Wednesday, Feb 17th, 2010, 7:00 pm [IST]
Agency, New Delhi
પર્યાવરણ મંત્રી જયરામ રમેશે ડાંગમાં અભયારણ્ય સ્થાપવા મુખ્યમંત્રી મોદીને કરેલું સૂચનગીરના સિંહ મઘ્યપ્રદેશને સોંપવા સામે ગુજરાતના જોરદાર વિરોધને પગલે કેન્દ્રએ ગુજરાતને એશિયન લાયનના બદલામાં ડાંગમાં ફરી વાઘનું અભયારણ્ય ઊભું કરવા માટેની ઓફર કરી છે.
પર્યાવરણ મંત્રી જયરામ રમેશે મંગળવારે કહ્યું હતું કે તેમણે ગુજરાતના ડાંગ ક્ષેત્રમાં વાઘ માટે ફરીથી અભયારણ્ય રચવા માટે ઓફર કરી છે, જ્યાં ૨૫ વર્ષ પહેલાં વાઘ મોટી સંખ્યામાં હતા. ભારતમાં વન્યજીવો માટેના કાયદા પરની હેન્ડબુકના વિમોચન કાર્યક્રમ જયરામે કહ્યું કે ‘મેં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સૂચન કર્યું છે કે રાજ્યના સિંહને ખસેડવાના ઈન્સેન્ટીવ સ્વરૂપે નેશનલ ટાઈગર કોન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) ડાંગમાં વાઘનું અભયારણ્ય તૈયાર કરવા માટે કામ કરશે.’
જોકે જયરામ રમેશે મઘ્યપ્રદેશમાં સિંહની સુરક્ષા અંગેની ગુજરાતના મુખ્યમંત્રીની દલીલનો યોગ્ય જવાબ તેઓ આપી શકે તેમ નથી. ગુજરાતે ગીરના સિંહને મઘ્યપ્રદેશ ખસેડવાનો સ્પષ્ટ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ સિંહ અભયારણ્ય ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે.
ગુજરાતનો માલધારી સમાજ તેના જીવના જોખમે પણ સિંહની રક્ષા કરવા માટે જાણીતો છે. કેન્દ્રએ ગુજરાતના સિંહ મઘ્યપ્રદેશના શિવપુર જિલ્લાના કુનોપાલપુર ખાતે ખસેડવાની દરખાસ્ત કરી છે અને હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગીરના સિંહના શિકાર બાદ તેને અન્યત્ર ખસેડવા માટેનો વિવાદ ચાલી રહ્યો છે. મઘ્યપ્રદેશ સરકાર પોતાના ત્યાં સિંહ લેવા તૈયાર છે પણ ગુજરાત તેનો વિરોધ કરી રહ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/17/100217000550_offer_of_tiger_sanctuary.html
No comments:
Post a Comment