Thursday, February 28, 2019

5 સિંહના અંદરો-અંદરનાં ડખ્ખામાં બે વર્ષનાં સિંહ બાળનો ભોગ લેવાયો

જાફરાબાદના વાંઢની સીમમાં ઇનફાઇટમાં સિંહનાં મોત

DivyaBhaskar News Network | Updated - Feb 10, 2019, 03:23 AM
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સમયાંતરે સાવજોના કુદરતી-અકુદરતી મોતની ઘટનાઓ બહાર આવતી જ રહે છે. આવી એક વધુ ઘટના જાફરાબાદના વાંઢ ગામની સીમમાં આજે બની હતી. જ્યાં વસતા સાવજો વચ્ચે આંતરીક વિખવાદ થતા પાંચ સિંહના ટોળાએ એક પાઠડા સિંહને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ દોડ્યા હતાં. સિંહનો મૃતદેહ અર્ધ ખવાયેલી હાલતમાં મળ્યો હતો.

ઇનફાઇટમાં સિંહના મોતની આ ઘટના જાફરાબાદ તાલુકાના વાંઢ ગામની સીમમાં બની હતી. આ વિસ્તારમાં સાવજોનો મોટી સંખ્યામાં વસવાટ છે. અહિં એક ખાનગી કંપનીની માઇન્સ વિસ્તારમાં પણ છ સાવજોનું ગૃપ વસવાટ કરી રહ્યુ છે. આજે આ સાવજ ગૃપમાં અંદરો અંદર ડખ્ખો થતા આશરે બે વર્ષની ઉંમરના પાઠડા સિંહ પર બાકીના પાંચ સાવજોએ હુમલો કરી દીધો હતો અને આ સિંહને ગંભીર રીતે ઘાયલ કરી દેતા તેનું મોત થયુ હતું.

ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ તાબડતોબ બનાવના સ્થળે દોડ્યા હતાં અને અહિંથી સિંહનો મૃતદેહ કબજે લેવાયો હતો. જો કે વન વિભાગના સ્થાનિક અધિકારીઓએ ભેદી રીતે મૌન સેવી લીધુ હતું અને પત્રકારો સુધી માહિતી ન પહોંચે તેવા પ્રયાસો કરાયા હતાં જેને પગલે ઘટનામાં અનેક શંકાઓ-કુશંકાઓ ઉભી થઇ હતી. બાદમાં ઉચ્ચ અધિકારીઓએ અહિં ઇનફાઇટમાં સિંહનું મોત થયાની ઘટનાને સમર્થન આપ્યુ હતું.

અત્રે નોંધનીય છે કે, હાલ સિંહની સુરક્ષાને લઇ વનતંત્ર દ્વારા અલગ-અલગ રીતે તેમની સુરક્ષાને લઇ આયોજનો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આવી રીતે થતાં અંદરો-અંદર થતાં ઝઘડામાં સિંહબાળનો ભોગ લેવાયો છે ત્યારે આવા નાની ઉંમરનાં સિંહબાળની સુરક્ષાને લઇ વનતંત્રએ અલગથી કોઇ આયોજન માંડવું જોઇએ. તેવી ચર્ચા પણ ઉઠવા પામી રહી છે.

અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો : એસીએફ

બનાવ અંગે એસીએફ ગોજીયાએ જણાવ્યુ હતું કે વાંઢની સીમમાંથી અમને અર્ધ ખવાયેલી હાલતમાં આ મૃતદેહ મળ્યો છે. જેનું ઇનફાઇટમાં મોત થયુ હતું તે સિંહ છે કે સિંહણ તેની તપાસ ચાલુ છે.

બાબરકોટ નર્સરી ખાતે પીએમ કરાયું

ઘટનાને પગલે રાજુલા રેન્જ પોલીસનો સ્ટાફ વાંઢની સીમમાં દોડી ગયો હતો અને સિંહના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે બાબરકોટ નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બે ડોક્ટરોની પેનલ દ્વારા પીએમ કરાયુ હતું. જેમાં ઇનફાઇટમાં સિંહનું મોત થયાનું ખુલ્યુ હતું.

સિંહનું મોત છુપાવવા પ્રયાસ કેમ કરાયો ?

રાજુલા અને જાફરાબાદના રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા વધારે છે. અહિં અવાર નવાર સાવજોના કમોતની પણ ઘટના બને છે. વનતંત્ર મિડીયાથી હંમેશા આવી ઘટના છુપાવવા પ્રયાસ કરે છે. આ કિસ્સામાં પણ આવો પ્રયાસ શા માટે થયો હતો ?

સિંહની સંખ્યામાં ઘટાડો |હાલ સિંહોના મોતની ઘટના સમયાંતરે સામે આવી રહી છે ત્યારે અને કયારેક અંદોર-અંદોરના ઝઘડામાં પણ મોત થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આવનાર સમયમાં સિંહનો સંખ્યામાં વધારો કઇ રીતે થશે તેવો પ્રશ્નો ઉઠી રહ્યો છે અને વારંવાર થતાં સિંહોના મોતને કારણે તેની જનસંખ્યામાં થતાં ઘટાડાને લઇ પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-five-lions-of-the-two-lions-were-killed-in-the-lions-inside-the-lion-032306-3862600-NOR.html

No comments: