Monday, July 30, 2012

અભરામપરામાં કુવામાં ખાબકેલા અજગરના બચ્ચાને બચાવી લેવાયું.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:35 AM [IST](29/07/2012)
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં ૭૦ ફુટ ઉંડા કુવામાં એક અજગરનું બચ્ચુ પડી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી યુવાનો અને વન વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી અજગરના આ બચ્ચાને કુવામાંથી બહાર કાઢી સલામત રીતે અભ્યારણ્યમાં છોડી દીધો હતો. પક્ષીનો શિકાર કરવાના પ્રયાસમાં આ બચ્ચુ કુવામાં ખાબક્યાનું મનાઇ રહ્યુ છે.

સામાન્ય રીતે મધ્ય ગીરમાં જોવા મળતા અજગરો હવે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સાનુકુળ વાતાવરણને પગલે આ વિસ્તારમાં અજગરની વસ્તી વધતી જાય છે. શિકારની શોધમાં નીકળેલો કોઇ અજગર જો કુવામાં ખાબકે તો તેનું જીવન બચાવવુ મુશ્કેલ બની જાય છે. આવી એક ઘટનામાં સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં હિંમતભાઇ સવજીભાઇ જાદવની વાડીમાં ૭૦ ફુટ ઉંડા કુવામાં અજગરનું બચ્ચુ પડી ગયુ હતું.

આ અંગે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ થતા વન વિભાગને જાણ કરાઇ હતી. ટ્રસ્ટના સતીષ પાંડે, કશિન ત્રિવેદી, મહેબુબ મકવાણા, મેહુલ બોરીસાગર, માધવ વણજારા વગેરેએ પાંચ ફુટ લાંબા અને ૨૦ કિલો વજનના આ અજગરના બચ્ચાને કુવામાંથી બહાર કાઢી બચાવી લીધુ હતું. બીટગાર્ડ ચૌહાણભાઇ વગેરે વનકર્મીઓ દ્વારા તેને મીતીયાળા અભ્યારણ્યમાં છોડી દેવાયુ હતું.

No comments: