Thursday, March 18, 2010

સિંહ-વાઘના શિકારીને દસ વર્ષની કેદ,એક કરોડનો દંડ.

Wednesday, Feb 24th, 2010, 3:22 am [IST]

Gautam Purohit, Gandhinagar
વન્યપ્રાણીના શિકારીને આકરી સજા માટે કાયદો ઘડાશે

છેલ્લાં ૨૫ વર્ષમાં ૨૬૦૦ જેટલા વાઘનો શિકાર થયો છે, અભયારણ્યોમાં શિકાર અટકાવવા કાયદાઓમાં ધરખમ ફેરફારોની તૈયારી, ગાંધીનગરમાં નેશનલ વાઇલ્ડ લાઇફના ૨૨ ફિલ્ડ ઓફિસરોનું ચિંતન

ભારતમાં શિકારી ગેંગ દ્વારા જુદા જુદા ૩૯ જેટલા વાઘના રક્ષિત અભયારણ્યોમાં કરવામાં આવતા શિકારના ગુનાઓ અટકાવવા કેન્દ્ર સરકાર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એકટના શિડ્યુલ વનમાં ધરખમ ફેરફાર કરીને વાઘ અને સિંહની હત્યાના ગુનામાં સજાની જોગવાઈ પાંચ વર્ષથી વધારીને ૧૦ વર્ષ સુધી કરવા જઈ રહી છે. એટલું જ નહીં દંડની જોગવાઈ પણ એક કરોડ સુધીની વધારવાનું વિચારી રહી છે.

ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે હાલ ‘નેશનલ વાઇલ્ડ લાઇફ : ક્રાઇમ મેનેજમેન્ટ એન્ડ પ્રિવેન્શન’ વિષય પર રાષ્ટ્રીય શિબિર યોજવામાં આવી છે. જેમાં રણથંભોર, જિમ કોર્બેટ પાર્ક, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મઘ્યપ્રદેશ, સુંદરવન, સિમીવિયાલ જેવા અભયારણ્યોમાં વાઘના રક્ષણ માટે ફરજ બજાવી રહેલા વન વિભાગના ૨૨ ફિલ્ડ ઓફિસરો ઉપરાંત નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)ના વરિષ્ઠ અધિકારીઓ વન્યપ્રાણીઓ વિશે બંધબારણે ચિંતન કરી રહ્યા છે.

નેશનલ વાઇલ્ડ લાઇફના ફિલ્ડ ઓફિસરોના જણાવ્યા મુજબ, વાઘ અને સિંહનો વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટના શિડ્યુલ-૧માં સમાવેશ થાય છે. આ વન્યજીવોની શિકારની ઘટનાઓ રોકવા કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રાલય કેદની સજાની જોગવાઈ હાલની પાંચ વર્ષથી વધારીને ૧૦ વર્ષ સુધી કરવા માગે છે. ઉપરાંત ફરીથી કોઈ વન્યપ્રાણીના શિકારની હિંમત ન કરે તેટલી હદે દંડની જોગવાઈ પણ વધારવામાં આવશે. આ માટે એક કરોડ સુધીના દંડની ભલામણ છે. સંસદમાં આ અંગેનો કાયદા સુધારો મંજૂર કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ૧૯૮૪માં ૪૦૦૫ વાઘ હતા પરંતુ શિકારની વધતી જતી ઘટનાઓના કારણે હાલમાં માત્ર ૧૪૧૧ જેટલા વાઘ બચ્યા છે. આમ ૨૫ વર્ષમાં ૨૬૦૦ જેટલા વાઘનો શિકાર થઈ ચૂક્યો છે. જો કે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે, છતાં ત્રણ વર્ષ પહેલાં બનેલી શિકારની ઘટનાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવધાની રાખી રહી છે.

સિંહ અને વાઘની કિંમત બે કરોડ !

વનવિભાગના તપાસકર્તા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ડ્રગ્સની હેરાફેરી પછી બીજા ક્રમે વન્યજીવોના જુદા જુદા અવયવોનો વાર્ષિક વેપાર ૨૦ બિલિયન યુ.એસ. ડોલર જેટલો છે. બીજી તરફ ભારતમાં જો એક વાઘ કે સિંહની હત્યા કરવામાં આવે તો શિકારી ગેંગના માફિયાઓને અંદાજે બે કરોડ જેટલો વકરો થાય છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં હત્યા કરાયેલા વાઘના ગુપ્તાંગનો સૂપ બનાવાય છે, જે જાતીયશક્તિમાં વધારો કરતો હોવાની માન્યતા છે.

ડાંગમાં વાઘના વસવાટ માટે અભ્યાસ

ગુજરાતમાં ૨૦૦૭ના વર્ષમાં આઠ જેટલા સિંહોના શિકારની ઘટના બાદ રાજ્ય સરકારે સિંહોના રક્ષણ માટે ૪૦ કરોડનો એકશન પ્લાન બનાવ્યો છે. વનવિભાગમાં અલગથી રચવામાં આવેલા વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ સેલના ચીફ કન્ઝર્વેટર ડી.કે. શર્માએ જણાવ્યું હતું કે, ગીરના રક્ષિત વિસ્તારમાં સિંહોની સલામતી માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વાઘનું પુન: વસન કરવાની કેન્દ્રની દરખાસ્તના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, દહેરાદુનની વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટને અભ્યાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લે ૧૯૮૫માં ડાંગ જિલ્લાના પૂર્ણા અભયારણ્યમાં વાઘ જોવા મળ્યો હતો. તેથી આ અભયારણ્યમાં વાઘને વસાવી શકાય કે કેમ તે શક્યતા ચકાસવામાં આવી રહી છે.

દાણચોરી માટે નેપાળ સરહદ સંવેદનશીલ

વાઘ અને સિંહનાં હાડકાંમાંથી દવાઓ બનાવવામાં આવે છે. કેટલાક લોકો વાઘ-સિંહના નખ તેમજ દાંતનું પેન્ડલ બનાવી ગળામાં પહેરે છે. આ પ્રાણીઓની ચામડીનો ઉપયોગ જેકેટ, પર્સ, લેધર બેલ્ટ તેમજ અન્ય સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગ થાય છે. અમેરિકા અને ચીનમાં વાઘને પાલતુ પ્રાણી તરીકે ફાર્મહાઉસમાં રાખવાની કાયદામાં છૂટ આપવામાં આવેલી છે, તેથી અમેરિકામાં ૪૬૯૨ અને ચીનમાં ૪૦૦૦ કરતાં વધુ વાઘને રાખવામાં આવે છે. ભારતમાં વાઘની હત્યા કર્યા પછી તેના અંગોની દાણચોરી માટે નેપાળ બોર્ડર અને મ્યાનમાર સાથે સંકળાયેલી મોરેહ બોર્ડરનો ઉપયોગ થઇ રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/24/100224031238_hunter_of_lion-tiger.html

No comments: