Thursday, April 30, 2020

સ્વાદ રસિયાઓ સુધી પહોંચવા કેસર કેરી તૈયાર, પણ ટ્રાન્સપોર્ટેશનના અભાવે માલ પડ્યો રહેતા ખેડૂતોને 100 કરોડનું નુકસાન

  • લોકડાઉનના પગલે તૈયાર બોક્સની સપ્લાય થઈ રહી નથી
  • તાલાલામાં 10 મે આસપાસ કેસર કેરી માટે મેંગો માર્કેટ ખુલી જશે

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 03:00 AM IST

ગીરસોમનાથ. સમગ્ર વિશ્વમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર કેસર કેરીની મધુરતા આ વર્ષે બાગાયતી ખેડૂતો માટે કડવી બની ગઈ છે. એક તરફ વાતાવરણમાં વારંવાર આવી રહેલા બદલાવ, કમોસમી વરસાદ અને ઝાકળવર્ષાને કારણે પાક પર વિપરીત અસર થઇ છે. પાકમાં ધરખમ ઘટાડો થયો છે. સાથે આંબામાં ખરલની સમસ્યા પણ ઉભી થઇ છે. ખરલની સમસ્યામાં કેરી આંબામાંથી આપોઆપ ખરી પડે છે. જેના કારણે પણ પાક ઓછો થયો છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ હોવાના કારણે અંદાજિત 100 કરોડની નિકાસને પણ ફટકો પડયો છે. સ્વાદ રસિયાઓ સુધી પહોંચવા માટે કેરી તૈયાર છે પણ ટ્રાન્સપોર્ટેશનના અભાવે ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઇ છે. મહાનગરોમાં કોરોના વાઇરસનો વધુ કહેર છે ત્યારે મોટા બજાર નથી મળી રહ્યા અને ટ્રાન્સપોર્ટ પણ નહીંવત હોવાના કારણે માલને ક્યાં વેચવો તે પણ સમસ્યા સર્જાઇ છે. 


ઇજારેદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં આંબાવાડીઓને વાર્ષિક ધોરણે લિઝ પર અપાય છે અને ઇજારેદારો દ્વારા ખેડૂતને પૈસા આપીને વર્ષ માટે ભાડે લેવાય છે. તેમાં મહાનગરોના વેપારીઓ પણ પૈસા રોકે છે. ત્યારે ઇજારેદારો માટે કેરીના પાકને બજાર સુધી કેમ મોકલવો એ પ્રશ્ન સામે આવ્યો છે અને ઇજારેદારો અને વેપારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવતા કરોડોનું નુકસાન થવાની સંભાવના વધી છે. કેસર કેરીને 10 કિલો અને 20 કિલોના પેકેજીંગ દ્વારા સપ્લાય કરાય છે. પરંતુ લોકડાઉનના પગલે તૈયાર બોક્સની સપ્લાય થઈ રહી નથી. તેના કારણે પણ સમસ્યા સર્જાય છે. 
તાલાલામાં 10 મે આસપાસ કેસર કેરી માટે મેંગો માર્કેટ ખુલી જશે. ત્યારે તમામ વેપારીઓ અને ખેડૂતો સરકાર પાસે કેસર કેરીનું બજાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે.


આજના વરસાદથી કેરના પાકને 10 ટકા નુકસાન

જૂનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડાના જણાવ્યા પ્રમાણે આજના વરસાદથી 10 ટકા કેરીને નુકસાન ગયું છે. અગાઉ બે-ત્રણ વખત માવઠા થયા એ નુકસાન પણ અલગ. આના લીધે મોર ખરી પડે છે અને બગડી જાય છે. આવનારા 10થી 15 દિવસ કેરી મોડી પણ ખાવા મળે. અગાઉ બે-ત્રણ વખત માવઠા થયા એ નુકસાન પણ અલગ.

(જયેશ ગોંધિયા, ઉના)

https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/transport-service-stop-so-mango-farmer-100-core-loss-in-saurashtra-127258394.html

No comments: