DivyaBhaskar.com
May 04, 2019, 10:39 AM IST
- સિંહણને બેભાન કર્યા વગર જ નમુના લેવાયા, સિંહોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો
ખાંભા: ખાંભા તાલુકાના દલડી વિડીમાં ગત તા.25 એપ્રિલ
અને 26 એપ્રિલના રોજ એક બિમાર સિંહણને સારવાર માટે રેસ્ક્યુ કરવામાં આવી
હતી. આ સિંહણને 24 કલાકમાં સારવાર માટે ત્રણ વખત રેસ્ક્યુ કરવામાં આવી હતી.
જ્યારે પ્રથમ વખત રેસ્ક્યુ કર્યા બાદ વેનેટરી ડોક્ટર ન આવવાથી સિંહણને
છોડી મુકવામાં આવી હતી. બાદમાં બીજી વાર સિંહણને રેસ્ક્યુ કરી રિંગ પાંજરે
પૂરવામાં આવી હતી અને આ રિંગ પાંજરામાં બીજુ પાંજરું મૂકી ભીડો આપી બેભાન
કર્યા વગર જ સિંહણના નમૂના હનુમાનપુરના ખાનગી પશુ ડોક્ટર દ્વારા લેવામાં
આવ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જ્યારે તુલસીશ્યામના ભાણીયા રેન્જમાંથી 2 વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો
હતો.સિંહણને ઝાડા તેમજ ઉલટીનું વાયરલ ઇન્ફેકશન લાગી ગયું હતું
તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતી રબારીકા ગ્રાસ બીટની દલડી વિડી વિસ્તારમા ત્રણ સિંહબાળની બીમાર માતા સિંહણનું ગત તા. 25 એપ્રિલ 2019 રાત્રીના અને 26 એપ્રિલ 2019 વહેલી સવારે બે વખત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે આ સિંહણને ઝાડા તેમજ ઉલટીનું વાયરલ ઇન્ફેકશન લાગી ગયું હતું અને તેની સારવાર જરૂરી હતી. તેના માટે તુલસીશ્યામ રેન્જ આરએફઓ પરિમલ પટેલ અને રબારીકા રાઉન્ડ સ્ટાફની હાજરીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સિંહણને રેસ્ક્યુ બાદ વનવિભાગ દ્વારા નિયુક્ત કરેલા વેનેટરી ડોક્ટર દ્વારા સિંહણની સારવાર અને નમૂના લેવાને બદલે અમરેલી જિલ્લાના એક ખાનગી ડેરી દ્વારા દુધાળા પશુઓને બીજદાન માટે નિયુક્ત કરેલા પશુ ડોક્ટર એવા હનુમાનપુરના ભૌતિક બોડા દ્વારા આ બીમાર સિંહણના નમૂના અને સારવાર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે સિંહપ્રેમી સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં પુરાવા સાથે રજૂઆત અને તપાસની માંગ કરવામાં આવતા હાલ તુલસીશ્યામ રેન્જમાં આ ઘટનામાં સંડોવાયેલા વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ બહાર કેમ નીકળવું તેનો રસ્તો કાઢવા મથામણમાં પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પશુ ડોક્ટર ભૌતિક બોડા સાથે સીધી વાત
સવાલ-1 : તબીબ ભૌતિક બોડા દલડી વિડીમાં ગત તા. 25 એપ્રિલ અને 26 એપ્રિલ ના રોજ ત્રણ સિંહબાળ સાથે સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ?
જવાબ : હા 25 એપ્રિલના રાત્રીના 9 વાગ્યે અને 26 એપ્રિલના વહેલી સવારે 2.30 થી 4 વાગ્યાની વચ્ચે સિંહણને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સવાલ: આ સિંહણને રેસ્ક્યુ બાદ સારવાર આપવામાં તેમજ નમૂના લેવામાં આવ્યા હતા?
જવાબ: હા સિંહણને જ્યારે પહેલી વખત રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે સારવાર કે નમૂના લેવામાં નથી આવ્યા વહેલી સવારે બીજી વખત રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે તેના લોહીના તેમજ અન્ય નમૂના લેવામાં આવ્યા હતા અને સામાન્ય સારવાર આપવામાં આવી હતી.
સવાલ: સિંહણને પાંજરે પૂરી સિંહણના લોહીના તેમજ અન્ય નમૂના અને સારવાર કોના દ્વારા કરવામાં આવી હતી?
જવાબ: આ સિંહણને રિંગ પાંજરામાં પુરી અંદરના બીજા નાના પાંજરામાં ભીડો મારી સિંહણના લોહીના તેમજ અન્ય નમૂના લેવામાં આવ્યા હતા અને સારવાર મારા દ્વારા કરાઇ હતી.
સવાલ: સિંહણના નમૂના લેવામાં અને સારવાર કરવામાં વનવિભાગના વેનેટરી ડોક્ટર હાજર હતા કે નહીં?
જવાબ: સિંહણના નમૂના લેવામાં અને સારવાર કરવામાં વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજા હાજર ન હતા તેઓ પોતાના કામથી બહાર ગયા હતા.
સવાલ: સિંહણના લોહીના તેમજ અન્ય નમૂના અને સારવાર કોના કહેવાથી આપ દ્વારા આ કામગીરી કરવામા આવી હતી?
જવાબ: હું હનુમાનપુર ખાતે મારા ઘર પર હતો અને ત્યારે વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજા દ્વારા મને ટેલિફોનિક સૂચના આપી અને તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલના કહેવાથી મેં સિંહણના નમૂના લીધા હતા અને સારવાર આપી હતી.
સવાલ: સિંહણના નમૂના લીધા તેમજ સારવાર કરવામાં આવી ત્યારે વનવિભાગના સ્ટાફમાં કોણ કોણ સ્થળ ઉપર હાજર હતુ?
જવાબ: સિંહણની સારવાર કરી ત્યારે સ્થળ ઉપર રેન્જર પરિમલ પટેલ, રબારીકા રાઉન્ડના સૌંદરવા તેમજ રબારીકા રાઉન્ડનો અન્ય સ્ટાફ હાજર હતો.
સવાલ: સિંહણને પાંજરે પૂર્યા બાદ નમૂના લેવા અને સારવાર આપવા માટે બેભાન કરવામાં આવી હતી કે નહીં?
જવાબ: સિંહણને જ્યારે રેસ્ક્યુ કરી નમૂના લેવા અને સારવાર આપવા માટે બેભાન કરવામાં આવી ન હતી અને જીવિત અવસ્થામાં જ નમૂના લેવામાં અને સારવાર આપવામાં આવી હતી.
સવાલ: આવી રીતે વનવિભાગની અનમાત વિડીમાં જઈ જીવિત સિંહણની આપ દ્વારા સારવાર આપવી અને નમૂના લેવા ગુન્હો છે તે આપને ખ્યાલ છે?
જવાબ: હા વનવિભાગની અનામત વિડીમાં પરમિશન વગર સિંહણની સારવાર અને નમૂના લેવા ગુન્હો છે. પરંતુ હું પોતે ગયો નથી. મને ડોક્ટર વામજા અને આરએફઓ પરિમલ પટેલના કહેવાથી મેં આ કામગીરી કરી છે તે તેની જવાબદારી છે.
સવાલ: સિંહણની સારવાર અને નમૂના માટે જરૂરી મેડિસિન અને દવા આપની પાસે ક્યાંથી આવી ?
જવાબ: સિંહણની સારવાર અને નમૂના લેવા માટે દવા ઘારી કચેરી ખાતેથી ડોક્ટર વામજા દ્વારા ગોઠવણ કરી આપવામાં આવી હતી. અને આરએફઓ પરિમલ પટેલ લઈ આવ્યા હતા સ્થળ ઉપર.
સવાલ : સિંહણના કેવા પ્રકારના નમૂના લેવામાં આવ્યા હતા? અને નમૂના કયાં મોકલવામા આવ્યા હતા?
જવાબ: સિંહણના લોહીના અને હગારના નમુના લેવામાં આવ્યા હતા. અને તેને ક્યાં લઈ ગયા તેની જાણકારી પરિમલ પટેલ પાસે હશે.
તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડના બીટ-2માંથી સિંહણનો મૃતદેહ મળ્યો
તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડ પાછલા ઘણા સમયથી ધણીધોરી વગરનો બન્યો છે. અહીં ત્રણ માસમાં 1 સિંહણ અને એક સિંહબાળના મોત થઈ ચૂક્યા છે. ત્યારે ભાણીયા રાઉન્ડ બીટ વિભાગ 2 સેન્ચ્યુરીમાંથી વધુ એક 2 વર્ષની સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણકારી રેન્જ કચેરીએ મળી હતી. ત્યારે ગત રાત્રીના જ સિંહણના મૃતદેહને કબજે લેવા માટે રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સિંહણના પાછળના ભાગે તેમજ ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. જ્યારે તપાસ હાથ ધરવામા આવતા સિંહણનું ઇન્ફાઈટમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/news/private-doctor-treatment-of-lioness-in-daladi-1556946513.html
No comments:
Post a Comment