Saturday, July 14, 2012

પશુ તબીબ પર દીપડાનો હુમલો, કાન અને ગાલ ઉપર પંજો માર્યો.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:50 AM [IST](12/07/2012) - વાડીમાં બનાવેલા મકાનની અગાશીમાં સૂતા હતા ત્યારે રાત્રે દીપડો ત્રાટકયો : કાન અને ગાલ ઉપર પંજો માર્યો

કોડીનાર તાબાનાં સીંધાજ ગામે ગીરદેવડી રોડ ઉપર વાડીમાંજ મકાન બનાવીને રહેતા પશુ તબીબ ગઇકાલે રાત્રે અગાશીમાં સુતા હતા ત્યારે ઓચિંતા આવેલા દીપડાએ તેમના પર હુમલો કરતા તેઓને કાન અને ગાલ ઉપર પંજો મારી લોહી લુહાણ કરેલ જોકે, તેઓએ પ્રતિકાર કરતા દીપડો પલાયન થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સીંધાજમાં ગીરદેવડી રોડ ઉપર કાદાના પા નામે ઓળખાતી વાડીમાં પશુ તબીબ વિશાલભાઇ અરજણભાઇ બારડ (ઉ.વ.૨૧) મકાન બનાવીને રહે છે. ગઇકાલે રાત્રે તેઓ મકાનની અગાશી ઉપર સુતા હતા ત્યારે ૧૨ વાગ્યાનાં અરસામાં ઓચિંતો દીપડો આવી ચઢી અને તેના ઉપર હુમલો કરી તેઓના કાન અને ગાલ ઉપર પંજો મારી લોહી લુહાણ કર્યા હતાં.

જોકે આ પશુ તબીબે તુરતજ સર્તક બની અને પ્રતિકાર કરતા દીપડો આઘો ખસ્યો હતો પરંતુ થોડીક ક્ષણોમાં ફરી પાછો હુમલો કરતા તેઓએ સામનો કરી ધકકો મારી રાત્રીનાં આ અંધકારમાં દીપડો ભાગી છુટયો હતો. જ્યારે ગાલ અને કાન ઉપર મારેલા ઘા થી લોહી નીકળતા ડૉ.વિશાલ બારડને તુરત જ અહીંની રાનાવાળા હોસ્પિટલમાં અને ત્યાંથી સરકારી દવાખાને લઇ આવતા ૧૩ જેટલા ટાંકા લઇ સારવાર આપવામાં આવી હતી.

- દીપડાના હુમલાના બનાવથી ગ્રામજનોમાં ભય પ્રસર્યો છે

આ બનાવની જાણ થતાં સીંધાજનાં હરીભાઇ સહીતનાં આગેવાનો તેમજ માજી સરપંચ પહોંચ્યા હતાં તેઓનાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દીપડો ખુબજ ગામની નજીક આવી ગયો હોય લોકોને બહાર નીકળવું કે રાત્રીનાં ખેતરમાં જવુ મુશ્કેલ બની ગયું છે.

No comments: