Source: Bhaskar News, Amreli | Last Updated 12:29 AM [IST](29/05/2012)
લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમાં વસતા સાવજો મારણની લ્હાયમાં ગમેત્યારે ગામડાની અંદર ઘુસી આવે છે. ગઇરાત્રે એક સાથે પાંચ સાવજનું ટોળુ ગામમાં ઘુસી ગયુ હતું અને જુદા જુદા બે માલધારીની એક વાછડી અને એક ગાયને ફાડી ખાધી હતી. ભયભીત ગ્રામજનોએ મકાનોના ધાબા પર ચડી હાંકલા પડકારા કરી મહા મુસીબતે આ સાવજોને ગામબહાર કાઢયા હતાં.
ક્રાંકચ પંથકમાં વસતા સાવજોએ ગઇકાલે ક્રાંકચ ગામને જાણે બાનમાં લીધુ હતું. આ વિસ્તારમાં વસતા સાવજો મારણની શોધમાં અવાર નવાર જે તે ગામમાં આવી ચડે છે. ગઇરાત્રે દસેક વાગ્યાના સુમારે એક સાથે પાંચ સાવજો ગામમાં આવી ચડયા હતાં. ત્રણ નર સિંહ અને બે નર સિંહણે અહિંના સામતભાઇ ધીરૂભાઇ ખુમાણના વાડામાં ઘુસી એક વાછરડાને તથા મહેશભાઇ ધીરૂભાઇ ખુમાણના વાડામાં એક ગાયને મારી નાખી હતી.
સાવજો ગામમાં ઘુસ્યા હોવાની જાણ થતા ગામલોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. ગામલોકો તેમના કાચા મકાનના નળીયા પર અને ધાબા પર ચડી ગયા હતા અને હાંકલા પડકારા કરી મહા મહેનતે સાવજોને ગામની બહાર ખદેડી મુક્યા હતાં. બીજી તરફ શેત્રુજી નદીના પટમાં સાવજોની સુરક્ષા માટે પહેરો દેતા વન કર્મચારીઓ જેઠવાભાઇ, ભદ્રેશસિંહ પરમાર, પ્રફુલભાઇ મહેતા, પોલીસકર્મી ભરતસિંહ ચૌહાણ વગેરે સાવજો ગામમાં ઘુસ્યા હોવાની જાણ થતા ગામમાં દોડી આવ્યા હતાં. ક્રાંકચમાં આ રીતે અવાર નવાર ઘુસી આવી સાવજો મારણ કરતા હોય લોકોમાં ફફડાટ છે.
No comments:
Post a Comment