Last Updated 12:45 PM [IST](19/07/2012)
- ઘરથી અડધો કિલોમીટર દૂર લઇ જઇને સિંહ તેની લાશ પર બેસી ગયો
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમાં આજે વહેલી સવારે દેવીપુજક વાસમાં એક ઘરમાં સુતેલા આધેડને સિંહે ઉપાડી જઇ અડધો કિલોમીટર દુર લઇ જઇને તેને ફાડી ખાધો હતો. સિંહની ભુખ સંતોષાઇ ન હોય તેમ તે આધેડની લાશ પર બેસી ગયો હતો.
લોકોનું ટોળું દોડી ગયું હતું અને હાકલા પડકારા કરતાં સિંહ ત્યાંથી નાસી ગયો હતો.સિંહ દ્રારા આધેડને ફાડી ખાવાની આ ઘટના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમાં બની હતી. જ્યાં દેવીપુજક વાસમાં રહેતા ભીખુભાઇ જલાભાઇ પરમાર નામના આધેડ ઘરમાં સુતા હતા ત્યારે વહેલી સવારે એક સિંહ ત્યાં આવી ચડયો હતો. અને ભીખુભાઇને ગળાથી પકડીને ઉપાડીને અડધો કિલોમીટર દુર લઇ ગયો હતો. અને તેઓને ફાડી ખાધા હતા.
બાદમાં પરિવાર જાગી જતા ભીખુભાઇ ન હોય અને પથારીની ચોતરફ લોહી પડયુ હોય તેમજ સિંહના સગડ હોય પરિવારે તુરત વનવિભાગને જાણ કરી હતી. આ ઉપરાંત લોકો પણ ત્યાં એકઠા થઇ ગયા હતા. અને ભીખુભાઇની શોધખોળ આદરી હતી. ઘરથી અડધો કિલોમીટર દુર લોકો ગયા હતા. ત્યાં તો લોકોની આંખ પહોળી થઇ ગઇ હતી. કારણ કે ભીખુભાઇની લાશની માથે સિંહ બેઠો હતો. અમરેલીથી વનવિભાગના સબ ડીએફઓ એમ.એમ.મુની સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. તેમજ પોલીસ તંત્ર પણ ત્યાં આવી પહોંચ્યું હતું. બાદમાં સિંહને હાકલા પડકારા કરતા તે નાસી છુટયો હતો.
બાદમાં ભીખુભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે રાજુલા દવાખાને ખસેડવામાં આવી હતી. અને સિંહને પાંજરે પુરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવ વિસ્તારમાં અનેક વખત સિંહો અને દપિડાઓ આવી ચડે છે. છ માસ પહેલા પણ આ જ વિસ્તારમાંથી એક બાળાને દપિડાએ ફાડી ખાધી હતી. આ ઉપરાંત બે માસ પહેલા પણ એક યુવકને સિંહે ફાડી ખાધો હતો. ત્યારે આ ત્રીજો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
- સિંહને પકડવા પાંચ પાંજરા મૂકાયા
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમાં આવેલ એક ઘરમાંથી વહેલી સવારના એક દેવીપુજક આધેડને સિંહ ઉપાડી લઇ જઇને તેને ફાડી ખાતા આ વિસ્તારમાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે આ સિંહને પાંજરે પુરવા વનવિભાગ દ્રારા પાંચ પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત વનવિભાગ દ્રારા રાત્રીના પેટ્રોલીંગ માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે.
નાગેશ્રીની સીમમાં દેવીપુજક વાસમાં રહેતા ભીખુભાઇ પરમાર નામના આધેડને આજે વહેલી સવારે ઘરમાંથી એક સિંહ ઉપાડીને દુર લઇ જઇને ફાડી ખાધા હતા. અને બાદમાં સિંહ તેઓની લાશ પર બેઠો હતો. બાદમાં લોકો અને વનવિભાગ દ્રારા આ સિંહને હાકલા પડકારા કરી ભગાડયો હતો. અને લાશને પોસ્ર્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે ધારાસભ્ય હિરાભાઇ સોલંકીને જાણ થતા તેઓએ વનવિભાગને વળતર ચુકવવા તેમજ સિંહને તાત્કાલિક પાંજરે પુરવા તાકિદ કરી હતી.
વનવિભાગની રેસ્કયુ ટીમ દ્રારા આ સિંહને પકડવા માટે પાંચ પાંજરાઓ ગોઠવવામાં આવ્યાં છે. અમરેલી ડીએફઓ મકવાણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત રાત્રીના પેટ્રોલીંગ માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે.
તસવીરો : કનુભાઇ વરૂ, રાજુલા
No comments:
Post a Comment