- જિનપુલમાં સિંહના 5 બચ્ચાઓની એક સાથે સારસંભાળ લેવામાં આવશે, CCTVથી મોનીટરીંગ શરૂ
- ગરમીમાં સિંહોને ઠંડક મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી, બંને બચ્ચા તંદુરસ્ત : સાવચેતીના ભાગરૂપે સિંહોને ઉકાળીને અપાઇ છે ખોરાક
દિવ્ય ભાસ્કર
Apr 27, 2020, 05:00 AM ISTપોરબંદર. પોરબંદર જિલ્લાના બરડા સાતવીરડા નેશ જિનપુલ ખાતે એક સિંહણે વહેલી સવારે 2 બચ્ચાને જન્મ આપ્યો છે, બન્ને બચ્ચા તંદુરસ્ત હોવાનું જાણવા મળે છે, હાલ ગરમી હોવાથી સિંહોને ઠંડક મળી રહે તે માટે વનવિભાગ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોરબંદરના બરડા સાતવીરડા નેશ ખાતે, સિંહોની વસ્તી વધે તે માટે જિનપુલ બનાવવામાં આવ્યો હતો, અને સિંહોને યોગ્ય વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ જિનપુલ ખાતે રવિવારે 5 વાગ્યે સિંહણે 2 બચ્ચા ને જન્મ આપ્યો છે, હાલ બન્ને સિંહ બાળ તંદુરસ્ત છે.
સવારે 5 વાગ્યે સિંહણે 2 બચ્ચાને જન્મ આપ્યો
જિનપુલ ખાતે 4 માસ પહેલા સરિતા નામની સિંહણ અને નાગરાજ નામના સિંહ ને સક્કરબાગ ઝુ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને આ જિનપુલ ખાતે એવન નામનો નર સિંહ હતો, ત્યારબાદ શક્કરબાગ ખાતેથી 2 માદા અને 1 નર સિંહ ને જિનપુલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેથી જિનપુલ ખાતે 2 નર અને 2 માદા સિંહો ને રાખવામાં આવ્યા હતા. જેમાંથી એવન નર સિંહ અને માદા સિંહ નું મેટિંગ થતા સિંહણ ગર્ભવતી બની હતી, અને અંદાજે 100 દિવસ બાદ ગઈકાલે રવિવારે વહેલી સવારે 5 વાગ્યે સિંહણે 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. હાલ સિંહણ અને તેના બચ્ચા એક રૂમમાં આવેલા છે. અત્યારે ઉનાળા દરમ્યાન ગરમી હોવાને કારણે વનવિભાગ દ્વારા સિંહો ને ઠંડક મળી રહે તે માટે પાંજરા અને રૂમ ઉપર કપડા રાખી પાણી નો છંટકાવ કરવામાં આવે છે, પાંજરા માં તો સ્પ્રિંકલર સિસ્ટમ છે, જેથી પાણી છંટકાવ થી સિંહોને ઠંડક મળી રહે છે,હાલ એક રૂમમાં સિંહણ અને બન્ને બચ્ચા છે જેથી રૂમમાં ઠંડક રહે તેની વ્યવસ્થા કરી પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. કોરોના ને પગલે સિંહોને પણ ચેપ ના લાગે તે માટે વન વિભાગ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે, અને આસપાસનો વિસ્તાર પણ સેનિટાઈઝ કરવામાં આવે છે. આ જિનપુલ ખાતે અગાઉ પાર્વતી નામની સિંહણ હતી જે બચ્ચાને જન્મ આપતા મૃત્યુ પામી હતી, તેના બદલામાં નવી સિંહણને લાવવામાં આવી હતી. આ સિંહણ ના બન્ને બચ્ચા તંદુરસ્ત હોવાથી આ બન્ને બચ્ચા જિનપુલ ખાતે મોટા થશે.
એક અઠવાડિયા બાદ બચ્ચા નર છે કે માદા તેની ખબર પડશે
જિનપુલ ખાતે સિંહણે 2 બચ્ચાને જન્મ આપ્યો છે, ત્યારે હાલ ત્યાં માત્ર એક જ કર્મી ખોરાક આપવા જાય છે, આ સ્થળે વેટરનરી તબીબ છે, પરંતુ જરૂર જણાય તો જ નજીક જશે, જેથી આ બન્ને સિંહ ના બચ્ચા નર છે કે માદા તે અઠવાડિયા બાદ ખબર પડશે.
સિંહણે 2 બચ્ચા ને જન્મ આપ્યો હતો અને આ સિંહણ તેના બચ્ચાની સંભાળ રાખે છે, અને સિંહણ બચ્ચાને પોતાનું દૂધ પીવડાવે છે, જે ખૂબ સારા સમાચાર છે. - દિપક પંડિયા, વન વિભાગ, અધિકારી
સક્કરબાગથી 3 સિંહબાળ પરત આવશે
જિનપુલ ખાતે અગાઉ સરિતા નામની સિંહણે 4 બચ્ચાને જન્મ આપ્યા હતા, પરંતુ સરિતાને બચ્ચાની સંભાળ લેતા આવડતું ન હતું, અને બચ્ચાને દૂધ પણ પીવડાવી શકતી ન હતી જેથી 2 બચ્ચા મૃત્યુ પામ્યા હતા, તેના 2 બચ્ચા અને પાર્વતી નામની સિંહણનું 1 બચ્ચું સહિત 3 બચ્ચા સક્કરબાગ ખાતે મોકલી આપ્યા હતા, જે 3 બચ્ચાને પણ ફરીથી જિનપુલ ખાતે લાવવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/the-lion-gave-birth-to-2-cubs-at-barda-satveerda-ness-jinpool-127247591.html
No comments:
Post a Comment