Friday, March 5, 2010

ઘઉંને પાણી પાઈ રહેલા ખેડૂત પર દીપડાનો હુમલો.

સાવરકુંડલા તા.૨૮ :

સાવરકુંડલા તાલુકામાં વન છોડીને દીપડાઓ અને સિંહો નાગરિક વિસ્તારોમાં ધસી આવ્યા છે. આજે તાલુકાના ઓળિયા ગામે વાડી વિસ્તારમાં એક ખેડુત ઘઉમાં પાણી પાઈ રહ્યાં હતા એ સમયે અચાનક વાડમાંથી દીપડો બહાર આવીને ખેડૂત પર હુમલો કરતા ખેડૂતને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની વધુ વિગત મુજબ સાવરકુંડલા તાલુકાનાં ઓળિયામાં હસમુખ પોપટભાઈ મોરડિયા નેસડી રોડ પર આવેલી વાડીએ સવારે દશ વાગ્યે ઘઉમાં પાણી વાળી રહ્યાં હતા.

એ સમયે અચાનક વાડમાંથી દીપડો કુદીને બહાર આવી સીધા હસમુખભાઈ પર હુમલો કરી દીધો હતો. છાતી પર, ડાબા હાથ પર,પીઠ પર હુમલો કરી દેતાં એ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જેને સારવાર માટે સાવરકુંડલાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માનવ પર હુમલો કરનાર આ દીપડો આદમખોર બની જાય એ પહેલા વનવિભાગ પકડી પાડે એવી માંગણી ઉઠી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=164143

No comments: