Friday, May 4, 2012

માતાથી વિખૂટાં પડેલા દીપડાના બચ્ચાંનું પાંચ દિવસે મિલન થયું.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:29 AM [IST](04/05/2012)
- ડોળાસા નજીકથી બે માસમાં ૧૩ દીપડા પકડાયા

કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે એક વાડીમાંથી પાંચ દિવસ પહેલાં એક દીપડાનું માતાથી વિખૂટું પડી ગયેલું બચ્ચું મળી આવ્યું હતું. પરંતુ તેની માતા મળી નહોતી. બાદમાં ગઇકાલે દીપડી પણ પાંજરે પુરાતાં માતાનું બચ્ચાં સાથે મિલન કરાવવામાં સફળતા મળી હતી.

કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે દુલાભાઇ વરજાંગભાઇ રાઠોડની વાડીમાં ગત તા. ૨૬ એપ્રિલે એક દીપડાનું બચ્ચું નજરે ચઢયું હતું. તે માતાથી વિખૂટું પડી ગયું હતું. આથી વન્યપ્રાણી પ્રેમી બાલુભાઇ દાનાભાઇ રાઠોડને જાણ કરતાં તેમણે વનઅધિકારીઓને જાણ કરી હતી. અને વનવિભાગે બચ્ચાંનો કબ્જો મેળવી તા. ૨૮ એપ્રિલે બચ્ચાંને પાંજરામાં મૂકર્યું હતું. પરંતુ દીપડી પાંજરામાં નહોતી આવી.

આથી તેને બીજા દિવસે સાસણ સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે લવાયું હતું. દરમ્યાન તા. ૨ મેનાં રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે દીપડી પાંજરામાં આવી ગઇ હતી. આથી વનવિભાગનાં ભરવાડ, જાદવ અને બુધેચાએ દીપડીનું તેનાં બચ્ચાં સાથે મિલન કરાવ્યું હતું. ડોળાસા, અડવી, બોડીદર, પાંચ પીપળવા વિસ્તારની સીમમાં હજુયે દીપડાનો પડાવ હોવાનું ખેડૂતો જણાવે છે. જંગલ ખાતાનાં અધિકારીઓ પણ એકજ વિસ્તારમાં આટલા બધા દીપડા પકડાયા તેની સંખ્યા સામાન્ય કરતાં વધુ હોવાનું માને છે. ત્યારે છેલ્લા બે માસ દરમ્યાન અહીં ૧૩ દીપડા પાંજરે પુરાયાનું જાણવા મળ્યું છે. લોકોમાં સવાલ ઉઠ્યો છે કે આખરે આ વિસ્તારમાં દીપડા કેટલા છે ?

No comments: