Source: Dilip Raval, Amreli | Last Updated 6:54 PM [IST](13/07/2012)
-ચારેક માસમાં જ આ પાંચમી વ્યક્તિનો દિપડા દ્રારા ભોગ લેવાતા લોકોમાં ફફડાટ
ધારી ગીરપુર્વના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડા દ્રારા માણસ પરના હુમલાઓની સંખ્યા જાણે વધતી જ જાય છે. છેલ્લા ચારેક માસમાં જ નરભક્ષી દિપડાઓએ ચાર વ્યક્તિઓનો શિકાર કરી ફાડી ખાધા હતાં. વનવિભાગે આ ચાર દિપડાઓને તો પાંજરે પુરી દીધા છે. પરંતુ જંગલમાંથી દિપડાઓ માનવ વસાહત તરફ નીકળવા લાગ્યા હોય તેમ ગતરાત્રીના ધારી તાલુકાના માલસિકા ગામે ઘરમાં સુતેલા આશરે અઢી વર્ષના બાળકને દિપડાએ ઉપાડી જઇને ફાડી ખાતા ગામમાં ફફડાટ ફેલાયો છે. બાળકને દિપડાએ ફાડી ખાવાની આ ઘટના ગતરાત્રીના ધારીના માલસિકા ગામે બની હતી. જ્યાં ભીમભાઇ વાઘેલાના ઘરમાં રાત્રીના પરિવાર સુતો હતો. ત્યારે અચાનક રાત્રીના દિપડો ત્યાં આવી ગયો હતો. ગરમીના કારણે બારણું ખુલ્લુ હોય દિપડો અંદર ઘુસી ગયો હતો. અને ભીમભાઇના આશરે અઢી વર્ષના પુત્ર શૈલેષને દિપડો ઉપાડી ગયો હતો. સવારે જાગીને જોતા શૈલેષ ન દેખાતા તેના પરિવારે શોધખોળ આદરી હતી. શૈલેષનો મૃતદેહ નજીકમાં આવેલ વાડીમાંથી મળી આવ્યો હતો. બાદમાં વનવિભાગને જાણ કરવામાં આવતા સબ ડીએફઓ જે.કે.ધામી સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારી દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત વનવિભાગ દ્રારા આ માનવભક્ષી દિપડાને પકડી પાડવા પાંજરાઓ ગોઠવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આમ ગીર પંથકના ગામોમાં ચારેક માસમાં જ આ પાંચમી વ્યક્તિનો દિપડા દ્રારા ભોગ લેવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
No comments:
Post a Comment