Tuesday, May 29, 2012

સાપનેશમાં વેટરનરી ડોક્ટરોની ટીમ દોડી.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:03 AM [IST](29/05/2012)
- પશુઓમાં ભેદી રોગચાળો દેખાતા અને રોગચાળો માલધારીઓમાં પ્રસરતા હોવાનું લાગતા તંત્ર જાગ્યું

ગીર કાંઠાના દલખાણીયાથી નવ કીમી અંદર જંગલમાં આવેલા સાપનેસમાં પશુઓમાં ભેદી રોગચાળો દેખાતા અને આ રોગચાળો માણસોમાં પણ પ્રસરતા આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ બાદ વન તંત્ર અચાનક જાગ્યુ છે અને ઉચ્ચ અધિકારીઓની સુચનાના પગલે વેટરનરી ડોક્ટરોની ખાસ ટુકડી આજે સાપનેસ દોડી આવી હતી અને તમામ પશુઓની સારવાર શરૂ કરી હતી. પશુ ચીકીત્સકોના મતે આ ચેપી રોગ હોય ક્યાં ક્યાં પ્રકારની સાવચેતી રાખવી તે અંગે માલધારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યુ છે.

ગીર જંગલના નેસડાઓમાં વસતા માલધારીઓ ભયભીત છે કારણ કે સાપનેસમાં વસતા માલધારીઓની ભેંસોમાં વીચીત્ર રોગચાળો જોવા મળી રહ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ હવે વનતંત્ર પણ જાગ્યુ છે અને સાવચેતીના પગલા શરૂ કર્યા છે. સાપનેસના માલધારીઓની ભેંસોને આચળમાં ફોડલીઓ ઉપસી આવે છે. માલધારીઓ દરરોજ દુધ દોહતા હોય આ રોગ માલધારીઓમાં પણ ફેલાયો છે અને અનેક લોકોને હાથમાં પીળી ફોડલીઓ ઉપસી આવી છે. જે પૈકી કેટલાકને ધારી દવાખાને સારવાર આપવામાં આવી હતી.

ડીએફઓ સંદપિકુમાર અને અંશુમન શર્માની સુચનાને પગલે આજે સાસણના વેટરનરી ડોક્ટર સોલંકી, ગીર પૂર્વના વેટરનરી ડોક્ટર હિતેષ વામજા, એસીએફ કે.ડી. મુલાણી વીગેરેએ સાપનેસની મુલાકાત લીધી હતી અને તમામ પશુઓની ચકાસણી કરી સારવાર શરૂ કરી હતી. પાછલા દસેક દિવસથી સાપનેસમાં ભેંસોમાં આ પ્રકારનો વિચિત્ર રોગચાળો જોવા મળી રહ્યો છે. સાપનેસ દલખાણીયાથી નવ કી.મી. દુર આવેલુ છે. માલધારીઓ દુર દુર સુધી દરરોજ પોતાના માલઢોર ચરાવતા હોય અને આજુબાજુના નેસના માલઢોર સાથે ચરતા હોય આ રોગચાળો જંગલના અન્ય નેસના પશુઓમાં પણ ફેલાવાની ભીતી સેવાઇ રહી છે. વેટરનરી ડોક્ટરોએ આ અંગે માલધારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યુ હતું.

- રોગ ગંભીર નથી પરંતુ એકાદ મહિને પણ મટે

વેટરનરી ડોક્ટરોની ટીમે માલધારીઓને જણાવ્યુ હતું કે ભેંસોને લાગુ પડેલો રોગ ચેપી છે. પરંતુ એ કોઇ ગંભીર રોગ નથી. જો કે તેમણે એમપણ જણાવ્યુ હતું કે માણસને આ રોગ થાય તો એકાદ મહિના સુધી પણ તે રહી શકે છે. આ ચામડીઓ રોગ છે પરંતુ તેનાથી કોઇ વિશેષ ડરવાની જરૂર નથી.

- તકેદારી રાખવા માલધારીઓને સમજ અપાઇ

વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા સાપનેસમાં વસતા માલધારીઓને આ રોગચાળાને નાથવા કઇ રીતે કામ પાડવુ તે અંગે વિસ્તૃત સમજ અપાઇ હતી. આ ટીમે માલધારીઓને જણાવ્યુ હતું કે ભેંસને દોહી લીધા પછી ત્રણ થી ચાર વખત સાબુથી હાથ ધોઇ લેવા. આ ઉપરાંત જે ભેંસને રોગ લાગુ પડયો હોય તે ભેંસને દોહવાનો વારો સૌથી છેલ્લો રાખવો.

No comments: