Monday, July 30, 2012

મંદિરે પૂજા કરવા જતા અટકાવતા માલધારી પરિવાર ઉપવાસ ઉપર.


જૂનાગઢ, તા.૨૮:
સાસણ ગીરના રાયડી નેશમાં એક માલધારી પરીવાર વર્ષોથી નજીકના વડલેશ્વર મહાદેવ મંદિરની પુજા કરે છે. પરંતુ આ શ્રાવણમાસમાં વન વિભાગે શ્રધ્ધાળુઓના અવર-જવર અને મંદિરમાં ધુપ દીવા કરવાની મનાઈ ફરમાવી હોવાની રાવ અને યોગ્ય કરવાની માંગણી સાથે આ પરીવાર કલેકટર ઓફીસ સામે ઉપવાસ પર ઉતરી ગયો છે.
·         શ્રાવણ માસ નિમિત્તે આવતા અનેક શ્રદ્ધાળુઓની દુભાતી લાગણી
સાસણગીર પાસેના ડેડકડી રેન્જમાં આવતા રાયડી નેશમાં વર્ષોથી ગંગદાસ ભગત પરીવાર માલધારી તરીકે વસવાટ કરે છે. અને વર્ષોથી આ પરીવાર દ્વારા નેશમાં આવેલા વડલેશ્વર મહાદેવના મંદિર જીર્ણોધ્ધાર અને પુજન અર્ચન કરે છે. શ્રાવણમાસ નિમિતે આ મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડે છે. થોડા વર્ષ પહેલા વન અને પર્યાવરણ વિભાગે દર્શનાર્થીઓને ભંભાફોડ નાકાથી નોંધ કરીને અવર જવાર કરવાની પરવાનગી આપી હતી.
નાગલપુર, પાતાપુર, સણથા, ઈંટાળા, આણંદપુર, ખીમપાદર, ગુંદાળા, સુખપુર, રાયપુર, દાત્રાણા, ઘુડવદર, ખડીયા સહિતના ગામના શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આમ છતા જુન - ર૦૧રમાં વનવિભાગે માત્ર જીવા ભગત માલદે ભગત જોગ પરવાનગી આપી ધુપ દીવા ન કરવા જણાવ્યું છે. ત્યારે વનવિભાગના મનસ્વી વલણને કારણે શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી હોવાની રાવ અને આ અંગે સત્વરે ઘટતું કરવાની માંગણી સાથે આ પરિવારે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કલેકટર ઓફીસ સામે ઉપવાસ શરૂ કર્યા છે.

No comments: