Wednesday, May 30, 2012

કરમદાના ઢુંવા, પાણીનાં પોઈન્ટ ઠંડક સમા.


Source: Jayesh Godhilya, Una   |   Last Updated 12:57 AM [IST](30/05/2012)
- બપોરે સતાવતી ગરમી સામે સાવજ સહિત વન્યપ્રાણીઓનું એ.સી.

ઉનાળાનાં તાપથી માણસોની સાથોસાથ વન્યપ્રાણીઓ પણ હેરાન પરેશાન થઇ ગયા છે. પરંતુ જંગલમાં કરમદાનાં ઢુંવા અને પાણીનાં પોઇન્ટ વન્યપ્રાણીઓ માટે એસીની ગરજ સારતા હોય છે. સાવજ સહિત વન્ય પ્રાણીઓને ગરમી વધુ પ્રમાણમાં સતાવતી હોવાથી તેઓ બળબળતી બપોર આ ઢુંવા અને પાણીનાં પોઇન્ટને સહારે જ ગુજારતા હોય છે.

ઉનાળાનાં આકરા તાપ પડી રહ્યા છે. ગરમીનો પારો સતત ઉપરની તરફ ચડી રહ્યો હોય આબાલ વૃદ્ધ સૌ કોઇ પરેશાની ભોગવી રહ્યા છે. માણસો તો ઠંડા પીણાનાં સહારે કે પંખા, એર કુલર અને એસી જેવા ઇલેકટ્રીક સાધનોની મદદ વડે ગરમીથી રાહત મેળવવાનો રસ્તો શોધી લેતા હોય છે. પરંતુ જંગલમાં વહિરતા પ્રાણીઓની હાલત શું થતી હશે? અને પ્રાણીઓ આ કાળઝાળ ગરમી કઇ રીતે સહન કરતા હશે? તે પણ જાણવા જેવું છે.

આ અંગે જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી.આહીરનાં જણાવ્યા મુજબ સાવજ સહિત વન્યપ્રાણીઓને વધુ ગરમી થતી હોય છે. તેમજ શહેર કરતા જંગલનાં ખુલ્લા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ પણ વધુ હોવાથી વન્ય પ્રાણીઓને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. પરંતુ કુદરત આ પ્રાણીઓની પણ દરકાર કરે છે. પરિણામે જંગલમાં વ્યાપક પ્રમાણમાં ઉગેલા કરમદાનાં ઢુંવા પ્રાણીઓને ગરમીથી બચવા રહેઠાણ પુરું પાડે છે. ઉપરાંત પ્રાણીઓ માટે બનાવેલા પાણીનાં પોઇન્ટ પણ તેમને એસીની ગરજ સારી આપતા હોવાથી ઉનાળાની બળબળતી બપોર પ્રાણીઓ કરમદાનાં ઢુંવા અને પાણીનાં પોઇન્ટનાં સહારે જ કાઢે છે અને છેક ઢળતી સાંજે શિકાર કરવા બહાર નિકળે છે.

આ અગાઉ વિશાળ જંગલમાં ભર ઉનાળે કાળજાળ ગરમી અને આકરા તાપ વચ્ચે જંગલના રાજા એવા વનરાજા સહિત વન્યપ્રાણીઓ માટે પાણીઓની કુંડીઓ ભરાતી પરંતુ સમયાંતરે હવે પવનચક્કી દ્વારા પણ આ કુંડીઓમાં પાણી ભરીને ઠંડક અપાય છે.

- પવનચક્કી વડે પાણી ભરાય છે

આરએફઓ આહીરે જણાવ્યું હતું કે, જશાધાર રેન્જમાં પાણીનાં સાત પોઇન્ટ પર પવનચક્કી વડે પાણી ભરવામાં આવે છે. જ્યારે અન્ય પોઇન્ટ પર રોજમદાર અને ટ્રેકટર દ્વારા પાણી ભરવામાં આવે છે. તેમજ સમયાંતરે પાણીનાં પોઇન્ટની સાફ સફાઇ પણ કરવામાં આવે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lilon-are-drinking-water-3338746.html

No comments: