Source: Bhaskar News, Amreli | Last Updated 12:37 PM [IST](23/07/2012)
- નાગેશ્રી પાસે સિંહ દર્શન પ્રસંગે માથાકૂટ થઇ હતી - સોલંકીના પુત્ર, જમાઇ અને કમાન્ડો સહિત બાર સામે વળતી ફરિયાદ નોંધાઇ
ખાંભા તાલુકાના મોટા બારમણ નજીક ગઇકાલે સિંહ જોવાના મુદ્દે ધારાસભ્ય હિરાભાઇ સોલંકીના પરિવાર અને નાગેશ્રીના કાઠી યુવાનો વચ્ચે મારામારી થયા બાદ ધારાસભ્યના પરિવારની કારમાં તોડફોડ કરનાર સાત યુવાનોની આજે ખાંભા પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ સામાપક્ષે નાગેશ્રીના યુવકની ફરિયાદ પરથી ધારાસભ્યના પુત્ર, જમાઇ, કમાન્ડો સહિત બાર શખ્સો સામે હુમલો કરવા સબબ ફરિયાદ નોંધાઇ છે.
નાગેશ્રીમાં દેવીપુજક આધેડને સિંહે ફાડી ખાધા બાદ આ સિંહ પાંજરે પુરાતા ધારાસભ્ય હિરાભાઇ સોલંકીના પરિવાર પર આ સિંહ જોવા જવાના મુદ્દે હુમલો થયો હતો. અને તેમની કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બારામાં ગઇકાલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજે જાફરાબાદ પોલીસે અજય બાવકુભાઇ વાળા, કિરણ બાબુભાઇ વરૂ સહિત સાત યુવાનોની ધરપકડ કરી હતી. જે તમામ સામે આ ફરિયાદ નોંધાઇ હતી.
બીજી તરફ નાગેશ્રીના અજયભાઇ બાવકુભાઇ વાળાએ ખાંભા પોલીસ મથકમાં નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે ધારાસભ્ય હિરાભાઇ સોલંકીનો પુત્ર ઉપરાંત જમાઇ ચેતન શિયાળ, ડ્રાઇવર મુંગી, મનોજ શિયાળ, જીતુ મકવાણા તથા હિરાભાઇનો પ્રાઇવેટ કમાન્ડો અને અન્ય છ અજાણ્યા શખ્સો મળી બાર શખ્સોએ તેના પર હુમલો કરી માથામાં પાઇપનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. એટલુ જ નહી હિરાભાઇ સોલંકીના કમાન્ડોએ પોતાના હથિયારથી પેટમાં ઘુસ્તા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
સમગ્ર મામલો સિંહ જોવા જવાના મુદ્દે બિચકયો હતો. સિંહને જ્યારે જસાધાર લઇ જવાતો હતો. ત્યારે ટ્રેકટરની પાછળ પાછળ નાગેશ્રીના અનેક યુવાનો મોટર સાઇકલ લઇને ચાલતા હતા. ટ્રેકટરને મોટા બારમણ નજીક નાળમાં ઉતારી સિંહનું પાંજરૂ ટ્રેકટરમાંથી ટેમ્પામાં લેવાની તજવીજ ચાલતી હતી ત્યારે હિરાભાઇના પુત્ર અને જમાઇની કાર યુવાનોએ તે દિશામાં જવા ન દેતા બઘડાટી બોલી હતી. પોલીસ દ્રારા હજુ સુધી સામેના પક્ષના એકપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.
No comments:
Post a Comment