Thursday, February 28, 2019

સિંહના નખ ગાયબ થવા મામલે દોષનો ટોપલો નીચેના કર્મી પર ઢોળવા પ્રયાસ

સિંહના કોહવાયેલા અને અર્ધ ખવાયેલા મૃતદેહ પરથી 13 નખ હતા ગાયબ
DivyaBhaskar News Network | Updated - Feb 20, 2019, 02:36 AM

તુલશીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં જે સિંહનો મૃતદેહ મળ્યો તે સિંહનું આઠ થી દશ દિવસ પહેલા મૃત્યુ થઇ ચુક્યુ હતું. જેને પગલે જંગલ વિસ્તારમાંથી વનતંત્રને તેનો મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં અને અર્ધ ખવાયેલી હાલતમાં મળ્યો હતો. નવાઇની વાત એ છે કે સાવજના 18 નખ પૈકી વનતંત્રને માત્ર પાંચ નખ મળ્યા હતાં. જ્યારે બાકીના 13 નખ મૃતદેહ પરથી ગાયબ હતાં. જો કે વનતંત્રની તપાસમાં આ સિંહનું મોત કુદરતી રીતે થયુ હોવાનું જણાયુ હતું.

સિંહના મૃતદેહ પરથી નખ ન મળે તે ગંભીર બાબત છે અને આ કિસ્સામાં નિચલા કર્મચારીથી લઇ છેક ઉપરી અધિકારી સુધીની જવાબદારી બને છે. એવુ કહેવાય છે કે સ્થાનિક આરએફઓએ આ રાઉન્ડની છેલ્લા ત્રણ માસથી મુલાકાત પણ લીધી ન હતી. અહિં સિંહનું મોત થયા બાદ છેક આઠ થી દશ દિવસે વનતંત્રને જાણ થઇ હતી. આ ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ જવાબદારી ખંખેરી દોષનો ટોપલો નિચલા કર્મચારીઓ પર ઢોળવા પ્રયાસ કર્યો છે.

નખની તપાસ ચાલી રહી છે : એસીએફ

ગીર પૂર્વના એસીએફ નિકુંજ પરમારે જણાવ્યુ હતું કે સિંહના નખ ગાયબ થવાની તપાસ ચાલી રહી છે. આ વિસ્તારમાં નોળીયો કે શિયાળ જેવા પ્રાણીઓએ સિંહનો મૃતદેહ ખાધો હોય તેના કારણે પણ નખ ગાયબ થઇ શકે છે. આ સિવાયના કારણોની પણ તપાસ ચાલે છે.

ગંભીર ઘટના છતાં ફરીયાદ કેમ ન નોંધાઇ ?

સામાન્ય રીતે જો કોઇ સિંહના મૃતદેહ પરથી નહોર ગાયબ હોય તો આ મામલાને ગંભીર ગણી વનતંત્ર ગુનો નોંધે છે. સિંહ શેડ્યુલ-1માં આવતુ પ્રાણી હોય 24 કલાકમાં ગુનો નોંધવાનો હોય છે પરંતુ અહિં હજુ સુધી કોઇ અકળ કારણે ગુનો નોંધાયો નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-trying-to-cover-the-fault-of-the-lion-on-the-following-karmis-to-help-the-lion39s-nails-disappear-023611-3941117-NOR.html

No comments: