Source: Bhaskar News, Visavdar | Last Updated 3:56 AM [IST](02/07/2012)
- વન વિભાગે પાંજરા ગોઠવી આદમખોર દીપડાને ઝડપી લીધોવિસાવદરનાં સતાધાર પાસે ગત શુક્રવારનાં રાત્રિનાં સમયે માતાએ દીપડા સાથે બાથ ભીડી ૬ વર્ષનાં માસુમ પુત્રને બચાવી લીધો હતો. આ હુમલાનાં બનાવનાં પગલે વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને કેદ કરી લીધો હતો.
જામનગરનાં જામખંભાળીયા તાલુકાનાં બારૂ ગામનાં માલધારી લખમણભાઇ આલે પોતાના પરિવાર અને ઘેટા-બકરા સાથે સતાધાર નજીક એક ખેતરમાં રાત્રિ રોકાણ કર્યું હતુ. શુક્રવારનાં રાત્રિનાં આ માલધારી પરિવાર જમીને ભરનિંદ્રામાં સુતા હતા ત્યારે મધરાતનાં ત્રણેક વાગ્યાની આસપાસ એક ખુંખાર દીપડાએ આવી ચઢી માતાનાં પડખામાં સુતેલા ૬ વર્ષનાં પુત્ર અજાને માથાનાં ભાગેથી પકડી નાસવા લાગેલ અને પંદરથી વીસ ફૂટ દૂર પહોંચી ગયો હતો,
અજાએ જોરથી ચીસ પાડતાં માતા જાગી ગયેલ અને પુત્રને જડબામાં જોતા પ્રથમતો હેબતાઇ ગયેલ બાદમાં હિંમત એકઠી કરી દીપડાનો પીછો કરી તેની સાથે બાથ ભીડી પોતાનાંમાસુમ પુત્રને બચાવી લીધો હતો. ઇજાગ્રસ્ત બાળકને પ્રથમ વિસાવદર દવાખાને અને ત્યાંથી જૂનાગઢ સિવિલમાં સારવારમાં ખસેડાયો હતો જ્યાં તેની હાલત ભયમૂકત હોવાનું જાણવા મળે છે.
આ બનાવનાં પગલે એસીએફ ઠુંમર તથા આરએફઓ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ વનવિભાગનાં સ્ટાફે અલગ-અલગ સ્થળે બે પાંજરા ગોઠવી દીધા હતા અને રાત્રિનાં જ આ દીપડો પાંજરામાં કેદ થઇ ગયો હતો. કુટીયા રાઉન્ડનાં સોલંકીભાઇ, રવજીભાઇ સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ ચારથી પાંચ વર્ષની ઉંમરનાં દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.
- દીપડો માનવભક્ષી હોવાનું અનુમાન
માલધારી પરિવારે બસો જેટલા ઘેટા અને બકરા સાથે ખેતરમાં મૂકામ કર્યો હતો. પરંતુ આ દીપડાએ ઘેટા-બકરાને શિકાર બનાવવાનાં બદલે બાળક ઉપર જ સીધો હુમલો કરી દીધો હતો અને આ દીપડો માનવભક્ષી હોવાનું વન વિભાગ અનુમાન કરી રહી છે.
No comments:
Post a Comment