Source: Bhaskar News, Junagadh | Last Updated 3:08 AM [IST](27/05/2012)
વનવિભાગ અને ગિર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી ગીધની વસ્તી ગણત્રીમાં શનિવારે સવારે ૮ વાગ્યાથી ગીધની વસ્તી ગણત્રી હાથ ધરાઇ હતી. ગિરનારની ઉત્તર અને દક્ષિણ રેન્જનાં જંગલોમાં વન કર્મચારીઓ અને એન.જી.ઓ.નાં કાર્યકરોએ હાથમાં બાયનોકયુલર અને પત્રકો સાથે ગણત્રી શરૂ કરી હતી. બે આર.એફ.ઓ., ૧૦ રાઉન્ડ ફોરેસ્ટર, ૪૦ બીટ ગાર્ડ અને પ્રકૃતિ નેચર ક્લબનાં ૨૪ સ્વયંસેવકો તેમાં જોડાયા હતા. જેમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં એકલા ગિરનારમાંજ ૧૮ ગીધ જોવા મળ્યા હતા. જ્યારે બપોર બાદ સાંજનાં સમયે સવારનાં ૧૮ મળી કુલ ૫૫ ગીધ ઉડતા જોવા મળ્યા હતા. એ રીતે તેનાં માળાઓમાં ૧૨ બચ્ચાં જોવા મળતાં આજનાં દિવસે કુલ ૬૭ ગીધ જોવા મળ્યાનું આધારભૂત રીતે જાણવા મળ્યું છે. આ ગીધમાં ૫૫ પુખ્ત અને ૧૨ બચ્ચાંનો સમાવેશ થાય છે.
ગિરનારમાં આજે રાણકદેવીનાં થાપા પાસેની કરાડમાં ૭ માળા, ભૈરવજપ પાસે પાંચ માળા અને વેલનાથની ટૂંકમાં ૨૮ માળા નોંધાયા હતા. કુલ માળાની સંખ્યા છેલ્લે થયેલી ગણત્રી કરતાં વધી છે. ગત વખતે ગિરનારમાં ૨૬ માળા હતા. જે હવે વધીને ૩૮ થયા છે. એ રીતે ગત વખતે ગીર જંગલમાં ૪૦ અને ગિરનારમાં ૫૭ હતા. આજનાં દિવસે ગિરનારનાં જંગલમાં વ્હાઇટ બલ્ટિ વલ્ચર, ગિરનારી ગીધ અને પહાડી ગીધ જોવા મળ્યા હતા.
ગિરનારની પાછળનાં ભાગ મથુરા બીટમાં ૩ ગીધ જોવા મળ્યા હતા. જેમાં બે રાજગીધ હતા. આ ઉપરાંત જોગણીયા ડુંગરમાં ૧અને દાતારનાં ડુંગરમાં ૨ ગીધ જોવા મળ્યાનું પણ જાણવા મળ્યું છે. ગિર જંગલમાં દેવળીયા, માલણકા (ગીર), ડેડકડી, કેરંભા, જાનવડલા, કમલેશ્વર ડેમ, જશાધારમાં ગીધ જોવા મળતા હોઇ ત્યાં પણ વસ્તી ગણત્રી ચાલુ છે. એ રીતે કોડીનારનાં સોડમ બંધારામાં પણ ગીધ જોવા મળે છે.
- ૩૮ માળા એક સારી નિશાની
પ્રકૃતિવિદોનાં કહેવા મુજબ, ગીધનાં માળાની સંખ્યા વધવી એ તેની વસ્તી વધવાની દિશામાં એક સારા સમાચાર છે. કારણકે, એકલો નર માળો ન બનાવે. સાથે માદા હોય જ. વળી બંને સાથે રહેતા હોય એટલે ઓછામાં ઓછું એક બચ્ચું કે ઇંડું તો હોય જ.
- ખોરાક માટે ૫૦ થી ૧૦૦ કિમીની સફર ખેડે
જાણકારોનાં કહેવા મુજબ, ગીધ પોતાનો ખોરાક મેળવવા માટે ૫૦ થી લઇને ૧૦૦ કિમી સુધી ઉડી શકે છે. ગીરનારનું ગીધ છેક વંથલી સુધી આવીને ખોરાક મેળવે. તો માલણકા કે દેવળીયામાં રહેતું ગીધ ખોરાક મેળવવા ગીરનાર પણ આવે.
- વસ્તી ગણતરી સમયે પાટડીમાં ત્રણ ગીધના મોત
પાટડી પાસે આવેલા મોટા ગોરૈયા અને ડુમાણા વચ્ચેની સીમમાં એક પછી એક ત્રણ ગીધ ટપોટપ મોતને ભેટવા લાગતા તંત્રની ઘોર ઉદાસીનતા છતી થઇ છે. નિ:શૂલ્ક સફાઇ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખુ રાખતુ ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે. વર્ષ ૧૯૯૬માં કરાયેલા સર્વેમાં ગીધની વસ્તીમાં અત્યંત ચોંકાવનારો ૯૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એમાંય ગુજરાતમાં ખાસ જોવા મળતા સફેદ પીઠ ગીધ અને ગીરનારી ગીધ આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
No comments:
Post a Comment