Source: Bhaskar News, Amreli | Last Updated 2:05 AM [IST](29/05/2012)
- વિસાવદર-ઊના પંથકના લોકોમાં ભારે ફફડાટ: વનવિભાગે પાંજરા ગોઠવ્યા
વિસાવદર અને ઊના પંથકમાં દીપડા અને સિંહણનાં હુમલાનાં બનાવોમાં નવ વ્યક્તિઓ ઘાયલ થતાં સારવારમાં ખસેડાયા હતા. વિસાવદરનાં મુંડીયારાવણી ગામે અલગ-અલગ ચાર મકાનમાં ઘુસી જઇ દીપડાએ ચારને ઇજા પહોંચાડી હતી. જ્યારે ઊનાનાં ભડીયાવદર ગામે દીપડાએ ચાર યુવાનોને અને ઇટવાયા ગામે સિંહણે એક તરૂણને ઘાયલ કરી દીધો હતો. વન્ય પ્રાણીઓનાં આ કહેરથી લોકોમાં ફફડાટ છવાયો છે. જ્યારે વન વિભાગે પાંજરાઓ ગોઠવી તેને પકડવા કવાયત હાથ ધરી છે.
વિસાવદરનાં મુંડીયારાવણી ગામે ગતરાત્રિનાં દીપડાએ આવી ચઢી અલગ-અલગ ચાર મકાનમાં ઘુસી જઇ આરતીબેન દેવજીભાઇ વારીયા (ઉ.વ.૧૮), ભાવેશ નાથાભાઇ ખીમાણીયા (ઉ.વ.૨૩), નંદુબેન લુલાણીયા (ઉ.વ.૬૦) અને ચકુભાઇ ચનાભાઇ સાવડીયા (ઉ.વ.૬૫)ને ઘાયલ કરી દીધા હતા. રાત્રિનાં સમયે પોણા કલાકમાં જ નિંદ્રાધીન ચાર વ્યક્તિઓને દીપડાએ ઘાયલ કર્યાનાં બનાવની જાણ થતાં ગામમાં ભયનું વાતાવરણ છવાય ગયું હતુ.
જ્યારે ઊના તાલુકાનાં ભડીયાદર ગામની સીમરમાં આજે સવારે જેસીંગભાઇ ભાવુભાઇ ગોહીલ (ઉ.વ.૨૫) પોતાની વાડીમાં જુવાર વાઢી રહ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કરતાં રાડારાડી કરી મુકતાં જેસીંગભાઇને બચાવવા ખેત મજૂર હાજાભાઇ માંડણભાઇ ભીલવાળા દોડી આવતાં દીપડાએ તેની પર પણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી.દરમિયાન સાંજે ફરી દીપડો ત્રાટકયો હતો અને રમેશભાઇ ભાવુભાઇ ગાહીલ અને કાનજીભાઇ મેપાભાઇ ડાંગોદરા નામના બે યુવાનોને ઘાયલ કર્યા હતા. જ્યારે છોડાવડી ગામનાં ભરતભાઇ માલાભાઇ રાતળીયા (ઉ.વ.૧૭) નામનો તરૂણ બપોરનાં સુમારે ઇટવાયાની સીમમાં માલઢોર ચરાવી રહ્યો હતો ત્યારે સિંહણે તેની પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ હુમલાઓનાં બનાવથી વિસાવદર અને ઊનાનાં પંથકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
No comments:
Post a Comment