અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો રોજેરોજ માલધારીઓના માલઢોરનું મારણ કરી રહ્યા છે. આજે સાવજોએ મોણવેલ અને ધારગણી ગામમાં ચાર પશુનું મારણ કર્યું હતું. જે પૈકી બળદ અને બકરીને ફાડી ખાધા હતા. જયારે બે ઘેંટાને ઉપાડી ગયા બાદ તેનો કોઇ અતોપતો નથી.
રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સાવજો પોતાના પેટની આગ ઠારવા દરરોજ કાળો કેર વર્તાવી પશુઓનું મારણ કરી રહ્યા છે અને બીજા શબ્દોમાં જંગલ બાદ હવે રેવન્યુ વિસ્તારમાં પણ પોતાની આણ વર્તાવી રહ્યા છે. ધારી તાલુકામાં ગઇકાલે સાવજો દ્વારા ચાર પશુનું મારણ કરવામાં આવ્યું હતું. મોણવેલની સીમમાં બળદ તથા ધારગણીની સીમમાં બે ઘેટાં અને એક બકરીનું મારણ કરાયું હતું.જંગલ ખાતાના સૂત્રોમાંથી જાણવા મળતી વગિત મુજબ, ધારીના મોણવેલ ગામની સીમમાં લાખાભાઇ ગોરધનભાઇ દેવીપૂજકનો બળદ સીમમાં બાંધ્યો હતો ત્યારે ધોળા દિવસે ચાર સાવજો તેના પર તૂટી પડ્યા હતા અને તેના રામ રમાડી દીધા હતા. બનાવની જાણ થતાં આર.એફ.ઓ. એ.ડી. અટારા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.અન્ય એક ઘટનામાં ચલાલા તાબાના ધારગણી ગામના મામૈયાભાઇ ભરવાડની ઝોકમાં ગઇ વહેલી સવારે ત્રાટકેલા સિંહોએ એક બકરીને ફાડી ખાધી હતી. જયારે બે ઘેટાંને સાવજો ઉપાડી ગયા હતા. આજુબાજુ શોધખોળ કરવા છતાં ઘેટાંના અવશેષો પણ હાથ નહીં લાગ્યા હોવાનું જાણવા મળેલ છે.
Source:http://www.divyabhaskar.co.in/2010/03/11/100311041940_351929.html
No comments:
Post a Comment