- લોકડાઉન થતાં રોપ-વે અને જૂનાગઢ બાયપાસનું કામ બંધ
- લોકડાઉનને લીધે રોપ-વેના ઇજનેરો વિદેશથી નહીં આવી શકે
દિવ્ય ભાસ્કર
Apr 08, 2020, 02:15 AM ISTજૂનાગઢ. કોરોનાના લોકડાઉનને પગલે ગિરનાર રોપ-વેની કામગિરી પણ ઠપ્પ થઇ ગઇ છે. ખાસ કરીને તેનો અમુક સરસામાન આવી નથી શકતો. તો વિદેશથી ઇજનેરો ન આવે ત્યાં સુધી ટ્રાયલ પણ નહીં થઇ શકે. આમ કમસેકમ લોકડાઉનની મુદ્દત સુધી તો રોપ વેની કામગિરી ઠપ્પ રહેશે. એજ રીતે જૂનાગઢ બાયપાસની કામગિરી પણ હાલ બંધ કરાઇ છે. હવે લોકડાઉન ખુલે ત્યાં સુધી વાટ જોયા સિવાય આરો નથી.
ગિરનાર રોપ-વેના પોલ ઉભા કરવાની ઘણીખરી કામગિરી પૂરી થઇ ગઇ છે.
બાકીનું 9 ટકા કામ પૂરું કરવા જરૂરી સરસામાન હમણાં આવી શકે એમ નથી
લગભગ 91 ટકા જેવું કામ પૂર્ણ થઇ ગયું છે. પણ બાકીનું 9 ટકા કામ પૂરું કરવા જરૂરી સરસામાન હમણાં આવી શકે એમ નથી. વળી તેની ટ્રાયલ પણ થશે. એ માટે ડોપલમેર કંપનીના વિદેશથી આવનાર ઇજનેરો પણ કોરોનાને લીધે આવી નહીં શકે. જ્યારે કોરોનાનો કહેર દુર થાય અને ભારત આવતી ફ્લાઇટો શરૂ થાય પછીજ તેઓ આવી શકશે. ત્યાં સુધી રોપ-વેની કામગિરી આગળ ધપવાની નથી. જોકે, આ મામલે ઉષા બ્રેકોના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. પણ લોકડાઉન ખૂલ્યા બાદ પણ તેની કામગિરી તુરંત શરૂ થાય એવી શક્યતા પણ ઓછી છે. અત્યારે અંબાજી ખાતે અપર સ્ટેશનનું કામ કંપલીટ થઇ ગયું છે. તો અમુક સ્થળે પોલના માળખાનું કામ પણ અધૂરું છે. આમ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવાને અત્યારે તો કોરોનાનું ગ્રહણ નડી રહ્યું છે.દરમ્યાન જૂનાગઢ બાયપાસની કામગિરી પણ અધૂરી છે ત્યાંજ કોરોનાને લીધે લોકડાઉન જાહેર થતાં એ કામગિરી પણ અટકી પડી છે.
રોપ-વે માટે ખાસ પરવાનગી માંગીશું
^15 એપ્રિલથી લોકડાઉન ન ખૂલે તો એવા સંજોગોમાં ગિરનાર રોપ-વેનું કામ ન અટકે એ માટે અમે ખાસ પરવાનગી આપવા અમે જરૂર પડ્યે સરકારને રજૂઆત કરીશું.-યોગી પઢિયાર, પૂર્વ સભ્ય, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
ક્યા કામો બાકી ?
1100 પગથિયાં પાસેનો ટાવર સૌથી હેવી અને જમ્બો હશે. આ ટાવરના માળખાની કામગિરી હજુ અધૂરી છે. એ લોકડાઉન ખુલ્યા બાદ શરૂ થશે. અપર સ્ટેશનથી અંબાજી મંદિર સુધીની જગ્યામાં પગથિયાં, વોક વે અને ટોઇલેટ બ્લોક જેવા કામો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. 60 લાખના ખર્ચે થઇ રહ્યા છે. લોકડાઉનમાં આ કામો પણ અટક્યા છે.
ઓસ્ટ્રિયાના બે ઇજનેરો પરત ગયા
દેશભરમાં કોરોનાનો કહેર શરૂ થતાંજ ગિરનાર પર રોકાયેલા ઓસ્ટ્રિયાના બે ઇજનેરોને પરત મોકલી દેવાયા હતા. હવે લોકડાઉન ખુલ્યા બાદ તેઓ પરત આવશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/corona-reaction-127125349.html?art=next
No comments:
Post a Comment