Friday, July 13, 2012

ભવનાથમાં જંગલ વિસ્તારની પાંચ હજાર વાર જમીનમાં થયેલી પેશકદમી.


જૂનાગઢ, તા.૯
જૂનાગઢ ભવનાથ વિસ્તાર સ્થિત યમુના કુટીર પાસે વનવિભાગની જમીન ઉપર પેશકદમી કરી ગેરકાયદેસર બાંધકામો કરાઈ રહ્યા છે. હાલમાં આ જમીન ઉપર પ થી ૬ રૂમનું બાંધકામ ચાલુ છે. તેમજ કેટલાક શખ્સો દ્વારા મેળાઓ દરમિયાન અહીં પાર્કિગ બનાવી આવક ઉભી કરાતી હોવાની રાવ સાથે રોકડીયા હનુમાન મંદિરના પુજારીએ ડી.એફ.ઓ.ને પત્ર પાઠવી જો સત્વરે આ અંગે ઘટતું કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરી હાઈકોર્ટમાં ઘા કરવાની ચિમકી ઉચ્ચારી છે.
  • મંદિરના પૂજારીને પત્ર પાઠવીને કરેલી રજૂઆત
  • પગલા નહી લેવાય તો હાઈકોર્ટમાં ઘા નાખવાની ચિમકી
વાઈલ્ડ લાઈફ અધિનિયમ મુજબ વર્ષ ર૦૦૮માં યમુના કુટીર વાળી જગ્યાનો સુચિત વાઈલ્ડ લાઈફ એરીયામાં સમાવેશ કરાયો હતો. હાલમાં આ જગ્યા ઉપર ગ્રામ પંચાયત કે મહાનગર પાલિકાની કોઈપણ જાતની મંજુરી વગર ગેરકાયદેસર બાંધકામો કરાઈ રહ્યા છે. તેમજ જંગલખાતાને પણ આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. ભવનાથ વિસ્તારમાં આવેલ યમુના કુટીરની નજીક આશરે પાંચ થી છ હજાર ચોરસવાર જંગલ ખાતાની જમીન ઉપર પેશકદમી કરી લેવાઈ છે. 
આ પેશકદમીની જમીન ઉપર શિવરાત્રિ અને પરિક્રમાના મેળામાં પાર્કિગ પોઈન્ટ બનાવી ખોટી રીતે ભાડા વસુલાય છે. તેમજ જંગલખાતાની મીઠી નજર હેઠળ જંગલમાંથી ગેરકાયદેસર લાકડાનો સ્ટોક મેળવી મોટા પ્રમાણમાં લાકડાનું વેંચાણ કરાઈ રહ્યું હોવાની રાવ સાથે રોકડીયા હનુમાન મંદિરના પુજારીપ્  ુરૂષોતમદાસ મહારાજે ડી.એફ.ઓ.ને પાઠવેલા પત્રના અંતે સત્વરે આ તમામ ગેરકાયદેસર કામો બંધ કરાવવાની માંગણી સાથે જો આ અંગે ઘટતું કરવામાં નહીં આવે તો સાધુ સંતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન સાથે હાઈકોર્ટમાં ઘા કરવાની ચિમકી ઉચ્ચારી છે.

No comments: