Tuesday, May 29, 2012

છ માસના બાળકને ઉપાડી ગયો દીપડો, ઝાડ પરથી પટકાઈ લાશ.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 3:23 AM [IST](29/05/2012)
- ખાંભા તાલુકાના હનુમાનપુર ગામની કરુણ ઘટના
- આદમખોર દીપડાના શિકારના બનાવથી ગામલોકોમાં ફફડાટ ખાંભા તાલુકાના હનમાનપુર ગામે ગઇરાત્રે એક દેવીપૂજક પરિવાર ખુલ્લા ઘરમાં સુતો હતો ત્યારે ચુપકીદીથી ત્રાટકેલા દપિડાએ માતાના પડખામાં સુતેલા માત્ર છ માસના માસુમ બાળકને ઉઠાવી જઇ ફાડી ખાધો હતો. ઘટનાને પગલે વનતંત્રને દિપડાને પકડવા તજવીજ હાથ ધરી છે. ગામ બહાર ઝાડ નીચેથી બાળકની અર્ધ ખવાયેલી લાશ કબજે લઇ પોસ્ટ મોર્ટમ માટે ખાંભા દવાખાને ખસેડવામાં આવી હતી.

અમરેલી જીલ્લામાં વધુ એક આદમખોર દપિડાએ માનવ જીંદગીનો ભોગ લીધો છે. ગીર પૂર્વની તુલશીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે આ ઘટના બની હતી. દેવીપૂજક બાવાભાઇ શામજીભાઇ વાઘેલા ગામની મધ્યમાં જ પોતાનું ઘર ધરાવે છે. બાવાભાઇ તેમના પત્ની અને છ માસનો તેમનો પુત્ર રાહુલ ખુલ્લા ઘરમાં સુતા હતાં ત્યારે મધરાત્રે દીપડો ત્રાટકયો હતો.

દીપડો માતાના પડખામાં સુતેલા માસુમ રાહુલને ગળામાંથી પકડી નાસ્યો હતો. બાળકના રડવાનો અવાજ આવતા તેની માતા જાગી ગઇ હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ચુકયુ હતું. મધરાત્રે તેમનો પરિવાર અને જાગી ગયેલા અન્ય ગામલોકોએ બાળકની શોધખોળ ચલાવી હતી. દીપડો બાળકને ગામ બહાર ઝાડ પર ખેંચી ગયો હતો અને અડધુ શરીર ખાય ગયા બાદ બાળકનું શરીર ઝાડ પરથી નીચે પડયુ હતું. ગામલોકોએ બનાવ અંગે વનતંત્રને જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ પણ અહિં દોડી આવ્યા હતાં અને મૃત બાળકના અવશેષોને પોસ્ટ મોર્ટમ માટે ખાંભાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દીપડાની સંખ્યા ઘણી વધારે છે. દીપડા દ્વારા આ રીતે માસુમ બાળકને ફાડી ખાવાની ઘટના પણ વધી પડી છે. જેને પગલે આવા વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બીજીબાજુ વનવિભાગ દ્વારા આદમખોર દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

- ઝાડ પરથી બાળકની લાશ નીચે પટકાઇ

હનુમાનપુરમાં છ માસના બાળકને મોઢામાં ઉપાડી દીપડો ગામ બહાર ઝાડ પર ચડી ગયો હતો. બીજી તરફ ગામલોકોએ રાત્રે જ ચારેય દિશામાં બાળકની શોધખોળ શરૂ કરી હતી. બાળકને અડધુ ખાઇ ગયા બાદ દિપડાએ તેને ઝાડની ડાળી પર મુકવાનો પ્રયાસ કરતા તેનો અર્ધ ખવાયેલો મૃતદેહ નીચે પડયો હતો. જે ગામલોકોએ કબજે લીધો હતો.

- માનવભક્ષી દીપડાને પકડવા બે પાંજરા ગોઠવાયા

હનુમાનપુરમાં આદમખોર બની ગયેલા દપિડાને તાત્કાલીક પાંજરે પુરવા ગામલોકો દ્વારા માંગ ઉઠાવાતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે વન વિભાગના સ્ટાફ દ્વારા આ દપિડાને પકડવા સીમમાં બે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત મૃતક બાળકના વાલીઓને વળતર ચુકવવા પણ કાર્યવાહી શરૂ કરાઇ છે.

No comments: