Thursday, March 25, 2010

તળાજા નજીક શેત્રુંજી કાંઠામાં હાહાકાર મચાવતા વનરાજા

Thursday, Mar 25th, 2010, 2:03 am [IST]

danik bhaskarBhaskar News, Talaja

રોયલ ગામની સીમમાં ત્રાટકી સાવજે બે બકરા અને એક ગાયનું મારણ કરી નાંદવાની વાડીમાં વાછરડાનું ભક્ષણ કર્યું

તળાજા નજીક શેત્રુંજી કાંઠાનાં ગામોમાં હાહાકાર મચાવતા વનરાજાએ ગત મોડી રાત્રી બાદ રોયલ ગામની સીમ વાડીઓમાં ત્રાટકીને બે પાલતુ બકરી અને એક રેઢીયાળ ગાયનું મારણ કરી નાંદવાની વાડીમાં એક વાછરડીનું મારણ કરી ભક્ષણ કરતા વન વિભાગ સક્રિય થઇ ગયેલ છે.

મંગળવારની વહેલી સવાર દાત્રડ ગામનાં ધીરૂભાઇ પ્રેમજીભાઇ પંડ્યાની વાડીમાં આરામ ફરમાવ્યા બાદ મોડી સાંજે હબુકવડ ગામની સીમ વાડીઓમાં ગામનાં વેલજીભાઇએ બે સિંહોને જોયા હતા. જે વનરાજા મોડીરાત્રિ બાદ હબુકવડ વટીને રોયલ ગામની સીમમાં આવેલ માધવજી છગનભાઇ ભટ્ટની વાડીમાં બેસારેલ બીજલભાઇ હમીરભાઇ રાઠોડનાં બકરા-ધેટાનાં ઝોકમાં ત્રાટકી બે બકરાને ઝપટે લઇ મારી નાંખ્યા હતા. આ સમયે હોહા થતાં લોકો જાગી જતાં શિકારી નાસી છૂટેલ.

તેમજ રોયલની સીમમાં ભીખાભાઇ ખરડની વાડીમાં ફરતી એક રેઢીયાળ ગાયનું પણ થાયો મારીને મારણ કર્યું હતું. આ બનાવોની જાણ રોયલનાં સરપંચ મુકેશભાઇ બેચરભાઇ ગાંગાણીએ તળાજા વન વિભાગને કરતા આરએફઓ આર.યુ. જોષીની સુચનાથી વન રક્ષક એસ.પી. વાળાએ બે સિંહોનાં સગડ મેળવી રોયલ હબુકવડનાં રસ્તે તપાસ કરતા કાગબાઇની ધાર પાછળ ચુનીભાઇ કેશવજીભાઇ નાંદવાની વાડીમાંઅકે વાછરડાનું મારણ અને ભક્ષણ કરી ક્ષુધા તૃપ્ત કરી હોવાનું જાણવા મળતા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/25/100325020301_fear_of_lion_at_sentruji.html

No comments: