Friday, May 25, 2012

એપ્રિલ - મે મહિનો સાવજો માટે 'યે આરામકા મામલા હૈ' May 25, 2012.


લીલિયા, તા.૨૪
જંગલના રાજા ગણાતા સિંહ માટે એપ્રિલ અને મે મહિના આરામના મહિનાઓ હોય છે.આ બે મહિનાઓમાં સિંહ જંગલની બહાર ખુબ ઓછા નિકળે છે અને જંગલની બહારના વિસ્તારમાં શિકારની ઘટના પણ ઓછી થઈ જાય છે.જ્યારે ઓગસ્ટ-ઓકટોબર માસમાં સિંહો સૌથી વધારે જંગલ બહારના વિસ્તારમાં આવી શિકાર કરે છે, તેવું વન વિભાગ દ્વારા સતત ૧૫ વર્ષ સુધી સિંહોની શિકારની ખાસીયતોના સર્વેક્ષણનું તારણ કહી જાય છે.       
  • ઓગસ્ટ અને ઓકટોબર માસમાં સિંહ જંગલ બહારના વિસ્તારમાં વધુ શિકાર કરે છે, દર વર્ષે ૨૫૦૦ જેટલી શિકારની ઘટના બને છે
  • ૧૫ વર્ષ સુધી સિંહોના શિકારના સર્વેક્ષણના તારણો મુજબ
સ્થાનિક વન વિભાગ દ્વારા ૧૯૯૫ થી ૨૦૧૦ સુધી સિંહો દ્વારા થતાં શિકારની ખાસીયતો પર થયેલા સર્વેક્ષણોમાં એ તારણ સામે આવ્યું છે કે, ગીર અભિયારણ્ય અને અનામત વિસ્તારનાં પશ્ચિમ ગીરમાં ડિસેમ્બરથી મે મહિનામાં અને જુનથી નવેમ્બરમાં પુર્વભાગમાં વધારે શિકાર થાય છે.અભિયારણ્ય અને આજુ બાજુના સંરક્ષિત વિસ્તારમાં સિંહ અને દીપડાએ કરેલા વન્ય પ્રાણીઓ સિવાયના શિકાર વિષે વન વિભાગે સર્વેક્ષણ કર્યું છે.તેમાં બહાર આવેલા તારણ મુજબ એક વર્ષમાં ગાય, ભેંસ, નિલગાય સહિતના શિકારની ૨૫૦૦ ઘટનાઓ બને છે.જેમાં ૨૩૦૦ શિકાર માત્ર સિંહ કરે છે.ઉનાળો હોવાથી એપ્રિલ અને મે માસમાં સિંહ ગીરના જંગલમાં રહેવાનું વધુ પસંદ કરે છે.આ મહિનામાં જંગલ બહારના વિસ્તારમાં સરેરાશ ૧૨૦ ઘટના શિકારની બને છે.જ્યારે અન્ય મહિનામાં તે પ્રમાણ ૧૫૦ શિકાર સુધીનું છે.જંગલ બહાર શિકારની ઘટનામાં ઓગસ્ટ-ઓકટોબર માસ ટોપ ઉપર હોય છે.જેમાં સિંહ સરેરાશ ૧૪૦ થી ૧૫૦ શિકાર કરે છે.
આ અંગે ગીર અભિયારણ્યના હેડ અને ડી.એફ.ઓ. સંદિપકુમાર જણાવે છે કે સિંહ આરામપ્રિય પ્રાણી છે.ગરમીના દિવસોમાં તે બહાર નિકળવાને બદલે જંગલની અંદર રહેવાનું વધુ પસંદ કરે છે.ઉનાળામાં જંગલમાં પાણીની સગવડ સાથે વન્યજીવનો શિકાર આસાન હોવાથી બહાર નિકળી શિકાર કરવાનું ટાળે છે.
અભિયારણ્ય તથા ગીર પશ્ચિમ વિભાગ જેવા કે, સાસણ, તાલાલા, મેંદરડા, માળિયા વગેરેમાં ચોમાસા દરમિયાન સિંહો સૌથી વધુ શિકાર કરે છે.ઉનાળામાં ગીરના પશ્ચિમ વિસ્તારની સરખામણીએ પુર્વભાગમાં શિકાર વધુ કરે છે.
વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણની કામગીરી હાથ ધરાઈ
લીલિયા તાલુકાના ક્રાંકચ નજીક શેત્રુંજી નદી કાંઠામાં વસવાટ કરતા સિંહોને પાણીની સમસ્યા, કાંકરીચાળો, મારણ ન ખાવા દેવું,પાછળ વાહન દોડાવવું સહિતની મુશ્કેલીઓ અંગે પર્યાવરણ પ્રેમી મહેન્દ્ભાઈ ખુમાણ, મનોજભાઈ જોષી સહિતનાઓએ જિલ્લા વન અધિકારી મકવાણાને રજુઆત કરતા તેઓએ સાવજોના રહેણાંક વિસ્તારમાં દોડી જઈ તમામ પોઈન્ટનું ચેકિંગ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવાની સૂચના સ્થાનિક કર્મચારીઓને આપી હતી.તેના પગલે સ્થાનિક કર્મચારીઓએ સિંહોને પરેશાન કરતા તત્વો સામે કાર્યવાહી કરવાનો પ્રારંભ કરતા આવા તત્વોમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
૧૫ વર્ષમાં બહારના શિકારમાં ૮૦ ટકાનો વધારો
સિંહની સંખ્યામાં વધારો અને નવા ઘરની શોધને કારણે ૧૯૯૫ ની સરખામણીએ જંગલ બહાર શિકારની ઘટનામાં ૮૦ ટકાનો વધારો થયો છે.૧૯૯૫ માં આ સંખ્યા ૧૬૦૦ ની હતી જ્યારે ૨૦૧૨ માં તે ૨૬૫૦ થઈ છે.
સૌથી વધારે શિકાર
ઓગસ્ટ ૧૫૦
ઓકટોબર           ૧૪૩
જુન       ૧૪૦
સૌથી ઓછો શિકાર
ફેબ્રુઆરી ૧૨૫
એપ્રિલ-મે           ૧૨૬
ડિસેમ્બર ૧૨૬
Source: http://www.sandesh.com/article.aspx?newsid=59101

No comments: