Thursday, April 30, 2020

6 દિવસમાં ઝૂ અને આંબરડી પાર્કમાં 9 બચ્ચાંનો જન્મ


lioness born three cub in dhari aabaradi safari park

  • જૂનાગઢ સક્કરબાગ અને આંબરડી પાર્કમાં સિંહણે ત્રણ- ત્રણ બચ્ચાને જન્મ આપ્યો :  આંબરડીની સિંહણના ત્રણેય બચ્ચાને જૂનાગઢ ઝૂ માં લાવ્યા

દિવ્ય ભાસ્કર

Apr 07, 2020, 04:25 AM IST

અમરેલી. ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપતા સિંહપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અગાઉ આંબરડી સફારી પાર્કમાં જ સિંહણે પોતાના બચ્ચાને મારી નાખ્યાનો બનાવ બન્યો હતો. આથી આ વખતે બચ્ચાને વન વિભાગ દ્વારા છૂટા કર્યા છે અને બચ્ચાના ઉછેર માટે સક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે વધુ ત્રણ સિંહબાળ જન્મ્યા છે. આથી આંબરડી પાર્ક અને સક્કરબાગ ઝૂ મળીને 6 બચ્ચા એક જ અઠવાડિયામાં જન્મતા સિંહપ્રેમીઓમાં આનંદની લાગણી છે. 

આંબરડી સફારીપાર્કમાં એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

કોરોનાની દહેશત અને લોકડાઉનમાં લોકોની ચિંતાનો પાર નથી. પણ પ્રકૃતિના બીજા જીવોને માણસની હડીયાપાટી અટકી પડી હોવાથી મજા પડી ગઇ છે. પ્રકૃતિ તેના નિયમ મુજબ જ ચાલી રહી છે. અને એટલે જ સાવજપ્રેમીઓ માટે ખુશીના સમાચાર એ આવ્યા છે કે આંબરડી સફારીપાર્કમાં એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ ત્રણેય બચ્ચાને હાલમાં જુનાગઢના સક્કરબાગ ઝૂમાં મોકલી દેવાય છે. જ્યાં અન્ય એક સિંહણે પણ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે.તાજેતમાં અમરેલી પંથકમાં સાવજોના મોતની ઘટનાઓ જ બહાર આવી રહી હતી. આ વિસ્તારમાં છેલ્લા દોઢ માસમાં 14 સાવજોનાં મોતની ઘટના બની છે. પણ હવે નવા સાવજોના જન્મના સારા સમાચાર પણ આવ્યા છે.

બચ્ચાના ઉછેરની બાબતમાં આ સિંહણનો ભુતકાળ ખરડાયેલો છે

વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આંબરડી સફારી પાર્કમાં  સિંહણ શૈલજાએ એક સાથે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. કોરોનાની મહામારીના કારણે હાલમાં આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તેવા સમયે જ અહીંની ગર્ભવતી સિંહણ શૈલજાએ આ ત્રણ સિંહબાળને જન્મ આપ્યો છે.જો કે બચ્ચાના ઉછેરની બાબતમાં આ સિંહણનો ભુતકાળ ખરડાયેલો છે. અગાઉ તેણે એક બચ્ચાને જન્મ આપ્યા બાદ તેને મારી નાખ્યુ હતું. જેને પગલે વન વિભાગે કોઇ જોખમ ન ઉઠાવતા આ વખતે ત્રણેય નવજાત સિંહબાળને તેની માતાથી વિખુટા કરી દીધા છે. આ ત્રણેય સિંહબાળને હાલમાં માતાથી અલગ જુનાગઢના સક્કરબાગ ઝુ ખાતે ખસેડી દીધા છે.

પાછલા કેટલાક સમયથી સાવજોના મોતની ઘટનાઓ સતત બની રહી

વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે સક્કરબાગમાં પણ એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ ડી. 11 સિંહણ જીનપુલ પ્રોગ્રામ હેઠળ જંગલમાંથી ઝુમાં લાલવામાં આવી હતી. આમ અહીં નવા છ બચ્ચાનો જન્મ થયો છે. અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં પણ સાવજોની મોટી વસતિ છે. અને પાછલા કેટલાક સમયથી સાવજોના મોતની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે હવે નવા સિંહબાળના જન્મથી પ્રકૃતિએ તેની ભરપાઇ કરી છે.

જૂનાગઢ સક્કરબાગમાં બે સિંહણે 6 દિવસમાં 6 બચ્ચાને જન્મ આપ્યો

આંબરડીમાં ત્રણ અને સક્કરબાગમાં ત્રણ મળી છ બચ્ચાનો એક સાથે જન્મ થયો છે. ઉપરાંત એક સપ્તાહ પહેલા પણ સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હોય એક જ સપ્તાહમાં સાવજોની સંખ્યામાં નવનો વધારો થયો છે.
પ્રસુતા સિંહણનો ખોરાક,એક કિલો વધારાયો
આંબરડી પાર્ક અને સક્કરબાગ ઝૂમાં ત્રણ બચ્ચાને જન્મ આપનાર સિંહણની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમને પહેલા 5 કિલો ખોરાક આપવામાં આવતો હતો. તેમાં 1 કિલોનો વધારો કરી 6 કિલો ખોરાક કરી દેવામાં આવ્યો છે તેમજ તમામ મિનરલ્સ અને વિટામિન પણ આપવામાં આવે છે.
Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/lioness-born-three-cub-in-dhari-aabaradi-safari-park-127118735.html

No comments: