Friday, May 31, 2019

સિંહણને ખાનગી પશુ તબીબ દ્વારા સારવાર અપાયાની ઘટનામાં વનવિભાગની દોડધામ

DivyaBhaskar News Network

May 06, 2019, 05:50 AM IST
તુલસીશ્યામ રેન્જ ના રબારીકા રાઉન્ડ નીચે આવતા દલડી વિડીમાં ગત તા. 25 અને 26 એપ્રિલના એક ત્રણ બચ્ચાવાળી સિંહણ બીમાર હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવી હતી.આ સિંહણ જ્યારે રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે વનવિભાગના વેટરનરી ડોક્ટર પણ હાજર ન હતા. અને સિંહણ પાંજરે પુરાઈ ગઈ હતી. બાદમાં રેન્જના અધિકારી દ્વારા સિંહણ પાંજરે પુરાઈ ગઈ હોવાનું વેટરનરી ડોક્ટરને જાણ કરી હતી પરંતુ તેઓ ત્યાં પહોંચી શકે તેમ ન હોવાથી દલડી નજીક આવેલ હનુમાનપુરમાં એક ખાનગી દુધાળા પશુઓને બીજદાન કરતા પશુ ડોક્ટર ભૌતિક બોડા રહે છે તેમને આ સિંહણના જરૂરી નમુના લેવા માટે લાવવામાં આવ્યા હતા.

તેઓ દ્વારા સિંહણને રિંગ પાંજરા બાદ નાના પાંજરામાં ભીડો લગાવી નમુના લીધા હોવાની કબૂલાત પણ કરી હતી. આ સિંહણની સારવાર કોના કહેવાથી કરવામાં આવી હતી ? કોણ કોણ હાજર હતું ? તે તમામ ઘટના અંગે તે જાહેર કરી ચૂકયા છે. ત્યારે આ સિંહણની સારવારની ઘટનાને લઈ આ રાઉન્ડના વિડી ચોકીદાર સોમતભાઈ પણ ખાનગી ડોક્ટર દ્વારા સિંહણના નમુના અને સારવાર આપવામાં આવી હોવાનું અખબારી નિવેદનમા આપી ચૂકયા છે. આ ઘટનામાં બેદરકારી દાખવનાર તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ તેમજ વેટરનરી ડોક્ટર વામજા અને રબારીકા રાઉન્ડનો સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં ઉચ્ચ અધિકારીઓને રસ જ નથી તેવું હાલ જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં બેજવાબદારી દાખવનાર પણ હાલ ઘટના ઉપર પડદો પાડી દેવા માટે દોડધામ કરી રહ્યા છે. બીજી તરફ જે ખાનગી ડોક્ટર અને વિડી ચોકીદાર દ્વારા આ ઘટના જાહેર કરી છે. તેમના નિવેદન ફેરવી નાખવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-event-of-a-lioness-being-treated-by-a-private-veterinary-doctor-forest-department-runs-055043-4492449-NOR.html

No comments: