Friday, July 13, 2012

કુદરતના બે સ્વરૂપ, એક તરફ હરિયાળી બીજી બાજુ ધૂળની ડમરી.



જૂનાગઢ, તા.૧૧
ગુરૂ દત્તાત્રેયજી, ભગવાન ભોળાનાથ કે જગદંબા અંબા માતાજીની આધ્યાત્મિક ઓળખ ધરાવતા ગરવા ગિરનારની પ્રવાસન સ્થળ તરીકેની પણ એક આગવી ઓળખ છે. પરંતુ વરસાદની સિઝનમાં આ જટાધારી જોગીના રીતસર બે ભાગલા પડી જાય છે. બન્ને ભાગ જાણે કે વિશ્વના જુદા જુદા ખૂણે આવેલા હોય તેવી આશ્ચર્યજનક સ્થિતિ અહી જોવા મળે છે. એક તરફ લીલીછમ્મ હરિયાળીથી તરબર થયેલા પર્વતોની બીજી તરફ રીતસર ધૂળની ડમરીઓ ઉડતી હોય છે !! વર્ષાછાંયાના પ્રદેશના કારણે રચાતા આ બન્ને સ્વરૂપો કુદરતનો અદ્દભુત પરિચય આપે છે. બન્ને તરફના જંગલો, વનસ્પતિ, પાણીના વહેણ આખી સ્થિતિ જ જુદી જુદી હોય છે.
  • આધ્યાત્મનું કેન્દ્ર કે ફરવાના સ્થળ તરીકે ઓળખાતા ગરવા ગિરનારનું એક આશ્ચર્યજનક પાસુ
  • વરસાદની સિઝનમાં જટાધારી જોગીના રીતસર બે ભાગલા પડી જાય છે : બન્ને ભાગ જાણે કે વિશ્વના જુદા જુદા ખૂણે હોય તેવી સ્થિતિનો એક ચિતાર
જૂનાગઢની ભાગોળે આવેલો ગિરનાર પર્વત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં જાણિતો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગિરનાર પોતાની રોનક ગુમાવી બેસે છે. પાનખરમાં ખરી ગયેલા પાંદડાના કારણે ચળકતા લીલા સોનાને જાણે કે ઝાંખપ લાગી જાય છે. પરંતુ જેવો પ્રથમ વરસાદ પડે કે તરત જ ગિરનારની જીવસૃષ્ટિ ચેતનવંતી બની જાય છે. વૃક્ષો અને વેલાઓ સજીવન થાય છે. ચોમાસુ શરૂ થતા જ ઝરણા શરૂ થવા માંડે છે.
ધીમે ધીમે પંદર દિવસમાં આખા ગિરનારનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. પર્વત ઉપર કોઈએ લીલીછમ્મ ચાદર પાથરી દીધી હોય તેવા જીવંત દ્રશ્યો ખડા થઈ જાય છે. દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફથી દેખાતુ ગિરનારનું આ સ્વરૂપ હરિયાળીનો સાક્ષાત્કાર કરાવે છે. તેનાથી તદ્દન વિરોધી સ્થિતિ હોય છે ગિરનારના પાછળના ભાગમાં. એટલે કે ઉત્તર અને પૂર્વ દિશામાંથી જ્યારે કોઈ ગિરનારને જોવે તો અહી ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. સંપૂર્ણ વિસ્તાર કોરો ધાકોડ હોય છે. અત્યારે વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થતા જ આ બન્ને દ્રશ્યો ગિરનારમાં જોવા મળી રહ્યા છે !! નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વર્ષાછાંયાના પ્રદેશના કારણે અહી કુદરતના બે સ્વરૂપના દર્શન થાય છે.
ગિરનારની આગળની તરફ ભારે વરસાદ પડે છે. જ્યારે પાછળની તરફ કાયમીના ધોરણે ઓછો વરસાદ પડે છે. આવી સ્થિતિના કારણે ગિરનારના રીતસરના બે ભાગલા પડી જાય છે. સૌપ્રથમ તફાવત જંગલના પ્રકારનો પડી જાય છે. જેમાં આગળનો ભાગ ગીચ ઝાડીવાળા હરિયાળા જંગલોથી લથબથ બની જાય છે. વાંસ, સાગ, આંબો, વડલો, ખાખરો સહિતના ૬૦૦ પ્રકારના વૃક્ષો અને વેલાઓ અહી ઉગી નિકળે છે.
આયુર્વેદમાં ઔષધિ તરીકે વપરાતી જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ પણ અહી થાય છે. ચારે તરફ લીલોતરી જ લીલોતરી નજરે પડે છે. જ્યારે પાછળના ભાગમાં સંપૂર્ણ રીતે કાંટાળી વનસ્પતિ પ્રકારના વૃક્ષો હોય છે. ઓછા પાણીના કારણે બોરડ, ગોરડ, બોરડી, દેશી બાવળ સહિતના વૃક્ષો ગિરનારના બીજા ભાગમાં હોય છે. જાણે કે કોઈ સુકાભઠ્ઠ પ્રદેશમાં પ્રવેશ્યા હોય તેવી સ્થિતિ અહી જોવા મળે છે. જુદી જુદી ઋતુમાં કે પછી અલગ અલગ સ્થળોએ આવું બની શકે. પરંતુ ગિરનારમાં એક જ સમયે અને સ્થળે આવી વિરોધાભાસી સ્થિતિના દર્શન થાય છે.
ગિરનારની આગળના ભાગમાં ચોમાસાના સમયમાં ખૂલ્લા મેદાન શોધવા મૂશ્કેલ છે. પરંતુ પાછળના ભાગમાં વધારેમાં વધારે ખૂલ્લા મેદાનો જોવા મળે છે. તૃણભક્ષી પ્રાણીઓ અને કિટકો પણ ચોમાસાના સમયમાં હરિયાળી તરફ જતા રહે છે. વરસાદ પડતા જ ગિરનારની દક્ષિણ રેન્જમાં ઝરણા વહેવા માંડે છે. અને છેક આખો શિયાળો તથા ઉનાળાની શરૂઆત સુધી આ ઝરણા વહેતા રહે છે. જ્યારે ઉત્તર રેન્જમાં વરસાદ મધ્ય ચરણમાં પહોંચે ત્યારે માંડ માંડ શરૂ થયેલા ઝરણા ચોમાસુ પુરૂ થતા જ સુકાઈ જાય છે. ગિરનારની આ વિશિષ્ટ લાક્ષણિકતાથી કદાચ બહુ ઓછા લોકો પરિચિત હશે.
ગિરનારમાં નાના-મોટા ઝરણા શરૂ થઈ ગયા
જૂનાગઢ શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અનુભવી સુત્રોના જણાવ્યા પ્રમાણે ગિરનારમાં અત્યાર સુધીમાં ત્રણથી સાડા ત્રણેક ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. પરિણામે દક્ષિણ રેન્જમાં આવેલા નાના-મોટા ઝરણા શરૂ થઈ ગયા છે. ખાસ કરીને ગિરનાર જંગલોમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળો આસપાસથી વહેતા ઝરણા લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ગરમીમાંથી છૂટકારો મેળવવા માટે લોકો ન્હાવા માટે આવા ઝરણાઓમાં આવવા માંડયા છે. જો કે હજૂ જોઈએ એટલું પાણી નથી આવ્યું છે. પરંતુ ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. અમુક ઝરણાઓમાં પાણી નથી આવ્યું. એકાદ-બે વરસાદમાં જ તમામ ઝરણા બેકાંઠે શરૂ થઈ જશે.

No comments: