Friday, July 13, 2012

પૌષ્ટિકતાની દ્રષ્ટિએ નં. ૧ છે ગુજરાતની આ ‘રજવાડી’ ભાજી.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 11:27 PM [IST](09/07/2012)

- ચોમાસાના આરંભે એકાદ મહિનો જોવા મળતી આ ભાજી સ્વાદ અને પૌષ્ટિકતાની દ્રષ્ટિએ નં. ૧

ગીર જંગલ વન્ય સૃષ્ટિનો ખજાનો છે. એમાં પણ ચોમાસાની શરૂઆત થાય તે સાથે અહિંની વનસ્પતિ સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસાની શરૂઆત થાય તે સાથે જ ગીર તથા ગીરકાંઠામાં વચેટીની ભાજી ઉગી નીકળે છે. રજવાડી સ્વાદ ધરાવતી આ ભાજી પૌષ્ટિક પણ એટલી જ છે.

ગીરના માલધારીઓ મહેમાન આવે તો તેને ખીર-પુરીની સાથે આ ભાજીનું રજવાડી ભોજન પીરસે છે. ચોમાસાના આરંભે એકાદ મહિનો જ આ ભાજી જોવા મળે છે. શહેરી વિસ્તારમાં વસતા લોકો સામાન્ય રીતે બજારમાં મેથી, તાંજળીયો, પાલક વગેરે પ્રકારની ભાજી બજારમાંથી ખરીદે છે. પરંતુ ગીર જંગલમાં એવી અનેક ભાજી થાય છે કે જેનો અહિંના લોકો ખાવામાં ઉપયોગ કરે છે પરંતુ શહેરી વિસ્તારના લોકોને તે જોવા પણ મળતી નથી. અથવા તો ભાગ્યે જ જોવા મળે છે. ગીરમાં હાલ વચેટીની ભાજીની સીઝન ચાલી રહી છે.

ચોમાસાની શરૂઆત થાય તે સાથે જ આ ભાજી ડુંગરાળ અને અંતરીયાળ વિસ્તારમાં ઉગી નીકળે છે. ગીર જંગલ ઉપરાંત ગીર કાંઠાના ગામોમાં પણ આ ભાજી નઝરે પડે છે. ગીરના માલધારીઓ આ ભાજી હોંશે હોંશે ખાય છે. સ્વાદીષ્ટ એવી આ ભાજી પૌષ્ટિકતાની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. માલધારીઓ મહેમાન આવે ત્યારે ખીર-પુરીની સાથે મહેમાનને આ ભાજી પણ અચુક ખવડાવે છે.

ચોમાસુ શરૂ થાય ત્યારથી એકાદ મહિના સુધી આ ભાજી સરળતાથી મળે છે. અભરામપરાના ખેડૂત કમલેશભાઇ નશીત અને સાવરકુંડલાના દિલીપભાઇ જીરૂકાએ જણાવ્યુ હતું કે ભારે વરસાદ પડવાની સાથે જ તે અદ્રશ્ય થવા લાગે છે.

- ભાજી માટે ડુંગરાઓ ખુંદવા પડે છે

વચેટીની ભાજી ખાંભાના હાથીયા તથા મીતીયાળાના મોમાઇ ડુંગરમાં ઘણી સારી માત્રામાં મળી આવે છે. આ વિસ્તારમાં માલઢોર ચારતા રબારીઓ કે દેવીપૂજકો મહામહેનતે આ ભાજી ભેગી કરે ત્યારે સારી કિંમતે વેચાઇ પણ જાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-gujrati-veg-no-3500640.html

No comments: