May 01, 2012
વિગતવાર - ધીરુ પુરોહિત
ગિરનાર વિશે ઘણું લખાયું છે, લખાતું રહેશે, પણ કોઈ પરદેશી આવીને ગિરનારના પ્રેમમાં પડી જાય અને વળી પુસ્તક લખવા મંડી પડે તો? એવું
જ થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાથી ૧૯૯૮માં પહેલી વખત ગિરનારની મુલાકાતે આવેલા
ડો. જ્હોન વેનર ગિરનારના એવા તો પ્રેમમાં પડી ગયા કે હવે દર વર્ષે ગિરનાર
આવે છે અને પાંચ તો પુસ્તકો લખી ચૂક્યા છે!વિગતવાર - ધીરુ પુરોહિત
એવું ઘણી વખત બન્યું છે કે, આપણી ચીજનો પરિચય આપણને બહારની વ્યક્તિ દ્વારા થતો હોય છે. ગિરનારના કિસ્સામાં આવું જ બની રહ્યું છે. ગિરનાર વિશે આમ તો ઘણું લખાયું છે, પણ કોઈ પરદેશી આવીને ગિરનાર પર પાનાંઓ ભરી ભરીને લખે તો રોમાંચ થાય એ સ્વાભાવિક છે. ૧૪ વરસથી વારંવાર ગિરનાર આવીને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતા ડો. જ્હોન સંશોધન કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટના રિસર્ચ સાયન્ટિસ્ટ ડો.જ્હોન વેનર વર્ષ ૧૯૭૦માં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. ૧૯૯૮માં તેઓ ભારત આવ્યા ત્યારે વળી તેઓ ગિરનાર સુધી લાંબા થયા. એ પ્રવાસે તેમના જીવનમાં ર્ટિંનગ પોઇન્ટ લાવી દીધો. તેઓ ગિરનારથી અંજાઈ ગયા અને ગિરનાર વિશે આપણને ભાગ્યે જ કલ્પના હોય એવાં તારણો શોધી લાવ્યા. તેમની પાસેથી જાણીએ તેમની આ ગિરનાર પરિક્રમા..
* ફરવાનાં સ્થળો તો ભારતમાં ઘણાં છે, ગિરનારમાં જ કેમ રસ પડયો?
પ્રથમ વખત જ્યારે ગિરનારનું ઋષિમુદ્રામાં ધ્યાનસ્થ દૃશ્ય જોયું.
તેને જોઈને હું રીતસર સંમોહિત થઈ ચૂક્યો. ભારતભરમાં આવું ક્યાંય નથી. આ
સ્થળ અમેઝિંગ છે. અહીંનાં અદ્ભુત સ્થળો જીવનની અનોખી અનુભૂતિ કરાવે છે.
* કેવી અનુભૂતિ?
ગિરનારના ગોરખનાથ શિખર ઉપર ઊભા રહીને નીચે જોતાં જ એક આખું ચક્ર
જોવા મળે છે. જાણે કે વિષ્ણુ ચક્ર કે સુદર્શન ચક્ર હોય તેવી લાગણી અહીં થાય
છે. ભારતભરમાં આવું ચક્ર રચાતું હોય તેવું કોઈ સ્થળ નથી. આ સ્થળ જાણે કે
સ્વર્ગનું મધ્યબિંદુ છે. અહીં ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આકાશમાં ધ્રુવના
તારાની માફક ગિરનાર જાણે કે સ્વર્ગનું સેન્ટર પોઇન્ટ છે.
* ગિરનાર વિશે ક્યારથી પુસ્તક લખો છો?
થોડા સમય સુધી એમ જ મુલાકાતો લીધા બાદ ગિરનાર વિશે પુસ્તકો
લખવાનું શરૂ કર્યું છે. છેલ્લાં છ વર્ષ જેટલા સમયથી મળે એટલી માહિતી એકત્ર
કરીને ફોટોગ્રાફ્સ સાથે અત્યાર સુધીમાં આશરે ૧પ૦૦ પાનાંનાં પાંચ વોલ્યુમ
લખી નાખ્યાં છે. જેમાં પુરાણ, ઇતિહાસ અને વર્તમાન વાયકાઓ ઉપરથી માહિતી મેળવીને સંકલિત કરવામાં આવી છે.
* ગિરનારનો અર્થ તમે શું કરો છો?
ગિરિ એટલે પર્વત. નર એટલે મનુષ્ય અને નારાયણ એટલે નરમાં
સર્વોત્તમ. આ કારણથી ગિરનાર સૌથી ઉત્તમ છે. હજારો વર્ષો પહેલાં સોનરખ નદીના
રસ્તે થઈને મનુષ્ય પહેલી વખત આ સ્થળે પ્રવેશ્યો હશે ત્યારે તેને અહીં આવી
અનુભૂતિ થઈ હશે.
* લખેલાં પુસ્તકોનું શું કરશો?
ગિરનાર ઉપર લખાયેલાં પાંચેય પુસ્તકોમાંથી સમરી ઓફ સિગ્નિફિકાન્ટ પોઇન્ટ્સ કાઢીને એક પુસ્તક તૈયાર કરવું છે. આ પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરાશે. જે અહીં આવતા વિદેશી સહિતના તમામ પ્રવાસીઓને ઉપયોગી થશે.
* હવે પછી શું આયોજન છે?
ગિરનાર વિશે રિસર્ચ કરતી વેળાએ તમામ ધર્મના સંતો અને અનેક લોકોને મળ્યો છું. જેમની પાસેથી મને ગિરનાર વિશે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી
સહિતની ભાષાઓમાં સાહિત્ય મળ્યું છે. આ સાહિત્યને અંગ્રેજીમાં ટ્રાન્સ્લેટ
કરાવીને ગિરનાર વિશે સચોટ અને ઊંડાણપૂર્વકની માહિતી તૈયાર કરવાની હજુ બાકી
છે. જીવનપર્યંત હું ગિરનાર વિશેનું સંશોધન ચાલુ જ રાખીશ.
* આ સફરમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી?
કોઈ જ નહીં. અત્યાર સુધીમાં કોઈ સ્થળે સંઘર્ષ નથી કરવો પડયો!
હકીકતમાં ક્યાંય કોઈ સમસ્યા જેવી વસ્તુ હોતી જ નથી. દરેક સમસ્યાનો હલ હોય
છે. માટે સમસ્યા કરતાં તેના હલ વિશે વિચારવામાં આવે તો ક્યાંય સમસ્યા છે જ
નહીં.
* ૧૪ વર્ષના સંશોધનનો નિચોડ શું છે?
દોઢ દાયકા જેટલા સમયથી ગિરનાર ખુંદીને સંશોધન કરનાર ઓસ્ટ્રેલિયન
વૈજ્ઞાનિકે તેનો નિચોડ પાંચ વોલ્યુમ(પુસ્તક)માં અંકિત કર્યો છે. ત્યારે આ
પુસ્તકમાં એવું તે શું છે? તે જાણવાની તાલાવેલી સ્વાભાવિક જ બધાને હોય. આ પુસ્તકોની આછેરી ઝલક કંઈક આ પ્રમાણે છે...
* ગિરનાર ક્ષેત્ર
* આ ક્ષેત્રની ઉત્પત્તિ
* સ્કંદ પુરાણનો ઉલ્લેખ
* વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ગિરનાર
* ધર્મની દૃષ્ટિએ ગિરનાર
* મહાકાવ્યોમાં આલેખાયેલો ગિરનાર
* ગિરનારના લોક મહોત્સવો
* બૌદ્ધ અને જૈન ધર્મ સાથે ગિરનારનો સંબંધ
* ગિરનારનો ભૂગોળ
* ગિરનારનું જીવશાસ્ત્ર
* ગિરનારનું વનસ્પતિશાસ્ત્ર
maitrijnd@gmail.com
Source: http://www.sandesh.com/article.aspx?newsid=53842
Source: http://www.sandesh.com/article.aspx?newsid=53842
No comments:
Post a Comment