Friday, May 31, 2019

કાંકચીયાળા ગામમાં દિપડાએ ઘરમાં ઘૂસી વૃદ્ધાને ફાડી ખાધા

DivyaBhaskar News Network

May 29, 2019, 06:25 AM IST
વિસાવદર તાલુકાનાં કાંકચીયાળા ગામે એક દિપડાએ રાત્રિનાં સમયે ઘરમાં ઘૂસી વૃદ્ધાને ફાડી ખાધા હતા. દિપડો મધરાત્રે દોઢેક વાગ્યાના અરસામાં પાડોશીના ઘરના નળિયા પરથી વૃદ્ધાના ઘરમાં આવી ચઢ્યો હતો. અને ખાટલામાં સૂતેલા વૃદ્ધાને દબોચી લીધા હતા. સવારે દરવાજો ન ખુલતાં પાડોશીને શંકા ગઇ હતી અને બાજુના મકાનની અગાશી પર ચઢીને જોતાં લોહીનું ખાબોચિયું દેખાયું હતું. આથી સમગ્ર ઘટના બહાર આવી હતી.

કાંકચીયાળા ગામે શારદાબેન સમજુભાઇ વાવૈયા (ઉ. 52) નામની વૃદ્ધા એકલી જ રહે છે. તેઓ ગઇકાલે રાત્રે પોતાના ઘરમાં સુતા હતા. અને આજે સવારે તેઓએ ઘરનો દરવાજો ન ખોલતાં પાડોશીઓએ બાજુના મકાનની અગાશી પર ચઢી તેમના ઘરમાં નજર કરતાં લોહીનું ખાબોચિયું નજરે ચઢ્યું હતું. આથી કોઇ અજૂગતી ઘટના બની હોવાની આશંકાથી લોકોએ તેમના ઘરમાં જઇને જોતાં તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. ઘરમાં દિપડાના ફૂટમાર્ક પણ જોવા મળતાં રાત્રે દિપડાએ તેમને ફાડી ખાધાનું સ્પષ્ટ થયું હતું. બનાવ અંગે લોકોએ વનવિભાગને જાણ કરતાં આરએફઓ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી તેને પીએમ માટે મોકલી આપ્યો હતો. દરમ્યાન પ્રાથમિક તપાસમાં દિપડો બાજુના મકાનના નળિયા પરથી શારદાબેનના ઘરમાં ઘૂસી આવ્યાનું અને બાદમાં ઓસરીમાંજ ખાટલા પર સુતેલા શારદાબેનને ફાડી ખાધાનું જાણવા મળ્યું છે. વનવિભાગે આ માનવભક્ષી બનેલા દિપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે. લોકોમાં ભારે રોષ છવાયો છે. અને દિવસે ખેતરમાં રોઝ, ભૂંડ, જેવા પ્રાણીઓનો ત્રાસ પછી રાત્રે ઘરમાં પણ હિંસક પ્રાણીઓ ત્રાસ વધ્યો છે.

વૃદ્ધાની ફાઈલ તસ્વીર

લોહીભીના વાસણો અને ખાટલો નજરે ચઢે છે. - તસ્વીર : ભાસ્કર

3 માસમાં માનવી પર હુમલાના 7-8 બનાવ

3 માસમાં વિસાવદર પંથકમાં જ વન્ય પ્રાણીઓ દ્વારા માનવી પર હુમલાના 7 થી 8 બનાવો બન્યા છે. જેમાં 2 માનવી જીંદગીનો ભોગ લેવાઇ ગયો છે.

ખભાથી પીઠ સુધીનો ભાગ ફાડી ખાધો

દિપડાએ શારદાબેનના ખભાથી નીચે છેક પીઠ સુધીના આખા ભાગને ફાડી ખાધાનું જાણવા મળ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-in-the-village-of-kankyakayal-deepa-broke-the-old-woman-entreated-062509-4649237-NOR.html?sld_seq=3

No comments: