- 6 વર્ષ પહેલાં અમરેલીના ત્રાકુડા નામના જે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયા બાદ એજ નામથી ઓળખાયો : ત્રાકુડાની ઉંમર 10 વર્ષની
- તમામ સિંહબાળ સ્વસ્થ અને સિંહણના ખોરાકમાં વધારો કરાયો
દિવ્ય ભાસ્કર
Apr 13, 2020, 05:05 AM ISTજૂનાગઢ. ત્રાકુડા નામના નર થકી છેલ્લા 5 જ દિવસમાં બે સિંહણ ગર્ભવતી બની હતી. એ પૈકીની ડી-1 ને 6 બચ્ચાં જ્યારે ડી-4 નામની બીજી સિંહણને 4 બચ્ચાં જન્મ્યાં છે. આમ ત્રાકુડા થકી 5 દિવસમાં 2 સિંહણને કુલ 10 સિંહબાળ જન્મ્યા છે.આ અંગેની વિગતો આપતાં સક્કરબાગ ઝૂનાં વેટરનરી સર્જન ડો. કડીવાલે જણાવ્યું હતું કે, આજે ડી-4 તરીકે ઓળખાતી સિંહણે 4 બચ્ચાંને જન્મ આપ્યો છે. ચારેય બચ્ચાં નર છે.
ડી-1 તરીકે ઓળખાતી સિંહણે એક સાથે 6 બચ્ચાંને જન્મ આપ્યો
આ સિંહણે પણ ત્રાકુડા નર થકીજ ગર્ભાધાન કર્યું હતું. ગત તા. 8 એપ્રિલે ત્રાકુડા થકી જ ડી-1 તરીકે ઓળખાતી સિંહણે એક સાથે 6 બચ્ચાંને જન્મ આપ્યો હતો. ખુદ ડી-1 સિંહણ પણ તેના છએ બચ્ચાંની બરાબર સંભાળ રાખી રહી છે. છએક વર્ષ પહેલાં અમરેલીના ત્રાકુડા વિસ્તારના જંગલમાં એક સિંહને પગમાં ઇજા થતાં સારવાર માટે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં લવાયો હતો. અને સાજો થયા બાદ તેની ઇજા કાયમી હોવાથી ફરી જંગલમાં છોડી શકાય એમ નહોતો. આથી તેનો ઉપયોગ સંવર્ધન માટે કરવા તેને અહીંજ રખાયો અને ત્યારથી તેનું નામ ત્રાકુડા પડી ગયું. અત્યાર સુધીમાં તેના થકી અનેક સિંહણોએ ગર્ભાધાન કર્યું છે. અસંખ્ય બચ્ચાંનો તે પિતા છે.
5 દિવસમાં સક્કરબાગનો બીજો રેકોર્ડ
5 દિવસ પહેલાં ડી-1 સિંહણને એકસાથે 6 અને બીજી એક સિંહણને 2 બચ્ચાંનો જન્મ થતાં એ વાઇલ્ડ લાઇફમાં આવી ઘટના એક રેકોર્ડ હતો. એ પછી 5 જ દિવસમાં વધુ 4 બચ્ચાં જન્મતાં 10 જ દિવસમાં એકજ ઝૂમાં 21 બાળના ઉમેરાનો બીજો રેકોર્ડ બન્યો છે. આ રેકોર્ડ આગામી દિવસોમાં વધુ સિંહબાળના જન્મ બાદ તૂટે એવી પણ શક્યતા છે.
1998થી સક્કરબાગમાં સિંહનું સંવર્ધન
1863 માં જૂનાગઢના નવાબ મહોબતખાનજી બીજાએ સક્કરબાગ ઝૂની સ્થાપના કરી. ત્યારે ભારતમાં સ્થપાનાર એ બીજું ઝૂ હતું. આજે તે દેશનું ચોથા નંબરનું સૌથી મોટું ઝૂ છે. હાલ તે 84 હેક્ટર એટલેકે, 210 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અને 1998 થી અહીં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સહયોગથી એશિયાટિક સિંહોનું સંવર્ધન થઇ રહ્યું છે.
કયારેક ઓછા સિંહબાળ પણ જન્મી શકે
અમુક વર્ષે ઝૂ માં સિંહણને વધુ બચ્ચા જન્મે તો કયારેક એવું પણ બને કે બહુ ઓછા સિંહબાળ જન્મે આની પાછળ મામુલી પરિબળો પણ કારણભુત બને જે આપણા ધ્યાને પણ ન આવે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lioness-born-four-cub-in-sakkarbaug-zoo-at-junagadh-127156698.html
No comments:
Post a Comment