Source: Bhaskar News, porbandar | Last Updated 1:47 AM [IST](08/05/2012)
- લીલીયાનાં પશુડોક્ટર કૃષિમેળામાં વ્યસ્ત હોય નીલગાયની સારવાર માટે આવ્યા જ નહિં
એક સાથે બે-બે ડાલામથ્થા સાવજ પાછળ પડ્યા હોય અને નીલગાયને પછાડી દઇ લોહીલુહાણ કરી નાખી હોય આમ છતાં નીલગાય બચી જાય તો તેના સદ્નસીબ કહેવાય પરંતુ બાદમાં તંત્રની બેદરકારીનાં કારણે આ નીલગાય મરી જાય તો તેની બદનસીબી કહેવાય. લીલીયાનાં વાઘણીયા ગામમાં આજે આવુ જ થયુ હતું.
આજે વહેલી સવારે લીલીયા તાલુકાનાં વાઘણીયા ગામની સીમમાં બે સાવજો શિકારનાં ઉદેશથી નીલગાય પાછળ દોડ્યા હતાં આ દરમીયાન બે વખત નીલગાય પડી ગઇ હતી આમ છતાં ભાગીને ગામમાં પહોંચી ગઇ હતી. પરંતુ બંને સાવજોએ ગામમાં પણ પીછો કરી અશોકભાઇ જાદવભાઇ શિંગાળાનાં ઘર પાસે આ નીલગાયને પછાડી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી.
જોકે ગામલોકો જાગી જતાં સાવજોએ અહિં પોતાનો શિકાર પડતો મૂકી નાસી જવુ પડ્યું હતું બીજી તરફ નીલગાય ઇજાગ્રસ્ત હાલતમાં અશોકભાઇનાં ઘર સામે જ પડી રહી કણસતી રહી હતી. ગામ લોકોએ જાણ કરતાં લીલીયાની જંગલખાતાની કચેરીનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો. તેમણે નીલગાયની સારવાર માટે લીલીયાનાં પશુ ચિકિત્સકનો સંપર્ક કર્યો હતો પરંતુ પશુડોક્ટર કૃષિમેળામાં વ્યસ્ત હોય આવ્યા ન હતા. પરિણામે બાર વાગ્યા સુધીમાં નીલગાય તરફડીને મોતને ભેંટી હતી. વનવિભાગનાં સ્ટાફે બાદમાં તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો.
ઉલ્લેખનીય એ છે કે એક તરફ તંત્ર દ્વારા કૃષિ રથની તૈયારીઓમાં નાનાથી મોટા કર્મીઓ જોડાયા છે ત્યારે નીલગાય પર થયેલા હુમલા બાદ સારવાર સમયસર ન મળવાનું કારણ પણ આવુ જ બહાર આવતા રોષની લાગણી પ્રસરી છે.
No comments:
Post a Comment