Source: Bhaskar News, Amreli | Last Updated 12:47 AM [IST](31/05/2012)
ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે માતાના પડખામાં સુતેલા બાળકને ઉઠાવી જઇ ફાડી ખાનાર દિપડાને પકડવામાં વન તંત્રને નિષ્ફળતા મળી રહી છે. વન વિભાગ દ્વારા આ દિપડાને પકડવા માટે બે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ ચાલાક દિપડો વનતંત્રના પાંજરામાં
સપડાતો નથી.
ખાંભાના હનુમાનપુર ગામના લોકો ભયભીત છે. કારણ કે આદમખોર દિપડો ખુલ્લેઆમ ફરી રહ્યો છે. હજુ બે દિવસ પહેલા જ હનુમાનપુરના બાવાભાઇ શામજીભાઇ વાઘેલાનો છ માસનો પુત્ર રાહુલ મધરાત્રે તેની માતાના પડખામાં સુતો હતો ત્યારે ઘરમાં ઘુસેલા દિપડાએ આ બાળકને ફાડી ખાધો હતો. દિપડો આ બાળકને ગળામાંથી પકડી ગામ બહાર લઇ ગયો હતો અને ઝાડ પર ચડી જઇ છ માસના માસુમ બાળકનું અડધુ શરીર ફાડી ખાધુ હતું.
માણસનું લોહી ચાખી ગયેલો આ દિપડો ગમેત્યારે અન્ય વ્યક્તિ પર પણ હુમલો કરી શકે છે. તેવા ભયે ગામલોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ દપિડાને પકડવા બે દિવસથી પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ ચાલાક દપિડો પાંજરાની આસપાસ પણ ફરક્તો નથી. ગામલોકો વહેલી તકે દિપડો પકડાઇ જાય તેવું ઇચ્છી રહ્યા છે.
No comments:
Post a Comment