Friday, May 4, 2012

'દેશમાં વન્યપ્રાણીઓનાં કુદરતી રહેઠાણોમાં ગુજરાત આગળ'


Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 7:48 PM [IST](03/05/2012)
 
- લોકોનું વન અને પર્યાવરણ પરનું ભારણ ગુજરાતમાં સૌથી ઓછું

દેશભરમાં વન્ય જીવોની સૌથી વધુ વિવિધતા ગુજરાતમાં છે. અન્ય સ્થળોએથી વિવિધ પ્રકારનાં વન્ય જીવો આપણે બીજાને આપીએ છીએ. કારણકે, આપણે ત્યાં વન્યપ્રાણીઓ માટેનાં કુદરતી રહેઠાણોની સંખ્યા સહુથી વધુ છે. એમ રાજ્યનાં સીસીએફ (વાઇલ્ડ લાઇફ) આર. એલ. મીણાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

જૂનાગઢનાં સક્કર બાગ ઝૂ ખાતે નિલગીરી વાનર અને શાહમૃગને મુલાકાતીઓનાં પ્રદર્શન માટે ખુલ્લાં મૂકવાનાં પ્રસંગે જૂનાગઢ આવી પહોંચેલા મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં કુલ વનવિસ્તારમાં અભયારણ્યો ૪ ટકા છે. પરંતુ ગુજરાતમાં કુલ વનવિસ્તારમાં અભયારણ્યનું પ્રમાણ છે ૧૦ ટકા. રાજ્યમાં વનવિસ્તારનું કદ વધારવા અંગે ‘દિવ્ય ભાસ્કરે’ કરેલા સવાલનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, આ માટે અભયારણ્યોની આસપાસ ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવાની યોજના છે.

દરેક સ્થળે તેની ત્રિજ્યા તેમાં વસતા વન્યજીવોની પ્રકૃતિને અનુરૂપ અલગ અલગ રહેશે. જેમ કે, ગિરમાં તેની ત્રિજ્યા અભયારણ્યની સરહદથી ૧૫થી ૨૦ કિમી સુધીની હોઇ શકે. તો તો કચ્છમાં ઘુડખર અભયારણ્યથી ફક્ત અડધાથી એક કિમી સુધી હોઇ શકે. એ જ કચ્છમાં નલીયા ખાતે આવેલા ઘોરડો માટેનાં અભયારણ્યથી ઇકો સેન્સીટીવ ઝોન તેનાથી વધુ હોઇ શકે. કારણકે, ઘોરડો પક્ષીનું ઉડ્ડયન એટલા વિસ્તારમાં હોય છે. દુનિયાભરમાં ફક્ત ૨૫૦ ઘોરડો (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ) છે. તેમાંથી ૫૦ એકલા કચ્છનાં એ અભયારણ્યમાં જ છે.

- જંગલ પરનું ભારણ ગુજરાતમાં ઓછું

અભયારણ્યમાં અને તેની આસપાસ રહેતા લોકોનું જંગલ પરનું ભારણ પણ આપણે ત્યાં ખુબજ ઓછું છે. મધ્યપ્રદેશ સહિતનાં અન્ય રાજ્યોમાં જોકે તેનું પ્રમાણ ઘણું વધુ છે. કારણકે, ત્યાં વનવાસીઓ વન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આપણે ત્યાં વેળાવદર અભયારણ્ય આસપાસની ‘કાઠી’ અને ગિર અભયારણ્યમાં અને તેની આસપાસ રહેતા ‘માલધારી’ ની જીવનશૈલી અને ખોરાક વન ઉપર આધારિત નથી. વળી વન્ય પ્રાણીઓનાં સંરક્ષણ માટે તેઓ પણ જાગૃત છે. આમ આપણે ત્યાં લોકજાગૃતિનું પ્રમાણ વધુ છે. જોકે, આપણે ત્યાં દક્ષિણ ગુજરાતનાં આદિવાસી પટ્ટામાં લોકો વનમાંથી ખોરાક મેળવે છે ખરા.

તસવીર મિલાપ અગ્રાવત, જુનાગઢ

No comments: