Source: Nimish Thakar, Junagadh | Last Updated 5:45 PM [IST](24/05/2012)
ગીધની વસ્તી ગણતરી આગામી તા. ૨૬ અને ૨૭ મે એ આખા રાજ્યમાં હાથ ધરાનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ લગભગ તમામ સંભવિત સ્થળોએ ગીધની વસ્તી ગણતરી હાથ ધરાશે. તેમાં સૌથી વધુ ગીધ ગિરનારનાં જંગલ વિસ્તારમાં જોવા મળતા હોઇ એ માટેનાં મુખ્ય સાત પોઇન્ટો છે. આ પોઇન્ટોમાં સૌથી વધુ ગીધ દેખાવાની શક્યતા હોવાનું જાણકારોનું કહેવું છે.
ગિરનારનાં જંગલમાં ગિરનારી ગીધને લઇને રોપ-વેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સમગ્ર બાબતમાં ગીધનો મુદ્દો ઉઠાવાયો હોવાથી સ્વાભાવિક રીતે જ ગીધની વસ્તી ગણતરી પ્રત્યે લોકોમાં પણ ઉત્સુકતા વધી છે. ત્યારે વનવિભાગ દ્વારા ગણતરીની તૈયારી થઇ રહી છે.
ગિરનારનું જંગલ ઉત્તર અને દક્ષિણ એમ બે રેન્જમાં વ્હેંચાયેલું છે. બંને રેન્જ મળી કુલ ૭ સ્થળો એવાં છે જ્યાં સહુની નજર મંડાયેલી રહેશે. આ સ્થળોમાં ઉત્તર ડુંગર રેન્જમાં રણશીવાવ રાઉન્ડમાં મથુરા બીટમાં હિડંબાનો હિંચકો નામે ઓળખાતા વિસ્તારમાં ગીધનું ઉડ્ડયન સતતપણે જોવા મળતું રહે છે. જોકે, ત્યાં માળા છે કે નહીં તે બાબતે હજુ ચોકસાઇ નથી.
એ રીતે જાંબુડી રાઉન્ડમાં જૂની સીડી વિસ્તારમાં એક પોઇન્ટ રખાયો છે. જટાશંકરથી ઉપર તરફના આ વિસ્તારમાં પણ ગીધનાં માળા અને વસ્તી છે. જ્યારે પાટવડ રાઉન્ડનાં માળવેલામાં પણ ગીધની વસ્તી છે. આથી ત્યાં પણ એક પોઇન્ટ રખાયો છે. જ્યારે દક્ષિણ ડુંગર રેન્જનાં જંગલમાં પોઇન્ટો વધુ છે. પરંતુ ગીધ દેખાવાની શક્યતાવાળા પોઇન્ટો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થશે. આવા ચાર પોઇન્ટો છે. જેમાં ભવનાથ રાઉન્ડમાં જટાશંકર બીટમાં વેલાવાળી જગ્યાએ આખા ગિરનાર જંગલનાં સૌથી વધુ ગીધ જોવા મળે છે. વળી પાછો ગિરનાર રોપ-વે આ વિસ્તારમાંથી જ પસાર થાય છે. આથી પણ આ પોઇન્ટનું સૌથી વધુ મહત્વ છે. એ રીતે બોરદેવી, જોગણીયા ડુંગરની ઉપર તેમજ અમકુ બીટમાં પણ એક એક પોઇન્ટો રખાયા છે.
- સવાર અને સાંજ સૌથી વધુ અનુકૂળ સમય
ગીધની વસ્તી ગણતરી માટેનો સૌથી વધુ અનુકૂળ સમય સવારે ૮ થી ૧૧ અને સાંજે ૫ થી ૭ નો હોય છે. જોકે તા. ૨૬ અને ૨૭ નાં રોજ આખો દિવસ સ્ટાફ તૈનાત રહેશે. પરંતુ ઉપરોક્ત સમયગાળામાં તેની અવરજવર આકાશમાં સૌથી વધુ રહેશે. પોઇન્ટ પરથી ગીધને નીહાળવા માટે બાયનોક્યુલરનો ઉપયોગ થશે. આ સાથે ફોટો-વીડીયોગ્રાફી પણ થશે. અને તેનું માર્કીંગ પણ પત્રકમાં કરાશે.
No comments:
Post a Comment