Source: Bhaskar News, Amreli | Last Updated 12:15 AM [IST](26/04/2012)
- જિલ્લામાં ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકોએટલે કેસર કેરીનુ પીઠુ : જો કે ઓણસાલ પ્રતિકૂળ હવામાન નડ્યું
જુનાગઢ અને અમરેલી જિલ્લોએટલે મધમીઠી કેસર કેરીનુ ઘર. અમરેલી જિલ્લામાં કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન ધારી, ખાંભા, સાવરકુંડલા અને રાજુલા,જાફરાબાદ તાલુકામાં થાય છે. આ ચારેય તાલુકાના ૧૨૦ જેટલા ગામોમાં ખેડુતો આંબાવાડીઓ ધરાવે છે. અને સિઝનમાં હજારો મણ પાક મેળવે છે. જો કે એકેય તાલુકામાં કેસર કેરીની હરરાજી માટે વિશેષ યાર્ડ નથી. ચાલુ સાલે આંબામાં ખુક મોટા જથ્થામાં મોર બેઠો હતા. પરંતુ બાદમાં પ્રતિકુળ હવામાન રહ્યું હોય ખેડુતો ધાર્યો પાક નહી લઇ શકે. અમરેલી જિલ્લામાં કેસર કેરીની સૌથી વધુ ખેતી ધારી તાલુકામાં થાય છે.
ધારી તાલુકાના દિતલા, ઝર, મોરઝર, ધારગણી, કરેણ, શેલખંભાળીયા, નાની ગરમલી, વાઘવડી વગેરે ગામમાં મોટી સંખ્યામાં કેસર કેરીના આંબાઓ આવેલા છે. આ ઉપરાંત ધારી તાલુકાના ગીરકાંઠાના ગામો દુધાળા, ગોવિંદપુર, ફાચરીયા, જળજીવડી, રાજસ્થળી, ખીસરી, ગઢીયા ચાવંડ, બોરડી ટિંબા, સુખપુર, કાંગસા, દલખાણીયા, જીરા વગેરે ગામમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં કેસર કેરીનો પાક લેવામાં આવે છે.
સાવરકુંડલા તાલુકામાં કેસર કેરીની ખેતી પીઠવડી, નાની વડાળ, મોટી વડાળ, સેંજળ, મેવાસા, વંડા, પીયાવા, ઝડકલા, કેદારીયા, વાંશીયાળી, ખડસલી, નેસડી, કરજાળા, કાનાતળાવ, હાથસણી એમ પંદર ગામોમાં થાય છે. આ વિસ્તારની મધમીઠી કેરી દુરદુરના પ્રદેશો સુધી વેચાવા માટે જાય છે. કઆ ઉપરાંત ખાંભા તાલુકાના વીસ જેટલા ગામોમાં ખેડુતો આંબાવાડી દ્રારા કેસર કેરીની ખેતી કરે છે.
પાછલા વર્ષોમાં ધારી તાલુકામાં કેસર કેરીનુ પુરતા પ્રમાણમાં વળતર મળતુ ન હોય સેંકડો ખેડુતોએ હજારો આંબાનો સોથ વાળી નાખ્યો હતો. આ વિસ્તારના સેંકડો ખેડુતોએ પોતાની આંબાવાડીઓમાં જેસીબીની મદદથી આંબાઓ દુર કરી કપાસની ખેતી શરૂ કરી હતી. ક્યારેક કેરીના બમ્પર પાકના કારણે ખેડુતોને પુરતા ભાવ મળતા નથી તો ક્યારેક રોગચાળો આવી જવાથી પાક નિષ્ફળ જાય છે. કેરીનો બમ્પર પાક હોય સારૂ એવુ ઉત્પાદન થયું હોય છતા પુરતા ભાવ ન મળે ત્યારે ખેડુતોની આંતરડી કકળે તે સ્વાભાવિક છે. વર્ષ દરમિયાન આંબાવાડીની સાચવણીમાં જેટલો ખર્ચ કર્યો હોય તેટલુ વળતર પણ ન મળે ત્યારે ખેડુતો આંબાવાડી દુર કરી કપાસની ખેતી તરફ વળે છે.
- અમરેલી તાલુકામાં કેસર કેરીની ખેતી છુટીછવાઇ
અમરેલી તાલુકામાં કેસર કેરીની ખેતી થાય છે પરંતુ છુટીછવાઇ. અમરેલી તાલુકાના સરભંડા, બાબાપુર વગેરે ગામમાં કેટલાક ખેડુતો કેસર કેરીની આંબાવાડીઓ ધરાવે છે. જો કે અહી વ્યાપક પ્રમાણમાં કેસર કેરીની ખેતી થતી નથી.
- મોટાભાગના ખેડુતો આંબાવાડીનો ઇજારો આપી દે છે
જેવી રીતે કપાસ, મગફળી જેવા પાકો પકવતા ખેડુતો ભાગીયાને ઉધડી ખેતી આપતા થયા છે. તે જ રીતે આંબાવાડી ધરાવતા ખેડુતો પણ પાકના સમયે જાતે જ બધી મહેનત કરવાના બદલે ઇજારો આપતા થયા છે. આ વિસ્તારના મોટાભાગના ખેડુતો પોતાની આંબાવાડીનો નિશ્વિત રકમમાં ઇજારો આપી દે છે. ઇજારદારે નિશ્વિત રકમ ઉપરાંત ખેડુતને ૫૦, ૧૦૦ કે ૨૦૦ મણ કેરી પણ આપવી પડે છે. મોર બેસી ગયા બાદથી લઇને કેરીના તૈયાર પાકને માર્કેટ સુધી લઇ જવાની તમામ કામગીરી ઇજારદારે કરવી પડે છે. મોટાભાગના ઇજારદારો આ ચાર માસ દરમિયાન પરિવાર સાથે જ વાડી ખેતરમાં વસવાટ કરે છે.
No comments:
Post a Comment