયુ ઓપરેશનમા કોઇ ખાસ વિશેષ તકલીફ પડી ન હતી. એકાદ કલાકની જહેમત બાદ અહી વનતંત્ર દ્વારા સિંહણને સલામત રીતે બહાર કાઢી પાંજરે પુરવામા આવી હતી અને ભુંડનો મૃતદેહ પણ બહાર કાઢયો હતો. અહી વનવિભાગની કામગીરી નીહાળવા માટે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ગામ નજીક આ રીતે સિંહણના આંટાફેરાથી લોકોમા ફફડાટ પણ ફેલાયો છે.

સિંહણને સવારમાં રેસ્કયું કરી બચાવી લેવાઇ. તસવીર- કે .ડી.વરૂ

કુવામાં સિંહણે ભુંડને મારી નાખ્યું

ભુંડની પાછળ પાછળ સિંહણ પણ કુવામા ખાબકી હતી અને બંને અહી કાદવમા પડયા બાદ પણ સિંહણે ભુંડના રામ રમાડી દીધા હતા. જો કે પોતે અંદર ફસાઇ ગયાનો અહેસાસ થતા ગભરાયેલી સિંહણ ભુંડને ખાઇ શકી ન હતી.

સિંહણને કોઇ ઇજા થઇ નથી- આરએફઓ

સ્થાનિક આરએફઓ રાજલ પાઠકે જણાવ્યું હતુ કે આ ઘટનામા સિંહણને કોઇ ઇજા પહોંચી નથી. બાબરકોટ નર્સરી ખાતે તેની આરોગ્ય ચકાસણી કરી જંગલમા પુન: મુકત કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lioness-running-behind-midnight-hunts-loses-20-feet-in-deep-hole-rescue-032021-3870420-NOR.html

ડારીમાં 5 સાવજોનાં હુમલાથી 66 બકરાં-1 ઘેટું મોતને ભેટ્યા

મૃતદેહ સિંહના મારણ માટે લઇ જવાતાં લોકોના ટોળા એકઠા થયા

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:20 AM
વેરાવળનાં ડારીની સીમ વિસ્તારમાં હીરાભાઇ લાખાભાઇ સોલંકીની વાડી માં ગત રાત્રે ત્યાંજ રહેતા જીવા પાલા માલધારીએ પોતાના માલઢોર ત્યાં રાખ્યા હતા. દરમ્યાન રાત્રે એક વાગ્યાના અરસામાં 5 સિંહો વાડીમાં આવી ચઢ્યા હતા. અને જીવા પાલાના માલઢોર પર હુમલો કરી દેતાં 66 બકરાં અને 1 ઘેટાંનું મોત નિપજ્યું હતું. સિંહોના અવાજથી હીરાભાઇ અને જીવાભાઇ જાગી ગયા હતા. અને વનવિભાગને જાણ કરી હતી. આથી વનવિભાગનાં ભેડા અને ગરચર સહિતનો સ્ટાફ ડારી દોડી ગયો હતો. અને બકરાનાં મૃતદેહો ડારી અને આદ્રીના જંગલમા સિંહોનાં મારણ માટે લઇ જવાયા હતા.

મારી રોજી છીનવાઇ ગઇ : માલધારી

સિંહોનાં હુમલાથી મારી રોજી રોટી છીનવાઇ ગઇ છે. આ બનાવને લીધે મને 4 લાખની આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આથી મને સહાય મળવી જોઇએ.- જીવા પાલા માલધારી

આર્થિક સહાય ચૂકવાશે : વનવિભાગ

અમને સવારે જીવા પાલા નો ફોન આવ્યો હતો. આ પશુઓનું મારણ સિંહોએ જ કર્યું છે. અમે રોજકામ કરી કેસ નોંધ્યો છે. જે માલધારીને નુકસાન થયું છે તેઓને આર્થિક સહાય ચૂકવાયજ છે.- હરેશ ગરચર, રાઉન્ડ ફોરેસ્ટર
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-dari-five-goats-were-killed-and-66-goats-lost-one-sheep-022009-3880394-NOR.html

ગિરનાર જંગલથી માધવપુર ઘેડ સુધી સિંહની સફર

3000 ચો.કિ.માં 600 સિંહનો વસવાટ બરડા વિસ્તારમાં સિંહ સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 4 સિંહનો વસવાટ છે....

DivyaBhaskar News Network | Updated - Feb 13, 2019, 02:05 AM
3000 ચો.કિ.માં 600 સિંહનો વસવાટ

બરડા વિસ્તારમાં સિંહ સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 4 સિંહનો વસવાટ છે. તંત્રનું આયોજન આગામી દિવસોમાં અહીં સિંહનું રહેણાંક બને એવું છે.

ઘેડ વિસ્તાર

માધવપુર

વધુ એક સિંહ કુંડા વિસ્તારમાં

માધવપુરનાં કુંડા વિસ્તારમાં એક સિંહ હોવાનું નજરે પડ્યું છે. જોકે હાલ વનવિભાગની ટીમ સિંહને ખસેડવા માટે તૈનાત થઇ છે.

માધવપુરનાં કુંડા વિસ્તારમાં એક સિંહ હોવાનું નજરે પડ્યું છે. જોકે હાલ વનવિભાગની ટીમ સિંહને ખસેડવા માટે તૈનાત થઇ છે.

ઓસો આશ્રમ

ઘેડ વિસ્તાર

મટીયાણા

આ દિવસોમાં ખુંભડી, સેંદરડા વિસ્તારમાં સિંહ દેખાયા હતા. અને ત્યાં માધવપુર ઘેડ વિસ્તારમાં પ્રવેશ કર્યાનું લોકો કહી રહ્યા છે.

શીલ

લોએજ

પીપલાણા

વસ્તી ગણતરી વખતે 523 સિંહ નોંધાયા હતા. બાદ અમરેલી જિલ્લામાં ટપોટપ સિંહનાં મોત થવા લાગ્યા હતા. ત્યારે 23થી વધુ સિંહ મોતને ભેટ્યા હતા. આ ઘટના દરમિયાન વનવિભાગ દ્વારા સિંહોનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે 3 હજાર ચોરસ કિમી વિસ્તારમાં વસ્તી ગણતરી કરતા 600 સિંહ જોવા મળ્યા હતા. જે વસ્તી ગણતરી કરતા 77 સિંહ વધુ હતા.

માંગરોળ , ચોરવાડ દરિયાઇ પટ્ટીમાં પાંચથી છ સિંહ અવાર- નવાર જોવા મળ્યા છે. ખાસ કરીને બારા વિસ્તારમાં આ સિંહ નજરે પડે છે. આ સિંહમાંથી કોઇ એક સિંહ છુટ્ટો પડી માધવપુર ગામમાં પહોંચ્યો હોવાનું વનવિભાગ માની રહ્યું છે. જોકે માંગરોળ ચોરવાડ માં બાબરા વિડી વિસ્તારમાંથી સિંહ આવ્યાનું પણ વન વિભાગ માની રહ્યું છે.

રાહીજ

માણેકવાડા

માંગરોળ

શાપુર

બે માસ પહેલા માણેકવાડા સીમ વિસ્તારમાં પ્રથમ વખત સિંહ જોવા મળ્યા હતા. આ સિંહ શાપુર તરફથી આવ્યાનું વન વિભાગે જે-તે સમયે અનુમાન કર્યું હતું.

જૂનાગઢ, ગિરનાર પર્વત
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lion39s-journey-from-girnar-jungle-to-madhavpur-ghed-020515-3885511-NOR.html

સિંહોએ સલ્તનત માંગરોળથી શિહોર સુધી વિસ્તારી

સાવજોની વસ્તી જ નહીં જંગલ ગીચ બને એટલે સિંહ બહાર નિકળી રહ્યા છે : શિકાર માટે સિંહોને ઘેડ પંથક વધુ અનૂકુળ બની રહ્યો...

DivyaBhaskar News Network | Updated - Feb 14, 2019, 03:52 AM
ગિરનું જંગલ 1412 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી 258 ચોરસ કિમી વિસ્તાર નેશનલ પાર્ક છે. જે ખુબજ ગીચ છે. આથી આ વિસ્તારમાં સિંહોની અવરજવર સ્વાભાવિકપણેજ ઘટી જાય. એક અધિકારી નામ ન આપવાની શરતે કહે છે નેશનલ પાર્કમાં છેલ્લા ત્રીસેક વર્ષથી કટીંગ નથી થયું. અહીં 30 થી 50 સિંહો વસે છે. એ સિવાયે 180 થી વધુ સિંહો રેવન્યુ વિસ્તારમાં વસે છે. જોકે, છેલ્લી વસ્તી ગણતરી કુલ 20,000 ચોરસ કિમી વિસ્તારમાં થઇ હતી. છેલ્લે સિંહોનાં ટપોટપ મોત બાદ રસીકરણ કરાયું એ વખતે 600 સિંહો દેખાયાનું વનવિભાગનું કહેવું છે.

ગિરનારનું જંગલ પણ 179 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી સિંહની રોજબરોજની અવરજવર વાળો વિસ્તાર તો વધીને 50 ચોરસ કિમીનો માંડ છે. તેની સાથે જ્યાં જંગલ નથી અથવા પાંખું જંગલ અથવા વિડી વિસ્તાર છે ત્યાં સિંહોની અવરજવર સૌથી વધુ પ્રમાણમાં નોંધાઇ છે. નામ ન આપવાની શરતે એક અધિકારી કહે છે, અહીં 12 ગૃપોમાં આશરે 45 થી વધુ સિંહોનો વસવાટ છે. તો ગિરની બહારનાં સિંહની સંભવિત અવરજવર વાળા વિસ્તારને વનવિભાગે વર્ષો પહેલાં ગ્રેટર ગીર તરીકે ઓળખી કાઢ્યો છે. આ વિસ્તાર પૈકી અમરેલી અને ભાવનગર જિલ્લાનાં હાલ શિહોર, પાલીતાણા, સાવરકુંડલા, જેસર, મિતીયાળા, ખાંભા, સહિત શેત્રુંજી નદીની આસપાસનાં 109 ચોરસ કિમી વિસ્તારને કન્ઝર્વેશન રીઝર્વ તરીકે વિકસાવાયો છે. જે સિંહોની અવરજવર માટેનો કોરીડોર છે.

વર્ષો સુધી સિંહો સાથે કામ પાડીને નિવૃત્ત જીવન ગાળી રહેલા વનઅધિકારીઓનાં કહેવા મુજબ, 1 સિંહને વસવાટ માટે 24 કિમી વિસ્તાર જોઇએ. એ રીતે જોઇએ તો પણ ગિર જંગલ હવે સાવજોને ટૂંકું પડે છે. 2015 માં થયેલી વસ્તી ગણતરીમાં 523 સિંહો નોંધાયા હતા. ગિર અભયારણ્યનાં અમુક વિસ્તારો અને નેશનલ પાર્કના જે ગીચ વિસ્તારો છે ત્યાં સાવજોની અવરજવર બહુ ઓછી હોય છે. ગિરનારના પહાડી વિસ્તારને તો સિંહોની સીધી અવરજવરમાંથી બાકાતજ રાખજો પડે. આથી સાવજોએ જ્યાં ઘાસીયા મેદાનો છે એ વિસ્તારમાં વસવાટ માટે શોધવો પડે છે. આથીજ સાવજો જંગલમાંથી નિકળવાનું એકમાત્ર કારણ વસ્તી વધારો નહીં, જે જંગલ છે એ પણ તેને અનુરૂપ ન હોય તો તેણે બહારનો રસ્તો શોધવો જ પડે.

વિસ્તાર બદલે એટલે ખોરાક પણ બદલી જાય

વર્ષો સુધી સાસણ ફરજ બજાવી ગયેલા અધિકારી સિંહને ઘાસીયા મેદાનોમાં ચિત્તલ કે સાંભર ન મળે ત્યારે તેણે જંગલી ભૂંડ, નિલગાય, વગેરેનો શિકાર પણ કરવો પડે. એટલે કે, તેની ફૂડ હેબિટ બદલી જાય છે. એક અંદાજ મુજબ, ગીરમાં સિંહો 40 થી 45 ટકા ચિત્તલ, 15 ટકા સાંભર, 15 ટકા નિલગાય, 6 ટકા ભૂંડ અને 15 ટકા રેઢિયાળ માલઢોરનો શિકાર કરે છે.

દરિયાકિનારે રહેતા સિંહને ગિર અનુકૂળ ન આવે

વનઅધિકારીઓનાં કહેવા મુજબજ, ગિરમાંથી માઇગ્રેટ થયેલા સિંહોનાં ગૃપો દરિયાકિનારે પણ વસવાટ કરતા હોય છે. માંગરોળનાં દરિયાકાંઠે 4 સિંહોનાં ગૃપનો વસવાટ છેજ. આ સિંહોને ગિરમાં મૂકો તો તે ત્યાં અનુકૂળતા ન સાધી શકે.

મચ્છરથી બચવા વધુ પવન હોય એવા વિસ્તારો વધુ પસંદ કરે છે

વનવિભાગનાં એક અધિકારીનાં કહેવા મુજબ, ગિરનારમાં વસતા સિંહો તો ચોમાસામાં મચ્છરનાં ઉપદ્રવથી બચવા ઉત્તર ડુંગર રેન્જમાં આવેલા જાંબુડીથી લઇને રણશીવાવ રાઉન્ડમાં વસે છે. કારણકે, આ વિસ્તારમાં પવન સારો હોય છે. અે સમયે દક્ષિણ ડુંગર રેન્જનાં વિસ્તારોમાં પવન ઓછો હોવાથી ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધુ હોય છે.

ઠંડક-પાણી માટે ઉનાળામાં બોરદેવીમાં વસવાટ

દક્ષિણ ડુંગર રેન્જમાંજ આવતા બોરદેવીના જંગલમાં પહાડી અને ગીચ જંગલ હોવા છત્તાં પણ સાવજો વસે છે. કારણકે, અહીં ખાસ કરીને ઉનાળામાં ઠંડક હોય છે અને ગુડાજડી નદીના ઘૂનામાં પાણી ભરેલુંજ હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lions-extend-from-sultan-from-mangrol-to-shihor-035207-3894096-NOR.html

ખાંભા-ઉના હાઇવે પર કલાકો સુધી 4 માસનું સિંહબાળ માતાથી વિખૂટું રહ્યું

DivyaBhaskar.com | Updated - Feb 17, 2019, 02:25 PM

  • વાડી ફરતે ફેન્સિંગ હોવાથી સિંહબાળ બહાર ન નીકળી શક્યું  

ખાંભા: ખાંભા-ઉના હાઇવે પર આવેલા ચતુરી અને ખાડાધાર વચ્ચે સુરેશભાઈ વિરજીભાઈ વાઘણીની વાડી આવેલી છે. તેમની વાડી ફરતે તાર ફેન્સિંગની વાડ ઉભી કરવા આવી છે. ત્યારે ત્રણ દિવસ પેહલા વહેલી સવારે એટલે કે સવાર ના 7 વાગ્યાની આસપાસ એક સિંહણ પોતાના ચાર માસના સિંહબાળ સાથે અહીં હાઇવે ક્રોસ કરી રહી હતી ત્યારે આ સિંહણ એક તાર ફન્સિંગવાળી વાડીમાં હાઇવે ક્રોસ કરી અંદર જતી રહી હતી. બા માં સિંહણ સાથે રહેલું ચાર માસનું સિંહબાળ આ તાર ફેન્સિંગવાળી વાડ પસાર કરી શક્યું નહીં ત્યારે સિંહણે પોતાના સિંહબાળને પોતાની તરફ લેવા માટે પ્રયાસો ઘણા કર્યા આ તરફથી સિંહબાળ પણ પોતાની માતા પાસે જાવા માટે અધીરૂ બન્યું હતું.

કલાકો બાદ મહામહેનતે માતા સાથે મિલન કરાવ્યું

1.અહીંથી પસાર થતા અજાણ્યા વાહનચાલકની નજરમાં આ ચડતા તેણે સિંહબાળને પોતાની માતા સિંહણ સાથે મિલન કરાવવા માટે મેહનત કરી પરંતુ સામે છેડે સિંહણ પણ પોતાના સિંહબાળ માટે અધિરી બની હતી. ત્યારે આ અજાણ્યા વાહનચાલક સામે ત્રાડ નાખતા તે ત્યાંથી જતો રહ્યો હતો અને આ ઘટનાની ખાડાધાર ગામમાં જઇ વાત કરતા કોઈએ વનવિભાગને આ ઘટનાની જાણ કરી હતી. બાદમાં વનવિભાગનો સ્ટાફ અહીં કલાકો બાદ આવ્યો હતો અને તે પણ અહીંના સ્થાનિક વનમિત્ર પોહચ્યા હતા. ત્યાં સુધીમાં તો કોઈ અન્ય રાહદારી દ્વારા હિંમત કરી જે વાડીમાં સિંહણ ઉભી હતી તે તાર ફેન્સિંગની જાળી નીચેના ભાગે ઉંચી કરી સિંહબાળને માતા સાથે મિલન કરાવ્યું હતું.

(માહિતી અને તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-lion-cub-trapped-fancing-farm-near-khanbha-highway-gujarati-news-6023961.html

ખાંભા -ઊના હાઇવે પર 4 માસનું સિંહબાળ વિખૂટુ પડયું

તુલસીશ્યામ રેન્જ નીચે આવતા ખડાધાર રેવન્યુ વિસ્તારમાં એક ચાર માસનું સિંહબાળ પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું....

DivyaBhaskar News Network | Updated - Feb 18, 2019, 02:05 AM
તુલસીશ્યામ રેન્જ નીચે આવતા ખડાધાર રેવન્યુ વિસ્તારમાં એક ચાર માસનું સિંહબાળ પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું. ત્યારે કલાકો સુધી આ સિંહબાળ પોતાની માતાને મળવા માટે તડપી રહ્યું હતું. જ્યારે આ ઘટનામાં સિંહબાળનું કલાકો બાદ અહીંથી પસાર થતા કોઈ વાહન ચાલક દ્વારા હિમત કરી સિંહબાળને સિંહણ સાથે મિલન કરાવ્યું હતું.

ખાંભા ઉના હાઇવે પર આવેલા ચતુરી અને ખડાધાર વચ્ચે ખડાધારના સુરેશભાઈ વિરજીભાઈ વાઘણીની હાઇવે પર વાડી આવેલ છે. ત્યારે તેમની વાડી ફરતે તાર ફેન્સિંગની વાડ ઉભી કરવા આવી છે. ત્રણ દિવસ પહેલા વહેલી સવારે એટલે કે સવારના 7 વાગ્યાની આસપાસ એક સિંહણ પોતાના ચાર માસના સિંહબાળ સાથે અહીં હાઇવે ક્રોસ કરી રહી હતી. ત્યારે આ સિંહણ એક તાર ફેંસીંગવાળી વાડીમાં હાઇવે કોર્સ કરી અંદર જતી રહી હતી. બાદમાં સિંહણ સાથે રહેલું ચાર માસનું સિંહબાળ આ તાર ફેન્સીંગવાળી વાડ પસાર કરી શક્યું ન હતુ. વાહન ચાલક સામે ત્રાડ નાખતા તે ત્યાંથી જતો રહ્યો હતો. અને આ ઘટનાની ખડાધાર ગામમાં જઇને વાત કરતા કોઈએ વનવિભાગને આ ઘટનાની જાણ કરી હતી. બાદમાં વનવિભાગના સ્ટાફ અહીં કલાકો બાદ આવ્યો હતો. અને તે પણ અહીંના સ્થાનિક વનમિત્ર પહોંચ્યા હતા.

તાર ફેન્સીંગ ઉંચી કરતા સિંહબાળ માતા પાસે દોડી ગયું

અહીથી પસાર થતા એક રાહદારીએ હિમત કરી જે વાડીમાં સિંહણ ઉભી હતી. તે તાર ફેન્સીંગની જાળી નીચેના ભાગે ઉંચી કરી સિંહબાળને માતા સાથે મિલાન કરાવી આપ્યું હતું. ત્યારે વધુ એક વખત સિંહોની સુરક્ષાને લઈ વનવિભાગ કેટલી લાપરવાહી કરે છે તે સામે આવ્યું છે. જ્યારે બીજી તરફ આ ઘટનામાં હાલ સિંહબાળનુ પણ હેમખેમ માતા સિંહણ સાથે મિલન થઇ ગયું હતું. તસવીર- પૃથ્વી રાઠોડ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-a-four-month-lion39s-wander-on-the-highway-of-khambhana-020514-3925043-NOR.html

સિંહના ગાયબ થયેલા 13 નખ શોધવામાં વન વિભાગ નિષ્ફળ, અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો

Divyabhaskar.com | Updated - Feb 19, 2019, 11:23 AM

  • ખાંભા-તુલસીશ્યામ રેન્જમાંથી સિંહનો મૃતદેહ મળ્યો હતો

ખાંભા:તુલસીશ્યામ રેન્જનાં કોઠારીયા રાઉન્ડમાં કોહવાયેલી હાલતમાં 9 વર્ષનાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ સિંહનો મૃતદેહ એટલા અંશે કોહવાયેલો હતો કે, વન વિભાગને સિંહના મૃતદેહમાંથી 4-5 નખ મળી આવ્યા હતા. જ્યારે બાકીના 13 જેટલા નખ આજદિન સુધી મળ્યા નથી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સિંહના મોતની તપાસ ચાલુ કરી છે અને કોઠારીયા રાઉન્ડના એક ફોરેસ્ટર અને 5 ગાર્ડ પાસે ખુલાસા માંગ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સિંહના મૃતદેહ મળ્યા તે દિવસે જંગલમાં ક્યાં હતાં અને સિંહના અવલોકન કેમ નોંધાવ્યા નથી.

વન વિભાગે હજુ સુધી FRO દાખલ નથી કરી

1.સિંહ એ સેડ્યુલ વનમાં આવતું પ્રાણી હોવા છતાં વન વિભાગ દ્વારા આજ દિન સુધી એફ.આર.ઓ. ફાડ્યો નથી અને કાયદાનો દુરપયોગ કર્યો હોવાનું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે. 
6 મહિના પહેલા પણ સિંહણનો મૃતદેહ મળ્યો હતો
2.વનવિભાગને 6 મહિના પહેલા પણ સાવરકુંડલા રેન્જનાં મિતિયાળા અભ્યારણ્યમાં એક કોલર આઈડી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો અને જે સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો તે અવશેષો શોધવા મુશ્કેલી થઈ હતી. અને કોલર આઈડી અન્ય જગ્યાએથી મળી આવ્યો હતો અને આ સિંહણનો મૃતદેહ કોલર આઈડીના લોકેશન આધારે મળ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-forest-department-not-found-nail-of-lion-still-date-in-khambha-gujarati-news-6024657.html

સિંહના નખ ગાયબ થવા મામલે દોષનો ટોપલો નીચેના કર્મી પર ઢોળવા પ્રયાસ

સિંહના કોહવાયેલા અને અર્ધ ખવાયેલા મૃતદેહ પરથી 13 નખ હતા ગાયબ
DivyaBhaskar News Network | Updated - Feb 20, 2019, 02:36 AM

તુલશીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં જે સિંહનો મૃતદેહ મળ્યો તે સિંહનું આઠ થી દશ દિવસ પહેલા મૃત્યુ થઇ ચુક્યુ હતું. જેને પગલે જંગલ વિસ્તારમાંથી વનતંત્રને તેનો મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં અને અર્ધ ખવાયેલી હાલતમાં મળ્યો હતો. નવાઇની વાત એ છે કે સાવજના 18 નખ પૈકી વનતંત્રને માત્ર પાંચ નખ મળ્યા હતાં. જ્યારે બાકીના 13 નખ મૃતદેહ પરથી ગાયબ હતાં. જો કે વનતંત્રની તપાસમાં આ સિંહનું મોત કુદરતી રીતે થયુ હોવાનું જણાયુ હતું.

સિંહના મૃતદેહ પરથી નખ ન મળે તે ગંભીર બાબત છે અને આ કિસ્સામાં નિચલા કર્મચારીથી લઇ છેક ઉપરી અધિકારી સુધીની જવાબદારી બને છે. એવુ કહેવાય છે કે સ્થાનિક આરએફઓએ આ રાઉન્ડની છેલ્લા ત્રણ માસથી મુલાકાત પણ લીધી ન હતી. અહિં સિંહનું મોત થયા બાદ છેક આઠ થી દશ દિવસે વનતંત્રને જાણ થઇ હતી. આ ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ જવાબદારી ખંખેરી દોષનો ટોપલો નિચલા કર્મચારીઓ પર ઢોળવા પ્રયાસ કર્યો છે.

નખની તપાસ ચાલી રહી છે : એસીએફ

ગીર પૂર્વના એસીએફ નિકુંજ પરમારે જણાવ્યુ હતું કે સિંહના નખ ગાયબ થવાની તપાસ ચાલી રહી છે. આ વિસ્તારમાં નોળીયો કે શિયાળ જેવા પ્રાણીઓએ સિંહનો મૃતદેહ ખાધો હોય તેના કારણે પણ નખ ગાયબ થઇ શકે છે. આ સિવાયના કારણોની પણ તપાસ ચાલે છે.

ગંભીર ઘટના છતાં ફરીયાદ કેમ ન નોંધાઇ ?

સામાન્ય રીતે જો કોઇ સિંહના મૃતદેહ પરથી નહોર ગાયબ હોય તો આ મામલાને ગંભીર ગણી વનતંત્ર ગુનો નોંધે છે. સિંહ શેડ્યુલ-1માં આવતુ પ્રાણી હોય 24 કલાકમાં ગુનો નોંધવાનો હોય છે પરંતુ અહિં હજુ સુધી કોઇ અકળ કારણે ગુનો નોંધાયો નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-trying-to-cover-the-fault-of-the-lion-on-the-following-karmis-to-help-the-lion39s-nails-disappear-023611-3941117-NOR.html

શિકારની શોધમાં અમરેલીના ગામડામાં સિંહના આટાફેરા, લોકોમાં ભય, વીડિયો વાઇરલ

  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો
    DivyaBhaskar.com | Updated - Feb 25, 2019, 02:40 PM

અમરેલી: શિકાર અને પાણીની શોધમાં અમરલી જિલ્લાના ગામડામાં સિંહ આંટાફેરા કરતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. નર સિંહ ગામડાની શેરીઓમાં લટાર મારી રહ્યો હોય તેવો વીડિયો કોઇએ મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. વીડિયો ચલાલા અને ખાંભા વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે વન વિભાગે તપાસ હાથ ધરી છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-lion-come-in-village-of-amreli-district-and-video-viral-gujarati-news-6027082-NOR.html

ધારી નજીક માતા-પિતાની નજર સામે 2 વર્ષના બાળકને ઉપાડી જઇ દીપડાએ ફાડી ખાધો

DivyaBhaskar.com | Updated - Feb 26, 2019, 05:55 PM

બાળકને ઉપાડી જતા માતા-પિતાએ પાછળ દોટ મુકી હતી

અમરેલી: ધારીના ગોપાલગ્રામ ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો. ગામના મફતપરા વિસ્તારમાં ગત રાત્રે 2 વર્ષનો બાળક ઘરમાં સૂતો હતો ત્યારે દીપડો આવી ચડ્યો હતો. માતા-પિતાની નજર સામે જ દીપડાએ બાળકને ઉપાડી ગયો હતો. બાદમાં માતા-પિતા દીપડાની પાછળ દોટ મુકી હતી. પરંતુ દીપડો થોડીવારમાં જ ખેતરોમાં પલાયન થઇ ગયો હતો. બાળકના માતા-પિતાએ બૂમાબૂમ કરતા ગામમાંથી લોકો દોડી આવ્યા હતા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકનો ફાડી ખાધેલા હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 

વન વિભાગને જાણ કરાઇ

1.નાનકડા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના ટોળા અકત્ર થઇ ગયા હતા. બાળકના મોતથી માતા-પિતાએ આક્રંદ કર્યું હતું. બાદમાં સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પાંજરૂ મુક્યું હતું.

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-leapard-hunt-of-2-year-olf-children-in-gopalgram-village-of-dhari-gujarati-news-6027659.html

તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં 9 વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો

DivyaBhaskar.com | Updated - Feb 27, 2019, 05:06 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
સિંહણનું મોત આશરે 25 દિવસ પેહલા થયું હોવાનું અનુમાન

  • સિંહણના મૃતદેહમાં જીવાત પડી ગઈ હતી

ખાંભા: તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં આવતા છાપરા નેસ નજીક આવેલા સોહરિયા વિસ્તારમાં આજે એક 9 વર્ષની સિંહણનો કોહવાયેલી, દુર્ગંધ અને જીવાતવાળી હાલતમાં મૃતદેહ પડ્યો હતો. વનવિભાગને આ સિંહણના મૃતદેહ અંગે જાણ થતાં સ્ટાફ સાથે અહીં દોડી ગયા હતા. જ્યારે સિંહણમાં જીવાત અને દુર્ગંધ એટલી હદે આવતી હતી કે વનવિભાગના સ્ટાફ દ્વારા પોતાના મોઢે રૂમાલ બાંધવાની ફરજ પડી હતી અને નજીક જઇ શક્યા હતા. સિંહણનું મોત આશરે 25 દિવસ જેટલો સમય વીતી ગયો હોવાથી મૃતદેહમાં જીવાત અને દુર્ગંધ મારવા લાગ્યો હતો. સવાલ એ થઈ રહ્યો છે કે સિંહણના મોતને આશરે 25 દિવસ જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી ભાણીયા રાઉન્ડના વનકર્મીને કે રેન્જના અધિકારીઓને જાણ સુદ્ધા નહોતી.

સિંહપ્રેમીઓમાં રોષ

1.સિંહો સલામતના બણગાં ફૂંકતું વનવિભાગના અધિકારી-કર્મચારીઓ આવી રીતે સિંહો સલામત છે તેવું માનતા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે. હાલમાં આ તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં એક સિંહના 13 નખ ગાયબની ઘટનામાં હજુ સુધી તપાસના નામે હવાતિયાં મારી રહેલા વનવિભાગના કર્મચારીઓ-અધિકારીઓ હજુ ક્યાં સુધી આવી રીતે સિંહ-સિંહણના મોતને ભેટી રહ્યા છે તે તમાશો જોયા કરશે. સિંહપ્રેમીઓમાં વનવિભાગ સામે રોષ સાથે સવાલો કરી રહ્યા હતા કે 25 દિવસ પેહલા સિંહણનું છેલ્લી વખત ક્યાં લોકેશન હતું. બાદમાં સિંહણ કંઈ હાલતમાં છે તે જોવામાં જ આવ્યું ન હોવાથી સિંહણ મોતને ભેટી ત્યારે બેજવાબદારી દાખવાનાર સામે પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી રહી છે.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-9-year-old-lioness-death-near-tulasishyam-range-gujarati-news-6028090.html