જૂનાગઢ, તા.૯ :
દેશભરમાં અગ્રીમ સ્થાન ધરાવતા જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં વસવાટ કરતી વન્યજીવ સૃષ્ટિ માટે વરસાદને અનુલક્ષીને પગલા લેવાની શરૂઆત તંત્ર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને વન્યપ્રાણીઓ ઉપર વરસાદનું પાણી ન પડે તે માટે તાડપત્રી બાંધીને પાંજરાને સલામત બનાવવામાં આવ્યા છે.
- ચોમાસાના અનુલક્ષીને ખાસ કવાયત હાથ ધરાઈ
- મચ્છર સહિતની જીવાતોનો ઉપદ્રવ નિવારવા નિયમીત રીતે ઘાસનું થતું કટીંગ
પ્રાણીઓ ઉપર સીધુ જ પાણી ન પડે તે માટે પાંજરાઓમાં શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે વન્ય પ્રાણીઓના હરવા-ફરવાના વિસ્તારમાં તાડપત્રી બાંધી દેવામાં આવી છે. ચિત્તાઓના ફરવાના આખા વિસ્તારમાં તાડપત્રી બાંધવામાં આવી છે. ઝૂ ના ડાયરેક્ટર વી.જે.રાણાના જણાવ્યા પ્રમાણે પાંજરાઓમાં નિયમીત રીતે ઘાસનું કટીંગ કરવામાં આવી રહ્યું છે. ઘાસના કારણે મચ્છર જેવી જીવાતો પેદા થાય તો પ્રાણીઓનું આરોગ્ય કથળી શકે છે. સાથે સાથે સમયાંતરે ધુમાડો કરીને જીવાતોને દૂર કરવામાં આવે છે. પ્રાણીઓની જરૂરિયાત પ્રમાણેના આ સિવાયના અન્ય પગલાઓ પણ ચોમાસા દરમિયાન લેવામાં આવે છે.
સતત આઠ-દશ દિવસ વરસાદ રહે તો ખોરાક ઘટાડી દેવાય છે
ઉનાળામાં વન્યપ્રાણીઓનો ખોરાક ઘટી ગયા બાદ વાતાવરણ ઠંડુ થતા જ પ્રાણીઓનો ખોરાક ધીમે ધીમે વધવા માંડે છે. પરંતુ જો એકધારો સતત આઠ-દશ દિવસ સુધી વરસાદ પડતો રહે તો પ્રાણીઓનો ખોરાક ઘટાડી દેવામાં આવે છે. પ્રાણીઓની પાચન પ્રક્રિયામાં ખલેલ ન પડે તે માટે ખોરાક ઘટાડી દેવામાં આવે છે. જો કે ખોરાકનો આ ઘટાડો બહુ વધારે દિવસો માટે હોતો નથી.
No comments:
Post a Comment